દિકરાનું બારમાની વિધી પૂરી થતાં જ મહિલા બુટલેગરે પાડોશીનું મકાન તોડી નાંખ્યું
વિધિના કારણે પુત્રનું મોત થયું હોવાની અંધશ્રદ્ધા રાખીને હુમલો કરાયો
(એજન્સી)અમદાવાદ, મારા દિકરાને માતાજીની મૂઠ મારી છે જેના કારણે તેનું મોત થયું છે તેવી અંધશ્રદ્ધા રાખીને બુટલેગરે તેના પરિવાર સાથે મળી પાડોશીના ત્રણ ઘર અને દુકાનમાં ભારે તોડફોડ મચાવી રીતસરનો આતંક ફેલાવતા ચકચાર મચી ગઈ છે.
દિકરાનું બારમું પૂરું થતાની સાથે જ વીફરેલી મહિલા બુટલેગર પાડોશીના ઘરમાં પરિવાર સાથે ઘૂસી ગઈ હતી અને બબાલ શરૂ કરી દીધી હતી. બુટલેગર મહિલાની દહેશતના કારણે પાડોશી આખા પરિવાર સાથે નાસી ગયો છે. આ મહિલા બુટલેગર અને તેના પરિવાર વિરૂદ્ધ સંખ્યાબંધ દારૂ ના ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે.
કુબેરનગર વિસ્તારમાં આવેલા મહાજનીયાવાસમાં રહેતા દીપક પરમારે સરદારનગર પોલીસ સ્ટેશનમાં રાખી પરમાર, નિમિતા પરમાર, વિજય રાઠોડ, શૈલેષ ગારંગે, રાજેશ્વરી ગારંગે, જીતુ ગારંગે, સિમરન ઈન્દ્રેકર અને અનિકેત તમંચે વિરૂદ્ધ હુમલા તેમજ તોડફોડની ફરિયાદ કરી છે.
દીપક પત્ની દક્ષા, બે દીકરી અને એક દિકરા સાથે રહે છે અને રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. ગત કાલે દીપક અને તેના પરિવારને મકાનના ધાબા કૂદીને ભાગવાના દિવસો આવી ગયા છે જેની પાછળનું કારણ મહિલા બુટલેગર અને તેનો પરિવાર છે. ગઈકાલે બુટલેગરે પરિવાર સાથે મળી દીપકના ત્રણ ઘર તેમજ દુકાનમાં તોડફોડ કરીને હાહાકાર મચાવી દીધો હતો. બુટલેગરના પરિવારમાં એક યુવકનું અવસાન થયું હતું જેનું બારમું પૂરું થતાંની સાથે જ દીપકના ઘર પર હુમલો કરાયો હતો. અંધશ્રદ્ધામાં માનતી બુટલેગરે પરિવાર સાથે મળી હુમલો કર્યો હોવાનો દીપક સહિતના લોકો આરોપ કરી રહ્યા છે.
ગઈકાલે દીપક તેના ઘરે હતો ત્યારે રાખી તેના ઘરે આવી હતી અને કહેવા લાગી હતી કે મારો દીકરો રોકી બાર દિવસ પહેલાં અવસાન પામ્યો છે તેની પાછળનું કારણ તારો પરિવાર છ. રાખીની વાત સાંભળીને દીપકે જવાબ આપ્યો હતો કે તમારો દિકરો ઘણા સમયથી બીમાર હતો અને તે બીમારીના કારણે અવસાન પામ્યો છે. દીપકનો જવાબ સાંભળીને રાખી એકદમ ઉશ્કેરાઈ ગઈ હતી અને ફોન કરીને તેના સંબંધીઓને બોલાવી લીધા હતા.
રાખીના સંબંધોઓ ડંડા લઈને આવી પહોંચ્યા હતા. જેથી દીપક ગભરાઈને પરિવાર સાથે ભાગી ગયો હતો. દીપકના ઘરમાં તોડફોડ કર્યા બાદ તેના કાકી કવિતાબહેનના ઘરે પણ તોડફોડ કરી હતી અને કાકા મનવરભાઈના ઘરે પણ તોડફોડ કરી હતી. આ સિવાય કિરાણા સ્ટોર્સમાં પણ તોડફોડ કરી હતી.
તમામ લોકોએ દીપકને પકડવા માટે પીછો કર્યો પરંતુ તે હાથમાં આવ્યો નહીં અને ભાગી ગયો હતો. હુમલાખોરોએ ધમકી આપી હતી કે અત્યારે તો તમે બચી જશો પણ રાતે પરત આવશો તો તમને જાનથી મારી નાંખીશું. હુમલાખોરો દીપકના ફોઈ ગૌરીબહેનના ઘરે ગયા હતા જ્યાં તેમના દિકરા રૂપેશને માર માર્યો હતો.
રાખીના પુત્રનેં ખેંચની બીમારી હતી. જેથી તેનું અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. રોકી સહિતના પરિવારજનો હોટલમાં જમવા માટે ગયા હતા જ્યાં તેને ખેંચ આવી હતી. રોકીને ખેંચ આવતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. થોડા દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું. જ્યાં રાખી સહિતના પરિવારજનોએ દીપક સાથે બદલો લેવાનું નક્કી કરી લીધું હતું. રોકીનું મોત થયું ત્યારે રાખીએ બારમા બાદ હુમલો કરવાનું નક્કી કરી લીધું હતું.