Western Times News

Gujarati News

કેનેડા વિદેશી સ્ટુડન્ટની સંખ્યા પર અંકુશ મૂકશે?

નવી દિલ્હી, કેનેડાની પોલિસી અત્યાર સુધી શક્ય એટલા વિદેશી સ્ટુડન્ટને આવકાર આપવાની રહી છે. પરંતુ હવે ધીમે ધીમે પોલિસીમાં ફેરફાર થઈ રહ્યો છે. કેનેડામાં છેલ્લા કેટલાક સમયથી હાઉસિંગની કટોકટી છે જેના કારણે હવે અહીં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટની સંખ્યા પર અંકુશ મૂકવા વિચારણા ચાલે છે.

કેનેડાના ટોચના નેતાઓનું કહેવું છે કે તેમના દેશની સિસ્ટમ ખોરવાઈ ગઈ છે અને હવે તેને ફિક્સ કરવાની જરૂર છે. કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે જણાવ્યું કે દેશમાં બેરોજગારી અને હાઉસિંગ કટોકટી વધી રહી છે. કેનેડામાં જે લોકો કામની શોધમાં આવે છે તેમને કામ કે રહેવા માટે મકાન મળી શકતું નથી.

તેના કારણે આખી સિસ્ટમ સુધારવી જરૂરી છે. બેરોજગારી અને મકાનોની અછત વિશે ઘણા સમયથી ફરિયાદ થઈ રહી છે. ભારતથી કામની શોધમાં અને કેનેડામાં કાયમ માટે સેટલ થવા ગયેલા યુવાનોને પણ કડવી વાસ્તવિકતા સમજાઈ છે. તેના કારણે કેનેડાનું સ્વપ્ન અધવચ્ચેથી છોડીને પરત આવી જતા લોકોની સંખ્યા પણ વધી છે. આ દરમિયાન કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર મિલરે કહ્યું કે આગામી અમુક મહિનામાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટની સંખ્યા પર અંકુશ લાદવામાં આવી શકે છે.

ચાલુ વર્ષના પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં આ પગલાંનો અમલ થવાની શક્યતા છે. ખાસ કરીને હાઉસિંગની વધતી અછતથી કેનેડા પરેશાન છે. જોકે, કેનેડા હવે વિદેશી સ્ટુડન્ટની સંખ્યામાં કેટલો કાપ મૂકશે તે સ્પષ્ટ નથી થયું. આખા કેનેડા માટે પણ એક આંકડો નહીં હોય. દરેક પ્રોવિન્સ પોતાની જરૂરિયાત પ્રમાણે સ્ટુડન્ટની સંખ્યાને લિમિટ કરી શકે છે.

આ દરમિયાન કેનેડાથી બહારના લોકો આવવાનું સાવ બંધ નહીં થાય. એક અંદાજ પ્રમાણે વર્ષ ૨૦૨૪માં કેનેડામાં ૪.૮૫ લાખ લોકોને વસવાટની મંજૂરી આપવામાં આવશે જ્યારે વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬માં આ આંકડો પાંચ લાખનો હશે. કેનેડામાં આવતા સ્ટુડન્ટ વિશે વાત કરતા મિલરે કહ્યું કે આપણે આપણી જોબ કરવાની છે.

આપણી સિસ્ટમ એવી હોવી જોઈએ જેમાં આપણને પહેલેથી ખબર હોય કે વિદેશથી કેનેડા આવતા લોકો નાણાકીય રીતે સક્ષમ હોય. આપણે તેમના ઓફર લેટરને વેરિફાઈ કરવા પડશે. વર્ષ ૨૦૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં લગભગ ત્રણ લાખ ટેમ્પરરી રેસિડન્ટ કેનેડા આવ્યા હતા જેમાં વિદેશી સ્ટુડન્ટની સાથે સાથે માઈગ્રન્ટ વર્કર્સ પણ સામેલ હતા.

માર્ક મિલરે એમ પણ જણાવ્યું કે કેનેડામાં ઈમિગ્રન્ટની સંખ્યા વધવાના કારણે કેવી અસર થાય છે તેનો પણ અભ્યાસ કરવો પડશે. પર્મેનન્ટ અને ટેમ્પરરી બંને રેસિડન્ટની વધતી સંખ્યાની અસર જાણવી પડશે. આપણે હવે વિચારવાનું છે કે વર્કર્સની સંખ્યા વધવાના કારણે ચોક્કસ એરિયામાં કેવી અસર પડે છે.

કેનેડા દ્વારા વિદેશી સ્ટુડન્ટ અને કામદારો પર અંકુશ મુકવામાં આવશે તો દેશને ફાયદો થવાના બદલે વધારે નુકસાન થશે તેવી આગાહી એક્સપર્ટ વ્યક્ત કરી ચૂક્યા છે. ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે કેનેડાએ માત્ર હાઉસિંગ ક્રાઈસિસનું કારણ આપીને વિદેશીઓને આવતા અટકાવવા ન જોઈએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.