પત્નીએ પતિના ત્રાસથી છઠ્ઠા માળેથી ઝંપલાવ્યું
અમદાવાદ, શહેરના નારોલ વિસ્તારમાં પતિના ત્રાસથી પરિણીતાએ છઠ્ઠા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. જો પત્ની મોબાઇલ ફોનનો ઉપયોગ કરે, સારા કપડા પહેરે કે સારી રીતે તૈયાર થાય તો પણ તેની સાથે શંકાશીલ પતિ બોલાચાલી ઝઘડો કરીને મારઝુડ કરતો હતો. યુવતીના ભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસએ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
શહેરના નારોલ વિસ્તારમાં ૪ નવેમ્બરના દિવસે પરિણીતાએ છઠ્ઠા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. પરિણીતાએ એકાદ વર્ષ પહેલા જગદીશ રાઠોડ નામના યુવક સાથે લગ્ન કર્યા હતાં. જો કે લગ્નના છ મહિના સુધી બન્ને મનમેળથી રહેતા હતાં. પરંતુ બાદમાં નાની નાની બાબતોએ બન્ને વચ્ચે ઝઘડા થતા હતાં.
જો યુવતી મોબાઇલમાં વીડિયો ઉતારે, સારા કપડા પહેરે, સારી રીતે તૈયાર થાય કે પછી મોબાઇલ ફોનનો ઉપયોગ કરે તો પણ તેનો પતિ તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને મારઝુડ કરતો હતો. જેનાથી કંટાળીને યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળ પર પહોચી હતી. અને મૃતક યુવતીના ભાઇની ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી છે.
બનાવ અંગે વાત કરીએ તો દિવાળીનો પર્વ હોવાથી યુવતી ૨જી નવેમ્બરના દિવસે તેના ભાઇના ઘરે રોકાવા માટે ગયેલ. જો કે ૪થી નવેમ્બરના દિવસે બપોરના સમયે તેનો પતિ ત્યાં આવ્યો હતો. અને પતિએ પત્નીને કહેલ કે મેં તને અહિંયા આવવાની ના પાડેલ છે તેમ છતાં તું અહિંયા કેમ આવી છે. અને કેમ અહિયા રોકાયેલ છે. તેમ કહીને તેની સાથે મારઝુડ કરી તેને સાસરીમાં પરત લઇ ગયો હતો.
બાદમાં સાંજના છ વાગ્યાની આસપાસ આરોપીએ યુવતીના ભાઇને ફોન કરીને કહ્યું હતું કે સવાર સુધીમાં છુટાછેડાના કાગળીયા તૈયાર કરી લેજો નહીતર તારી બહેનને આખી રાત મારીશ. જો કે ફરીયાદી ગભરાઇને તેના પત્ની અને બહેન સાથે નારોલ પહોચ્યા હતાં.
જ્યાં યુવતીના સાસરિયાઓ પણ હાજર હતાં. અને તેમની સાથે વાતચીત દરમિયાન બોલાચાલી થતાં યુવતીનો પતિ તેને મારવા માટે ગયો હતો. જેથી યુવતીએ ગેલેરીમાંથી નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.