કુદિયાણા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનો શિયાળુ રમતોત્સવ યોજાયો
સુરત, શિક્ષણ અને સંસ્કારની સાથે બાળકો રમતગમત ક્ષેત્રે પણ પોતાનું કૌશલ્ય કેળવે એવાં શુભ હેતુસર ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કુદિયાણા દ્વારા શિયાળુ રમતોત્સવ તાલુકાનાં છેવાડાનાં કાંઠા વિસ્તાર સ્થિત દાંડી ગામનાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં કુદિયાણા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં બાળકોએ ખૂબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો એવાં તાલુકા પંચાયતનાં કારોબારી સભ્ય મુકેશભાઈ પટેલ, દાંડી ગામનાં સરપંચ વેણીલાલ ખલાસી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, સુરત હરિઓમ આશ્રમનાં ટ્રસ્ટી પ્રવિણભાઈ પટેલ, સહકારી આગેવાન જયંતિભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરી રમતોત્સવને ખુલ્લો મૂક્યો હતો. દાંડી પ્રાથમિક શાળાનાં આચાર્ય મણીલાલ ખલાસીએ સૌને શબ્દગુચ્છ દ્વારા આવકાર્યા હતાં.
પ્રારંભે સ્પર્ધાનાં કન્વીનર એવાં લવાછાચોર્યાસી પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક કનૈયાલાલ પટેલે સૌ રમતવીરોને સ્પર્ધાનાં નિયમોથી વાકેફ કરી જરૂરી માર્ગદર્શન સાથે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે બાળકો તથા શિક્ષકોને પ્રોત્સાહિત કરતાં પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે જીવનમાં શારિરીક અને માનસિક તદુંરસ્તી જરૂરી નહિ પરંતુ અનિવાર્ય છે ત્યારે આવા રમતોત્સવ બાળકોમાં પર્યાપ્ત ઉર્જા પ્રદાન કરશે. તેમણે આજનાં તબકકે મળેલ લોકભાગીદારી અને કુદિયાણા કેન્દ્રનાં ઉમદા સંકલનને ટાંકી ઉમેર્યું હતું કે સમાજનાં છેવાડાનાં બાળકોનાં ઉત્થાન માટે દાતાઓ સહિત શિક્ષકોનું સામાજિક ઉત્તરદાયિત્વ ખરા અર્થમાં અભિનંદનને પાત્ર છે.
સદર રમતોત્સવમાં ૧૦૦ મીટર દોડ, ભૂખ્યા પંખી, ત્રિપગી દોડ, કોથળા દોડ, રીંગણ દોડ, સિક્કા શોધ, સ્લો સાયકલિંગ જેવી વિવિધ વ્યક્તિગત રમતો યોજવામાં આવી હતી. આ સાથે રમાયેલ સાંઘિક રમતો પૈકી કુમારો માટેની કબડ્ડી સ્પર્ધામાં દાંડી પ્રાથમિક શાળા જ્યારે કન્યાઓ માટેની ખોખો સ્પર્ધામાં લવાછાચોર્યાસી પ્રાથમિક શાળા વિજેતા બની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બાળકો સાથે અહીં શિક્ષિકા બહેનો માટે સંગીતખુરશી અને શિક્ષક ભાઈઓ માટે લીંબુ ચમચી જેવી સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી. એક થી ત્રણ ક્રમે વિજેતા સ્પર્ધકોને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે પ્રોત્સાહક ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતાં.
રમતોત્સવને સુપેરે પાર પાડવા દાંડી પ્રાથમિક શાળા પરિવાર સહિત કુદિયાણા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં શિક્ષક ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી હતી. અંતમાં કુદિયાણાનાં કેન્દ્રશિક્ષક અને ઇન્ચાર્જ બીટ નિરીક્ષક એવાં વિનોદભાઈ પટેલે કાર્યક્રમને સફળ બનાવનાર તમામ નામી-અનામી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.