દીકરાની ટ્યૂશનની ફી માગતા પત્ની, પુત્રને પતિએ ઘરમાંથી કાઢી મૂક્યા
અમદાવાદ, નરોડામાં રહેતી પરિણીતાએ દીકરાની ટ્યૂશન ફી ભરવા પતિ પાસે રૂપિયા માગ્યા હતા. પતિએ રૂપિયા ન આપીને પત્ની અને દીકરાને માર મારી ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે. સાસુ અને સસરા તથા બે નણંદો કરિયાવરમાં કશું લાવી નથી કહીને પરિણીતાને હેરાન કરતા રહેતા હતા.
આખરે કંટાળીને પરિણીતાએ નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ-સસરા તથા બે નણંદો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નરોડા હરિદર્શન ચાર રસ્તા નજીક રહેતા વીણાબેન પરમાર (ઉ.વ.૩૫)ના લગ્ન ૨૦૦૭માં નરોડામાં રહેતા અમરિષભાઈ સાથે થયા હતા. લગ્નના થોડા વર્ષ બાદ પતિ તેમજ સાસરિયાં પરિણીતાને નાની-નાની બાબતોમાં મેણાંટોણાં મારીને હેરાન કરવામાં આવતા હતા.
લગ્નના બે વર્ષ બાદ પુત્રવધૂએ દીકરાને જન્મ આપ્યા બાદ થોડા સમય સુધી તેની સાથે સારું વર્તન કરવામાં આવ્યું હતું. થોડા મહિના બાદ મહિલાનો પતિ રોજ દારૂ પીને ઘરે આવતો અને પત્ની સાથે મારઝૂડ કરતો હતો.
સાસુ-સસરા તથા બે નણંદો પણ કરિયાવર કઈ લાવી નથી તેમ કહીને ત્રાસ આપતા હતા. કંટાળીને તે બાળક સાથે પિતાના ઘરે રહેવા માટે જતી રહી હતી. સમાધાન થતાં મહિલાએ નજીકમાં એક મકાન ભાડે લીધું હતું અને પતિ સાથે રહેતી હતી. ત્યારબાદ પણ મહિલાનો પતિ દારૂ પીતો રહેતો હતો અને નોકરી ધંધો કરતો ન હતો.
ગત ૩૧ માર્ચના બપોરે પત્નીએ તેના પતિ પાસે દીકરાની ટ્યૂશનની ફી ભરવા રૂપિયા માગ્યા હતા. ગુસ્સામાં આવીને પતિએ તેની પત્ની સાથે મારઝૂડ કરવાનું શરૂ કરી દીધું હતું. દીકરા અને પત્નીને મારી મારીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. મહિલાએ પતિ સહિત સાસરીના કુલ ચાર લોકો વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.SS1MS