કોઈ દિવસ ઘરનો ઉંબરો ન ઓળંગતી મહિલા આજે આત્મનિર્ભર બની કમાય છે મહિને 18 થી 20 હજાર
દસ્ક્રોઇના ધામતવાણ ગામના જય ભીમ સખી મંડળની બહેન સોલંકી કૈલાસબહેન મિશન મંગલમ્ યોજના થકી બની આત્મનિર્ભર
ધામતવાણ ગામની આ મહિલા આજે મિશન મંગલમ’ના પ્રતાપે જય ભીમ સખી મંડળની સ્થાપના કરીને સ્વરોજગારી મેળવી રહી છે
નાનકડી બચતથી શરૂઆત કરનાર સોલંકી કૈલાસબહેન બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ સખી સુધી પહોંચ્યા – અન્ય સખી મંડળનાં બહેનો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
કૈલાસબહેન માટે સખી મંડળ પહેલા બચતનો માર્ગ અને ત્યારબાદ દર મહિને રૂ. ૧૮,૦૦૦થી ૨૦,૦૦૦ની આવકનું માધ્યમ બન્યું
સરકાર દ્વારા અમલી જનકલ્યાણકારી યોજનાઓથી રાજ્યમાં છેવાડે વસતા અદના માનવીઓ પણ સ્વમાનભેર જીવન વ્યતિત કરી રહ્યા છે. સશક્ત સમાજના નિર્માણ માટે મહિલાઓનું સશક્તિકરણ કરવું પણ એટલું જ જરૂરી છે. રાજ્યની મહિલાઓ આર્થિક રીતે પગભર બની મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બને એ માટે સરકાર દ્વારા અમલી ‘મિશન મંગલમ્ યોજના’ એ રાજ્યની લાખો મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી છે.
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના ધામતવાણ ગામની આત્મનિર્ભરતાને વરેલી બહેન અને જય ભીમ સખીમંડળના પ્રમુખ એવા સોલંકી કૈલાસબહેનની વાત કંઇક નિરાળી છે. કોઈ દિવસ ઘરનો ઉંબરો ન ઓળંગતી ધામતવાણ ગામની આ મહિલા આજે મિશન મંગલમ’ના પ્રતાપે જય ભીમ સખી મંડળની સ્થાપના કરીને સ્વરોજગારી મેળવી રહી છે.
જય ભીમ સખીમંડળના પ્રમુખ એવા સોલંકી કૈલાસબહેને સખી મંડળના બહેનો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નાનકડી બચતથી શરૂઆત કરનાર કૈલાસબહેને બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ સખી તરીકે કામ કરીને પોતે આત્મનિર્ભર બન્યા છે અને પરિવારને પણ આર્થિક મદદ કરી રહ્યા છે.
વધુમાં અત્યાર સુધીમાં બીસી (બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ) સખી તરીકે ૭,૦૦,૦૦૦ જેટલા ટ્રાન્ઝેક્શન કર્યા છે. દર મહિને રૂ. ૧૮,૦૦૦થી ૨૦,૦૦૦ સુધીની આવક મેળવે છે. આમ, આજે સખીમંડળની નાની બચત બહેનો માટે ખરેખર આશીર્વાદરૂપ છે.
આ અંગે વાત કરતા કૈલાસબહેન કહે છે કે, શરૂઆતમાં બેંક ઓફ બરોડાની ધામતવાણ બ્રાન્ચમાં સ્વ સહાય જૂથનું ખાતું ખોલાવીને દર મહિને ૫૦ રૂપિયા બચત કરી બેંક ખાતામાં જમા કરાવતી હતી. ત્યારબાદ મિશન મંગલમ અને એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત ૧૦,૦૦૦ રિવોલ્વિંગ ફંડ મળ્યું હતું. વર્ષ-૨૦૧૪થી બચત અને ધિરાણની પ્રવૃતિમાં જોડાયેલી છું. ત્યારબાદ ધામતવાણ સખી સંઘમાં રૂ. ૩,૦૦,૦૦૦ સી.આઇ.એફ મળ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, શરૂઆતમાં હું સી.આર.પી. તરીકે જોડાઇ હતી. વર્ષ ૨૦૧૮થી બેંક સખીમાં જોડાઇને સખીમંડળોની કામગીરી કરી છે. જેમાં રૂ. ૩૦૦૦નું મહેનતાણું મળતું હતું. ત્યારબાદ બેંકમાં સખી તરીકે કામ કરતાં કરતાં મને બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ સખી તરીકે જોડાવા માટે તાલુકામાંથી પ્રોત્સાહન મળ્યું હતું, જેમાંથી પ્રેરણા લઇને હાલમાં બેંક ઓફ બરોડા ધામતવાણમાં બીસી સખી તરીકેની ફરજ બજાવી રહી છું.
જેમાં શરૂઆતમાં એન.આર.એલ.એમ. તરફથી ૬ માસ દરમ્યાન રૂ. ૪૦૦૦નું મહેનતાણું મળ્યું છે. આ ઉપરાંત પોતાના લેપટોપ દ્વારા થયેલા ટ્રાન્જેક્શન થકી પણ અલગથી આવક ઊભી રહી છે. લોકડાઉન દરમ્યાન પતિની નોકરી છૂટી જતાં બેંક બીસી સખીમાં મળેલ તકથી મારા પરિવારને આર્થિક મદદ મળી છે. એટલું જ નહીં, હાલમાં હું ખૂબ જ મહેનતથી બેંકમાં કામ કરી રહી છું.