દિકરીને મદદ કરવા 11 મહિનાના બાળકને પેટ પર બાંધી રીક્ષા ચલાવતી મહિલા
મૂળ મધ્યપ્રદેશની મહિલા અનેક માટે પ્રેરણારૂપ-દોહિત્રને પેટે બાંધી રિક્ષા ચલાવી પરિવારને મદદરૂપ થાય છે નાની
સુરત, મૂળ મધ્યપ્રદેશની બબીતા ગુપ્તાએ સંઘર્ષ અને આત્મનિર્ભરતાના અનોખો દાખલો બેસાડ્યો છે. પુરુષોનો ઈજારો ધરાવતા રિક્ષા ચલાવવાના ક્ષેત્રમાં બબીતાએ રિક્ષા ચલાવી પોતાની નવી ઓળખ બનાવી છે. એટલું જ નહીં દીકરી નોકરી કરી શકે તે માટે દુપટ્ટાથી પોતાના દોહિત્રને હૃદય પાસે રાખી રીક્ષા લઈને રાજ્યના અલગ અલગ વિસ્તાર તેમજ મુંબઈ સુધી પણ રીક્ષા ચલાવી ચૂકી છે.
સુરતમાં રહેતી બબીતા ગુપ્તા એક એવા ક્ષેત્રમાં છે જ્યાં વર્ષાેથી પુરુષોનું આધિપત્ય રહ્યું છે. કોઈએ વિચાર્યુ પણ ન હશે કે આ ક્ષેત્રમાં મહિલાઓ પણ પોતાનો દબદબો કાયમ કરી શકે છે. બબીતા ગુપ્તા નામની આધેડ વયની મહિલાની સંઘર્ષમય પ્રેરણાદાયક આ કહાની છે. તે મધ્યપ્રદેશની ગ્રેજ્યુએશન કરી સુરત આવી છે અને આજે પોતાના પરિવારના ગુજરાન માટે રિક્ષા ચલાવી રહી છે.
બબીતા ગુપ્તા ૧૧ મહિનાના બાળકને પેટ પર બાંધી રીક્ષા ચલાવે છે. સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી રિક્ષા ચલાવતી બબીતા ગુપ્તા આખો દિવસ દિકરીનો બાળક (દોહિત્ર)ને પોતાની સાથે જ રાખે છે. બે દીકરીઓની માતા બબીતા છેલ્લા આઠ વર્ષથી રીક્ષા ચલાવી પતિ સાથે ખભે ખભો મિલાવીને પરિવારની જવાબદારી નિભાવી રહી છે. મોટી દીકરીના સંતાનની સંપૂર્ણ જવાબદારી આ નાનીમાં બબીતા નિભાવી રહી છે.
બબીતાએ જણાવ્યું કે, તેણે મધ્યપ્રદેશથી ગ્રેજ્યુએશન કર્યું છે. અગાઉ તે સીવણ કામની નોકરી કરતી હતી. જોકે, માલિક સમયસર પગાર આપતા નહોતા. ઘણી મુશ્કેલી થતી હતી. શાકભાજી અને દૂધવાળા ઘરે આવીને પૈસા માગતા હતા. સમયસર પગાર ન થતો હોવાતી સમયથી પૈસા ચુકવી શકતી નહોતી. એટલે રિક્ષા ચલાવવાનું નક્કી કર્યું. હવે કોઈને જવાબ આપવો પડતો નથી.
જેટલા પણ રૂપિયાની જરૂર હોય તેટલા રિક્ષા ચલાવી એકત્ર કરી લઉ છું. બબીતા કહે છે કે, મારે બે દીકરીઓ છે. મારી દીકરી અને જમાઈ પણ નોકરી કરે છે. મારી દીકરીનો પુત્ર ક્યાં રહેશે એ વિચાર તેને આવ્યો હતો. મેં મારી દીકરીને કહ્યું કે હું તેને પોતાની સાથે લઈને રીક્ષા ચલાવીસ, તું નોકરી કર.