Western Times News

Gujarati News

ઈરાનના પરમાણુ, ઓઈલ મથકો પર હુમલો નહીં કરીએઃ ઈઝરાયેલ

વોશિંગ્ટન, ઈરાને કરેલા મિસાઈલ એટેકનો જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરી રહેલા ઈઝરાયેલે અમેરિકાએ ખાતરી આપી છે કે તે ઈરાનના પરમાણુ કે ઓઈલ મથકો પર હુમલો નહીં કરે.

અમેરિકાના બે અધિકારીઓના જણાવ્યાં અનુસાર, બાઈડન સરકારે ઈરાનના બે અત્યંત સંવેદનશીલ સ્થળોએ હુમલો નહીં કરવા ઈઝરાયેલને મનાવી લીધું છે. જોકે ઈઝરાયેલ પોતે આપેલી ખાતરી પાળશે જ તેમ ચોક્કસ ના કહી શકાય તેમ જણાવતાં એક અધિકારીએ ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં અનેક પ્રસંગોએ ઈઝરાયેલ પોતાના વચનો પાળ્યાં નથી. તેનું તાજું ઉદાહરણ ગયા મહિને જોવા મળ્યું હતું.

જેમાં ઈઝરાયેલે જણાવ્યું હતું કે, તે અમેરિકા અને ળાંસના આગ્રહથી લેબનોનમાં કામચલાઉ યુદ્ધવિરામ રાખશે. જોકે તેના બે જ દિવસ પછી ઈઝરાયેલે લેબનોન પર જંગી હવાઈ હુમલાં કરી હિઝબુલ્લાહના વડા હાસન નસરલ્લાની હત્યા કરી હતી.

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની કચેરી દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, અમે અમેરિકાના મંતવ્યોનું સન્માન કરીએ છીએ પરંતુ અંતિમ નિર્ણય અમારા રાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખીને કરીએ છીએ.

આ ઉપરાંત અમેરિકાએ ઈઝરાયેલની સહાય માટે ૧૦૦ જેટલાં સૈનિકો અને કેટલાંક શસ્ત્રો ઉપલબ્ધ બનાવતા ઈરાનના સંભવિત હુમલાનો સામનો કરવાની ઈઝરાયેલની ચિંતા હળવી થઈ છે તેમ અમેરિકાનું માનવું છે.

અમેરિકાએ તાજેતરમાં જ ઈઝરાયેલના એર ડિફેન્સને મજબૂત બનાવવા માટે ટર્મિનલ હાઈ અલ્ટિટ્યૂડ એરિયા ડિફેન્સ આપવાનો નિર્ણય કર્યાે હતો.અમેરિકાએ ગાઝામાં અટકી પડેલી માનવીય સહાય અંગે ઈઝરાયેલને ચેતવણી આપી છે.

ઈઝરાયેલને ચેતવણી આપતા અમેરિકાએ જણાવ્યું છે કે, ગાઝામાં ખોરાક, દવાઓ સહિતની માનવીય સહાયની સ્થિતિમાં ૩૦ દિવસમાં સુધારો નહીં થાય તો તે ઈઝરાયેલને અપાતી શસ્ત્ર સહાય પર નિયંત્રણ લાદવા વિચારશે.

ઈઝરાયેલના સ્ટ્રેટેજિક બાબતોના મંત્રી રોન ડર્મરને લખેલા પત્રમાં અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિકન અને સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિને જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંક મહિનાઓથી ગાઝામાં માનવીય સહાયની સ્થિતિ અત્યંત વણસી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.