૬ વર્ષથી હિટ ફિલ્મ માટે તરસતી દિશા પટાણીનું નસીબ ‘કલ્કિ’થી બદલાશે?
મુંબઈ, ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી વધુ બજેટ ધરાવતી ‘કલ્કિ ૨૮૯૮ એડી’ આ સપ્તાહે રિલીઝ થઈ રહી છે. લીડ સ્ટાર્સ પ્રભાસ અને દીપિકા ઉપરાંત ડાયરેક્ટર નાગ અશ્વિન માટે આ ફિલ્મ ખૂબ મહત્ત્વની છે.
‘સાલાર’ બાદ વધુ એક ફિલ્મ સફળ રહે તો પ્રભાસના સિતારા ફરી બુલંદી પર આવી શકે છે, જ્યારે ૨૦૨૩ની સૌથી વધુ હિટ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનો જાદુ યથાવત રાખવામાં ‘કલ્કિ ૨૮૯૮ એડી’ મદદરૂપ બની શકે છે. પાછલા છ વર્ષથી હિટ માટે તરસી રહેલી દિશા પટાણી માટે આ ફિલ્મ ઘણી મહત્ત્વની છે.
૨૦૧૬ના વર્ષમાં એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીથી દિશાએ દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. ૨૦૧૮માં ટાઈગર શ્રોફ સાથે ‘બાગી ૨’ના કારણે દિશાએ ટોચના સ્ટાર્સમાં સ્થાન મેળવી લીધું હતું. દિશાને ત્યારબાદ મોટાં બેનર અન સ્ટાર્સ સાથે ફિલ્મ કરવાની તક મળી હતી.
છેલ્લા છ વર્ષમાં દિશાની છ બિગ બજેટ ફિલ્મો આવી છે, પરંતુ તેમાંથી એક પણ બોક્સઓફિસ પર કમાલ કરી શકી નથી. ‘બાગી ૨’ પછી દિશાએ ૨૦૨૦માં આદિત્ય રોય કપૂર સાથે ‘મલંગ’માં લીડ રોલ કર્યાે હતો.
આ એક્શન થ્રિલર ફિલ્મમાં દિશા-આદિત્યની કેમિસ્ટ્રી વખણાઈ હતી, પરંતુ બોક્સઓફિસ પર તેને માત્ર રૂ.૫૯.૦૪ કરોડનું કલેક્શન મળ્યું હતું. જોન અબ્રાહમ, તારા સુતરીયા અને અર્જુન કપૂર સાથે ‘એક વિલન રિટર્ન્સ’માં પણ દિશાનો મહત્ત્વનો રોલ હતો.
આ ફિલ્મ ઓડિયન્સને ખાસ પસંદ આવી નહીં અને માત્ર રૂ.૪૧.૯૪ કરોડનું કલેક્શન મેળવી શકી. ૨૦૨૪માં સિદ્ધાર્થ મલહોત્રા સાથે ‘યોદ્ધા’માં દિશાનો લીડ રોલ હતો અને કરણ જોહરનું બેનર પણ હતું. જો કે આ ફિલ્મ માત્ર રૂ.૩૩ કરોડનું કલેક્શન મેળવી શકી.
‘બાગી ૨’ના છ વર્ષ સુધી દિશાની કોઈ ફિલ્મ બોક્સઓફિસ પર ટકી શકી નથી. સલમાન સાથે ‘ભારત’ અને ‘બાગી ૩’માં દિશાનો કેમિયો હતો, જ્યારે સલમાન સાથેની ‘રાધેઃ મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ઝી ૫ રિલીઝ થઈ હતી. ‘કલ્કિ ૨૮૯૮ એડી’ના પ્રોડક્શનમાં જંગી ખર્ચ કરવામાં આવ્યો છે અને તે સાથે સ્ટાર કાસ્ટ પણ મોટી છે.
ફિલ્મને હિટ બનાવવામાં મેકર્સે કોઈ કચાશ રાખી નથી, પરંતુ ખરો નિર્ણય ઓડિયન્સે કરવાનો છે. તૃપ્તિ ડીમરી માટે ‘એનિમલ’ ગેમ ચેન્જર સાબિત થઈ છે ત્યારે દિશાનું નસીબ બદલવામાં ‘કલ્કિ ૨૮૯૮ એડી’ કેટલી સફળ રહે છ તે જોવું રહ્યું.SS1MS