Western Times News

Gujarati News

ત્રીજા લગ્ન કરવા અધીરા થયેલા પતિને પાઠ ભણાવવા પત્ની પોલીસના શરણે

પ્રતિકાત્મક

ગાંધીનગર, ત્રીજા લગ્ન કરવા અધીરા થયેલા પતિને પાઠ ભણાવવા પત્નીએ પોલીસનું શરણું લીધુ હોવાનો બનાવ મહિલા પોલીસમાં નોંધાયો છે. અસહ્ય ત્રાસનો ભોગ બનેલી પરિણીતાએ પતિ સહિતનાં સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જીવનસાથી મેટ્રીમોની સાઈટ પર રજિસ્ટ્રેશન કરનાર પતિના કરતુતની જાણ થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

ચોંકાવનારા બનાવની વિગતો એવી છે કે ગાંધીનગરમાં રહેતી અને સરકારી નોકરી કરતી યુવતીના પ્રથમ લગ્ન અમદાવાદ થયા હતા, પરંતુ પતિ સાથે મનમેળ નહીં આવતાં ૨૦૧૮માં છૂટાછેડા થયા હતા. બાદમાં જાન્યુઆરી-૨૦૨૩માં તેના બીજા લગ્ન માણસાનાં ડિવોર્સી યુવક સાથે હિન્દુવિધિ મુજબ થયા હતા. ત્યારથી યુવતી સોના-ચાંદીના દાગીના, ઘરવખરીનો સામાન, કપડાં ભેટ-સોગાદ સહિતની વસ્તુઓ લઈને સાસરીમાં ગઈ હતી.

યુવતીની નોકરી ગાંધીનગર હોવાથી લગ્નના દોઢ મહિના પછી દંપતીએ સેક્ટર-૧૪માં રહેવા આવવાનું નક્કી કર્યું હતું. એ વખતે નણંદે સાસુ-સસરાની સેવા કરવા બાબતે ઝઘડો કર્યાે હતો. જ્યારે સાસુએ પિયરમાંથી દહેજરૂપે અન્ય દાગીના લાવવા દબાણ કરવાનું ચાલુ કર્યું હતું. બાદમાં ઘરનો ઘર સામાન ગાંધીનગર લાવવા ડાલુ મંગાવવાની પરિણીતાએ વાત કરતાં પતિએ ઉશ્કેરાઈ જઈ માથાકૂટ કરી હતી. બીજું લગ્ન તૂટે નહીં તે હેતુથી યુવતી, સાસુ, નણંદ અને પતિનો ત્રાસ મૂંગા મોઢે સહન કરતી હતી.

દરમિયાન પરિવાર સૌરાષ્ટ્ર ફરવા ગયા ત્યારે ચોટીલા ખાતે રાત્રે પતિએ જમવાની બાબતે ઝઘડો કરી મારઝૂડ કરી હતી. જે પછી પતિ-પત્ની સેક્ટર-૧૪માં રહેવા માટે આવ્યા હતા. ત્યાં પણ નણંદ આવીને કહેતી કે ભાઈની અગાઉની પત્નીએ માર-મારી ભગાડી મુકી હતી તમે પણ સરખા નહીં રહો તો તમને પણ તગેડી મૂકેશું. બીજી તરફ પતિ કોઈને કોઈ બહાને માણસા ખાતે તેના માતા-પિતા સાથે રહેવા જતો રહેતો હતો.

આમને આમ ચાલતું રહેતા પરિણીતાએ વિરોધ કરતાં પતિ મારઝૂડ કરીને જુલાઈ-૨૦૨૩માં પોતાનો સામાન લઈને માણસા રહેવા જતો રહ્યો હતો અને આજદિન સુધી સમાધાન કરી તેડી ગયો ન હતો. ત્યારે પતિએ ત્રીજા લગ્ન કરવા માટે જીવનસાથી મેટ્રોમની સાઈટ ઉપર રજિસ્ટ્રેશન કરાવી ૫ વર્ષથી ડિવોર્સી હોવાનું દર્શાવી નવા પાત્રની શોધખોળ કરવામાં આવતી હોવાની જાણ પરિણીતાને થઈ ગઈ હતી. જેથી પરિણીતાએ આખરે પોલીસનું શરણું લીધું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.