જેકલીનને ખુશ કરવા હોલિવૂડમાં રૂ.૧૧૩૦ કરોડ રોકીશઃ સુકેશ
મુંબઈ, કૌભાંડી સુકેશ ચક્રવર્તી જેલવાસ દરમિયાન સતત જેકલીન ફર્નાન્ડિઝ પ્રત્યે લાગણી વ્યક્ત કરી રહ્યો છે. રૂ.૨૦૦ કરોડના કૌભાંડીએ જેલમાંથી અમેરિકાના પદનામિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપતો પત્ર લખ્યો છે. જેમાં સુકેશે પોતાના લેડી લવ જેકલીનને ખુશ કરવા લોસ એન્જેલસ સ્ટુડિયોમાં ૧૩૫ મિલિયન ડોલર (રૂ.૧૧૩૦ કરોડ)નું રોકાણ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યાે છે.
સુકેશે પોતાના પત્રમાં ટ્રમ્પને ‘બિગ બ્રો’ ગણાવ્યા છે અને અમેરિકાની ચૂંટણીમાં વિજય બદલ શુભેચ્છા આપી છે. હાથેથી લખેલા પત્રમાં સુકેશે એક દાયકા અગાઉ ટ્રમ્પ સાથે થયેલી મુલાકાતનું સ્મરણ કર્યું હતું. જેમાં ટ્રમ્પે આપેલી સલાહને તેણે યાદ કરી હતી.
સુકેશના દાવા મુજબ, ટ્રમ્પે તેને જણાવ્યુ હતું કે, દુનિયા જેવી છે તેનો સ્વીકાર કરી લો અથવા તેમાં પોતાની રીતે ફેરફાર લાવો. ટ્રમ્પની આ સલાહ સતત કાનમાં ગૂંજતી હોવાનો અને પ્રોત્સાહિત કરતી હોવાનો દાવો સુકેશે કર્યાે છે. પત્રમાં સુકેશે બે કંપનીનો ઉલ્લેખ કર્યાે છે.
એલએસ હોલ્ડ્ગ્સ અને એલએસ ગેમિંગ એલએલસી કંપની નામની આ કંપની પોતાની હોવાનું સુકેશે કહ્યું છે. આગામી બે વર્ષ દરમિયાન અમેરિકામાં આ બંને કંપનીનું રોકાણ વધારીને ૫૦૦ મિલિયન ડોલર (રૂ.૪૨૦૦ કરોડ) કરવાનું આયોજન સુકેશે જાહેર કર્યું છે.
સુકેશે જેકલીન સાથે વીતાવેલા સમયને પણ યાદ કર્યાે હતો અને જેકલીને આપેલી સલાહ વાગોળી હતી. જેમાં જેકલીને કહ્યું હતું કે, તમારી મહિલાનું હંમેશા સન્માન જાળવવું જોઈએ અને તેને ખાસ હોવાનો અનુભવ કરાવવો જોઈએ. જેકલીનની આ ખુશી માટે લોસ એન્જેલસમાં આવેલા મોટા પ્રોડક્શન હાઉસમાં ૧૩૫ મિલિયન ડોલરનું રોકાણ નક્કી કર્યું છે.
જેથી તેને સ્પેશિયલ ફીલ કરાવી શકાય.ઉલ્લેખનીય છે કે, કરોડો રૂપિયાની ઠગાઈના કેસમાં ૨૦૧૫ના વર્ષથી સુકેશ જેલમાં બંધ છે. સુકેશની પૂછપરછ દરમિયાન જેકલીન સાથેની નિકટતા અંગે ખુલાસો થયો હતો. સુકેશ તરફથી કરોડો રૂપિયાની ગિફ્ટ્સ લેવાના કારણે જેકલીન પણ આ કેસમાં સહઆરોપી બની હતી.SS1MS