Western Times News

Gujarati News

અમેરિકાનાં જ્યોર્જિયામાં હવે ઈલીગલ ઈમિગ્રન્ટ્‌સનું રહેવું મુશ્કેલ બનશે?

નવી દિલ્હી, અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં ગુજરાતીઓની ખાસ્સી વસ્તી છે, અને તેમાંના ઘણા ઈલીગલ માઈગ્રન્ટ્‌સ પણ છે. જોકે, થોડા દિવસો પહેલા વેનેઝુએલાના એક અનડોક્યુમેન્ટેડ માઈગ્રન્ટે ૨૧ વર્ષની એક અમેરિકન સ્ટૂડન્ટની હત્યા કરી નાખતા જ્યોર્જિયામાં એટલો હોબાળો થયો છે કે રાજ્યના હાઉસ રિપબ્લિકન્સે અનડોક્યુમેન્ટેડ માઈગ્રન્ટ્‌સ પર સખ્તી વધારવા માટે એક ખરડાને પસાર કરી દીધો છે.

આ ખરડો કાયદાનું સ્વરૂપ ધારણ કરશે ત્યારબાદ સ્થાનિક પોલીસ તેમજ શેરિફને અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્‌સની ઓળખ કરી તેમની ધરપકડ કરવા ઉપરાંત ડિટેઈન કરીને ડિપોર્ટ કરવાની કામગીરીમાં ઈમિગ્રેશન વિભાગને મદદ કરવાનું ફરજિયાત બની શકે છે.

અમેરિકામાં ચૂંટણી ટાણે ડોનાલ્ડ ટ્રમ્પ માઈગ્રન્ટ્‌સને લીધે ક્રાઈમ રેટ વધી રહ્યો હોવાની વાતો કરીને ડેમોક્રેટ્‌સને નિશાના પર લઈ રહ્યા છે, ત્યારે હવે જ્યોર્જિયાએ એવો કાયદો બનવવા માટે તૈયારી શરૂ કરી છે કે જેનાથી રાજ્યમાં ઈલીગલી રહેતા માઈગ્રન્ટ્‌સની મુશ્કેલી વધી શકે છે.

જ્યોર્જિયા જે કાયદો લાગુ કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે તેમાં જેલના અધિકારીઓએ કોઈપણ કેદી અમેરિકામાં રહેતો ઈલીગલ ઈમિગ્રન્ટ છે કે નહીં તે ઈમિગ્રેશન વિભાગ સાથે કન્ફર્મ કરવું પડશે. આ કાયદા અનુસાર કોઈ આરોપીનું ઈમિગ્રેશન સ્ટેટસ આઈસ સાથે ચેક નહીં કરે તો તેમને કસૂરવાર ગણવામાં આવશે, તેમજ કાયદાનું પાલન ના કરનારી જેલો અને શેરિફ્સને ફંડ પણ અટકાવી દેવામાં આવશે.

એક તરફ રિપબ્લિકન્સ લોકોની સેફ્ટી માટે આ કાયદો જરૂરી હોવાની દલીલ કરી રહ્યા છે જ્યારે બીજી તરફ ડેમોક્રેટ્‌સનું એવું કહેવું છે કે તેનાથી આરોપીને વધુ સમય જેલમાં રહેવું પડશે અને ઈલીગલ ઈમિગ્રન્ટ્‌સને તેમના અમેરિકામાં જન્મેલા બાળકોથી અલગ થવાની નોબત આવશે. એટલું જ નહીં, જો પોલીસ ઈલીગલ ઈમિગ્રન્ટ્‌સ સામે કાર્યવાહી શરૂ કરશે તો લોકોનો પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જશે.

ડેમોક્રેટ્‌સની એવી પણ દલીલ છે કે આ બિલને ખોટા નેરેટિવને આધારે પસાર કરવામાં આવ્યું છે, જ્યારે હકીકત એ છે કે માઈગ્રન્ટ્‌સમાં ક્રાઈમ રેટ ઓછો છે.

અમેરિકામાં હાલ ટેક્સાસ અને ફ્લોરિડા એવા બે રાજ્યો છે કે જ્યાં ઈલીગલ માઈગ્રન્ટ્‌સ વિરૂદ્ધ કડક કાયદા અમલમાં છે, જેમાં ટેક્સાસે તો હાલમાં જ સ્થાનિક પોલીસને ઈલીગલ ઈમિગ્રન્ટ્‌સને પકડીને તેમને જેલભેગા કરવાની સત્તા આપી છે અને કોર્ટ પણ આવા માઈગ્રન્ટ્‌સને અમેરિકા છોડવા આદેશ કરી શકે છે. અમેરિકામાં ઈમિગ્રન્ટ્‌સને અરેસ્ટ કરવાની કે પછી તેમના પર કેસ ચલાવવાની સત્તા માત્ર ફેડરલ ગવર્મેન્ટ પાસે છે.

જોકે, હવે રાજ્યો તેમની વિરૂદ્ધ સખ્ત વલણ અપનાવતા કાયદા લાવી રહ્યા છે. ફ્લોરિડાએ ઈલીગલ ઈમિગ્રન્ટ્‌સને કોઈ કામ પર પણ ના રાખી શકે તેવો કાયદો અમલમાં મૂક્યો છે, આ કાયદા અનુસાર ઈલીગલ ઈમિગ્રન્ટ્‌સને ઈશ્યૂ થયેલા કોઈપણ ડોક્યુમેન્ટ્‌સ ફ્લોરિડામાં વેલિડ નથી, અને સરકારી હોસ્પિટલ કે ક્લિનિકમાં સારવાર કરાવવા જતા ઈમિગ્રન્ટ્‌સને માટે પોતાના સ્ટેટસની માહિતી આપવી ફરજિયાત છે.

જ્યોર્જિયાની જ વાત કરીએ તો અહીં જો કોઈ ઈલીગલ ઈમિગ્રન્ટ સામાન્ય ગુનામાં પકડાય તો લોકલ પોલીસ કે શેરિફ તેની જાણ ઈમિગ્રેશન વિભાગને નથી કરતા, પરંતુ નવા કાયદામાં તે ફરજિયા બની શકે છે અને જો આમ થયું તો સામાન્ય ગુનામાં પણ અરેસ્ટ થતાં ઈમિગ્રન્ટ્‌સને ડિપોર્ટ થવાનો વારો આવી શકે છે, અને જો ટ્રમ્પ સત્તા પર આવે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.