50 હજારની સહાય મળતાં મહિલા આર્થિક રીતે પગભર બની
માતર તાલુકાની બહેનો નાણાકીય સમાવેશન અને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની -સ્વાવલંબન યોજના અંતર્ગત લોન સહાય મેળવી મનપસંદ વ્યવસાય દ્વારા પરિવારને મદદરૂપ બન્યા
કોઈપણ પરિવારની સમગ્ર સુખાકારીમાં મહિલાઓનું યોગદાન અમૂલ્ય હોય છે. મહિલાઓ વિવધ પ્રકારની જવાબદારીઓનું કાળજીપૂર્વક વહન કરી પરિવારના તમામ સભ્યોને સતત પ્રગતિશીલ બનાવવામાં કાર્યરત હોય છે. આજની મહિલા પોતાની તથા પરિવારની સર્વાંગી વુધ્ધિ માટે આર્થિક સહાય કરવામાં પણ આગે કદમ કરી રહી છે.
જેથી પરિવારના ખર્ચના બોજા હેઠળ કોઈ એક જ વ્યક્તિ દબાઈ ના જાય. અને એટલે જ રાજ્યની મહિલાઓ પોતાના રસ અને આવડત પ્રમાણે નાનો મોટો વ્યવસાય ચાલુ કરી શકે એ હેતુ થી ગુજરાત સરકારની મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત તેમને જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
વાત કરીએ ખેડા જિલ્લામાં મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત આર્ત્મનિભર બનેલી માતર તાલુકાના ભલાડા ગામની બે મહિલાઓની. આ મહિલાઓ મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત લોન સહાય મેળવીને પોતાનો મનપસંદ વ્યવસાય ચાલુ કર્યો અને
આજે ઘરકામ કરતા કરતા પણ આર્થિક આવક મેળવીને પરિવારને સશક્ત બનાવવાની દિશામાં કાર્યરત છે. માતરના ભલાડા ગામના ૨૫ વર્ષીય અંજલીબેન અજયકુમાર સોલંકીએ અને ૩૫ વર્ષીય ભાવનાબેન સંજયભાઈ વાણંદે મહિલા સ્વાવલંબન યોજના થકી અનુક્રમે રૂ. ૫૦,૦૦૦ અને રૂ. ૧,૮૦,૦૦૦ લોન મેળવીને પોતાનો સિવણકામ અને દુકાનદારીનો મનપસંદ વ્યવસાય ચાલુ કર્યો છે. અંજલીબેનને નાનપણથી જ સિવણનો ખૂબ જ શોખ હતો.
નવરાશના સમયે કંઈક કામકાજ કરી પોતાના પરિવારને આર્થિક મદદ કરવાની પ્રબળ ઇચ્છાશક્તિને કારણે આજે તેઓ દર મહિને સીલાઈકામ દ્વારા રૂ. ૫૦૦૦ કમાય છે. તેઓ જણાવે છે કે મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત તેમને ૫૦,૦૦૦ હજારની સહાય મળી જેનાથી તેઓ પોતાનું સીવણ મશીન વસાવી શક્યા છે. ઘરે બેઠા જ સિલાઈકામ કરી પરિવારમાં નિયમિત આર્થિક ફાળો આપતા અંજલીબેનમાં આત્મવિશ્વાસનો નવો સંચાર થયો છે.
એવી જ રીતે ભાલડના ૩૫ વર્ષીય ભાવનાબેન સંજયભાઈ વાણંદે પોતાને મળેલી રૂ. ૧,૮૦,૦૦૦ની સહાયમાંથી નાની દુકાન ચાલુ કરી છે. જેમાં તેઓ નાની મોટી ચીજ વસ્તુઓના વેચાણ દ્વારા માસિક ૧૦,૦૦૦ રૂપિયા જેટલો નફો મેળવે છે. પરિવારને આર્થિક જરૂરિયાતમાં મદદરૂપ બનનાર ભાવનાબેન આજે એક ઉદ્યોગ સાહસિક તરીકે ગામની અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.
મહિલા સ્વાવલંબન યોજના વિશે વાત કરતા ખેડા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી હીનાબેન ચૌધરી જણાવે છે કે ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળકો માટે ચાલતી મહિલા સ્વાવલંબન યોજનાનો હેતુ ગરીબી રેખા હેઠળ આવતા કુટુંબોની જરૂરિયાતમંદ મહિલાઓને સ્વરોજગાર માટે બેંક લોન આપી આર્થિક રીતે પગભર બનાવવાનો છે.
તેઓ ઉમેરે છે કે સીવણ, કરીયાણું, કપડાની દુકાન જેવા વિવિધ રોજગારલક્ષી કૌશલ્યની તાલીમ મેળવી સ્વરોજગાર થકી પોતાનો વ્યવસાય ઉભો કરવાની ઈચ્છા ધરાવનાર બહેનો જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરીનો સંપર્ક કરી શકે છે. મહિલા સ્વાવલંબન યોજના હેઠળ રૂ. ૨ લાખની લોન આપવામાં આવે છે.
જેમાં જે તે પ્રોજેકટ કોસ્ટ એટલે કે વ્યવસાય ઉભો કરવાનો ખર્ચ રૂ. ૨ લાખ સુધી હોય તો ૩૦% અને ૨ લાખથી ઓછો હોય તો ૧૫% સબસીડી આપવામાં આવતી હોય છે. નોંધનીય છે કે મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ લેવા લાભાર્થી મહિલાની વય મર્યાદા ૨૧ થી ૫૦ વર્ષની અને આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦/- છે.