સરકારે વિંડફોલ ટેક્સ નાબૂદ કરતાં ONGC અને રિલાયન્સ ઈન્ડ.ને ફાયદો
વિંડફાલ ટેક્સ નાબૂદ કરતા ઓઈલ કંપનીઓને રાહત-ભારત સરકારે સૌપ્રથમ ૧ જુલાઈ, ૨૦૨૨ના રોજ વિંડફાલ પ્રોફિટ ટેક્સ લાદવાનો નિર્ણય લીધો હતો
(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા ઈંધણ પરનો વિંડફાલ ટેક્સ હટાવી દીધો છે. આ ટેક્સ એર ટર્બાઈન ફ્યૂલથી લઈને પેટ્રોલ-ડીઝલ પર પણ લાગતો હતો. તેને ઔપચારિક રીતે સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે વર્ષ ૨૦૨૨માં એવા સમયે લાદવામાં આવ્યો હતો જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ક્રૂડ આૅઈલની કિંમતો હાઈ લેવલ પર પહોંચી ગઈ હતી. હવે નાણા મંત્રાલયે આ ટેક્સને સંપૂર્ણપણે હટાવી દીધો છે.
એક અહેવાલ પ્રમાણે સરકારે ક્રૂડ આૅઈલના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આવેલા ઘટાડા વચ્ચે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ આૅઈલ અને એવિએશન ઈંધણ, પેટ્રોલ અને ડીઝલની નિકાસ પરનો આ ૩૦ મહિના જૂનો ટેક્સ આજે હટાવી દીધો છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ અંગે એક નોટિફિકેશન રજૂ કર્યું છે.
જેમાં જાહેર ક્ષેત્રની ઓએનજીસી જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદિત ક્રૂડ આૅઈલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ જેવી કંપનીઓ દ્વારા કરવામાં આવેલી ઈંધણની નિકાસ પર લાગતા ટેક્સને હટાવી દેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને ૨૯/૨૦૨૪ અને ૩૦/૨૦૨૪ નંબરની નોટિફિકેશન દ્વારા ઔપચારિક રૂપ આપવામાં આવ્યું છે, જેને સંસદમાં રાખવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે ક્રૂડ આૅઈલની કિંમતોમાં ધરખમ વધારાને કારણે સરકારે વર્ષ ૨૦૨૨માં સ્થાનિક ક્રૂડ, પેટ્રોલ-ડીઝલ અને એવિએશન ઈંધણની નિકાસમાંથી આૅઈલ કંપનીઓને થતા નફા પર વિંડફાલ ટેક્સ લગાવવાનો નિર્ણય લીધો હતો, જેનો હેતુ રેવન્યૂ વધારવાનો હતો. હવે સરકાર દ્વારા આ ટેક્સ હટાવવાથી આૅઈલ સેક્ટરની તમામ કંપનીઓને મોટી રાહત મળી છે.
રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન વર્ષ ૨૦૨૨માં ભારત ક્રૂડ આૅઈલ ઉત્પાદકો પર વિંડફાલ ટેક્સ લગાવીને એ દેશોમાં સામેલ થયો હતો, જે એનર્જી કંપનીઓના નફા પર ટેક્સ લગાવે છે. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ આૅઈલ અને પેટ્રોલ, ડીઝલ, એટીએફ જેવા રિફાઈનરી ઉત્પાદનોના ભાવમાં સમયની સાથે વધ-ઘટ થતી રહે છે. વિંડફાલ ટેક્સ એ એક એવો ટેક્સ છે જે સ્થાનિક સ્તર પર ક્રૂડ ઉત્પાદક કંપનીઓ પર એક ચોક્કસ મર્યાદા કરતાં વધુ નફા પર લાદવામાં આવે છે.
જો ગ્લોબલ માર્કેટમાં ડીઝલ, પેટ્રોલ અને એટીએફ વગેરેના ભાવ સ્થાનિક બજાર કરતા વધારે હોય તો રિફાઈનરીઓ નિકાસ વધારવા લાગે છે, જેથી તેને વધુ નફો થાય. સરકાર તેના પર લગામ લગાવવા અને સ્થાનિક બજારમાં ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે વિંડફાલ પ્રોફિટ ટેક્સ લાદી દે છે.
આ જ ગણતરી ક્રૂડ આૅઈલના મામલે પણ લાગુ પડે છે. બીજી તરફ જ્યારે ગ્લોબલ માર્કેટમાં તેની કિંમત ઘટી જાય છે ત્યારે કંપનીઓ પોતે જ નિકાસ ઘટાડવાનું શરૂ કરે છે. જ્યારે આવી સ્થિતિ ઊભી થાય છે ત્યારે સરકાર વિંડફાલ ટેક્સ ઘટાડવા અથવા હટાવવાનો નિર્ણય લે છે. ભારત સરકારે સૌપ્રથમ ૧ જુલાઈ, ૨૦૨૨ ના રોજ વિંડફાલ પ્રોફિટ ટેક્સ લાદવાનો નિર્ણય લીધો હતો.