Western Times News

Gujarati News

છૂટાછેડાંનો કેસ ચાલુ હોય ત્યારે પત્ની પતિના ઘર જેવી જ સુવિધા મેળવવા હકદાર: સુપ્રીમ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના કેસની સુનાવણી વખતે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું છે કે, કેસ ચાલુ હોય ત્યારે પત્ની પતિના ઘર જેવી જ સુવિધા મેળવવાનો અધિકાર ધરાવે છે.

કેરલના કાર્ડિયોલોજિસ્ટના કેસમાં કોર્ટે પત્નીનું વચગાળાના ભરણપોષણ (મેન્ટેનન્સ)ની રકમ વધારીને મહિને રૂ.૧.૭૫ લાખ કરવાનો પણ નિર્દેશ કર્યાે હતો. અગાઉ હાઇકોર્ટે મેન્ટેનન્સમાં ઘટાડો કર્યાે હતો.છૂટાછેડાના કેસમાં ફેમિલી કોર્ટે પત્નીને મહિને મેન્ટેનન્સ પેટે રૂ.૧.૭૫ લાખ આપવાનો આદેશ કર્યાે હતો, પણ મદ્રાસ હાઇકોર્ટે તે ઘટાડીને મહિને રૂ.૮૦,૦૦૦ કર્યું હતું.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, “હાઇકોર્ટે ફેમિલી કોર્ટ દ્વારા ધ્યાનમાં લેવાયેલા પતિની આવકના કેટલાક પાસાંની અવગણના કરી છે. ઉપરાંત, અરજદાર (પત્ની)એ લગ્ન પછી તેની નોકરી છોડી દીધી હોવાની બાબત પણ ધ્યાનમાં લેવી જરૂરી છે.” કોર્ટે કહ્યું હતું કે, “પતિના ઘરમાં પત્ની ચોક્કસ જીવનશૈલીથી ટેવાયેલી હતી.

એટલે છૂટાછેડાનો કેસ ચાલે ત્યાં સુધી તેને પતિના ઘર જેવી જ સગવડો ભોગવવાનો અધિકાર છે. ફેમિલી કોર્ટે પતિના સ્ટેટસ, જીવન ધોરણ, આવકના સ્રોત, મિલકતો સહિતની બાબતોની તુલના કરી ત્યારે જણાયું કે પતિ દ્વારા ભોગવવામાં આવતી સુવિધા પત્નીને આપવાનું નકારી શકાય નહીં.”

સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે, “અમે પત્નીની અપીલનો સ્વીકાર કરીએ છીએ અને મદ્રાસ હાઇકોર્ટના ૧ ડિસેમ્બર, ૨૦૨૨ના આદેશને રદ કરી ફેમિલી કોર્ટનો આદેશ લાગુ કરવા જણાવ્યું હતું. જેના ભાગરૂપે પતિને મહિને વચગાળાના મેન્ટેનન્સ પેટે રૂ.૧,૭૫,૦૦૦ની રકમ આપવા નિર્દેશ કર્યાે હતો.”

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પતિએ આપેલા પુરાવા દર્શાવે છે કે, તે જાણીતા કાર્ડિયોલોજિસ્ટ છે. તેમની પાસે ઘણી ‘કીમતી મિલકતો’ છે અને તે મૃત્યુ પામેલા પિતાના એક માત્ર વારસ છે. તેમની માતા ૯૩ વર્ષના છે અને માતાની મિલકતોમાંથી પણ તે (પતિ) મોટી આવક મેળવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.