શિયાળો એક મહિનો મોડોઃ કાતિલ ઠંડી ફેબ્રુઆરીના અંત સુધી સહન કરવી પડશે

રવિવારથી ફરી ઠંડીનો અહેસાસ થશેઃ લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી સુધી થવાની શક્યતા
અમદાવાદ, અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં સામાન્ય કરતાં ઊંચુ તાપમાન અને વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરનાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં શહેરીજનો ફરી ઉનાળા જેવી ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. હજુ પણ વાદળો છવાયેલાં રહેશે અને ત્યારબાદ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે એકંદરે ઠંડી ૩૦ દિવસ મોડી શરૂ થઈ હોવાનું અનુમાન છે. શિયાળાનું આગમન મોડુ થયું હોવાથી આ વખતે છેક ફેબ્રુઆરી મહિનાની અંત સુધી ગાત્રો થીજાવતી કાતિલ ઠંડી સહન કરવાની તૈયારી રાખવી પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.
જાેકે આ વખતે સૌથી નીચું લઘુતમ તાપમાન નવી ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે. ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ઠંડીનો પારો નવ ડિગ્રી થવાની સંભાવના છે. જાેકે ગત વર્ષે નવેમ્બરમાં જ ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો હતો. ૧૭ ડિસેમ્બરે જે સિંગલ ડિજિટલમાં તાપમાન નવ ડિગ્રી નોંધાયું હતું. ડિસેમ્બરમાં જ કોલ્ડવેવ શરૂ થઈ ગયો હતો. જ્યારે સિઝનનું સૌથી નીચું તાપમાન ૮.૫ ડિગ્રી ૧૩ જાન્યુઆરીના રોજ નોંધાયું હતું. જ્યારે આ વખતે ૧૫ ડિસેમ્બર હોવા છતાં એક બે વખતને બાદ કરતાં મહત્તમ અને લઘુતમ તાપમાન ઊંચું જ રહ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યાનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આજે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર – સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. જ્યારે ૧૯ ડિસેમ્બર સુધી સૂકું વાતાવરણ રહેશે.
હાલમાં ઉષ્ણ વાતાવરણ ચાલી રહ્યું છે. ઠંડી ન પડવાને કારણે સૌથી વધુ અસર ખેતીમાં જીરું અને ઘઉના પાકને થઈ રહી છે. ભેજવાળા વાતાવરણ અને કમોસમી વરસાદથી જીરુંને પાકમાં જીવાત પડવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં તો ખેડૂતોએ જીરુનો પાક ઉપાડી લીધો છે અને તેના સ્થાને નવું વાવેતર કરવું પડ્યું છે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં સ્વેટર, શાલ, રજાઈ , ધાબળા વગેરેની ડિમાન્ડ હોય છે. પરંતુ હજુ ઠંડી પડી નથી એટલે ખરીદી નીકળી નથી. તેથી વેપારીઓ પણ ઠંડી પડવાની રાહ જાેઈ રહ્યા છે.