Western Times News

Gujarati News

મહિલા વર્લ્ડ કપમાં ભારતે પાક.ને ૧૦૭ રનોથી કચડ્યું

(એજન્સી) નવી દિલ્હી, મહિલા વર્લ્ડ કપ ૨૦૨૨માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ધમાકેદાર શરૂઆત થઈ છે. ન્યૂઝીલેન્ડના માઉન્ટ માઉંગાનુઈના બે ઓવલ મેદાનમાં રમાયેલી પોતાની પ્રથમ મેચમાં મહિલા ભારતીય ટીમે પાકિસ્તાનને ૧૦૭ રનોથી કચડી શાનદાર જીત મેળવી હતી. Woman In Blue- Indian Woman Cricket Team Beat Pakistan By 107 Runs.

પ્રથમ બેટિંગ કરતાં મિતાલી રાજના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમે ૫૦ ઓવરના અંતે ૭ વિકેટના નુકસાન પર ૨૪૪ રન બનાવ્યા હતા. જેના જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ ૪૩ ઓવરના અંતે ૧૩૭ રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, મહિલા ભારતીય ટીમ અત્યાર સુધી વન-ડેમાં પાકિસ્તાન સામે એકપણ મેચ હારી નથી, અને આજની સતત ૧૧મી મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે જીત નોંધાવી હતી. વન ડે વર્લ્ડ કપમાં ભારતની પાકિસ્તાન પર આ ચોથી જીત છે. આ પહેલાં ટીમે ૨૦૦૯, ૨૦૧૩ અને ૨૦૧૭માં પાકિસ્તાનને હરાવ્યું હતું.

ભારતીય ઈનિંગ્સની વાત કરવામાં આવે તો, ભારતને શરૂઆતમાં જ પ્રથમ ઝટકો લાગી ગયો હતો. ઓપનર શૈફાલી વર્મા ૨ રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. જાે કે સ્મૃતિ મંધાના અને ત્રીજા નંબરે આવેલ બેટર દીપ્તી શર્માએ ભારતીય ઈનિંગ્સને મજબૂત શરૂઆત આપી હતી. મંધાનાએ ૭૫ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૫૨ રન બનાવ્યા હતા.

જ્યારે દીપ્તી શર્માએ ૫૭ બોલમાં ૨ ચોગ્ગા ફટકારી ૪૦ રન બનાવ્યા હતા. જાે કે ત્યારબાદ મીડલ ઓવર ધ્વસ્ત થઈ ગયો હતો. ચોથા નંબરે આવેલ કેપ્ટન મિથાલી ૯ રન બનાવીને, હરમનપ્રીત કૌર ૫ રન અને વિકેટકીપર રીચા ઘોષ ૧ રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. જાે કે, છઠ્ઠા નંબરે આવેલ સ્નેહ રાણા અને પૂજા વસ્ત્રકરે રંગ રાખ્યો હતો.

સ્નેહે ૪૮ બોલમાં ૪ ચોગ્ગા ફટકારી ૫૩ રન અણનમ રહી હતી, તો પૂજાએ ૫૯ બોલમાં ૮ ચોગ્ગા ફટકારી ૬૭ રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી નિદા દાર અને નશરા સંધુએ ૨-૨ વિકેટ ઝડપી હતી. પાકિસ્તાન ઈનિંગ્સની વાત કરવામાં આવે તો, પાકિસ્તાનની શરૂઆત પણ ખરાબ રહી હતી. ઓપનર જવેરિયા ખાન ૧૧ રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.

જ્યારે સિદરા અમીન ૩૦ રન બનાવીને આઉટ થઈ હતી. ત્યારબાદ કેપ્ટન બિસ્માહ મરૂફ ૧૫ રન, ઓમાઈમા સોહેલ ૫ રન, નિદા દાર ૪ રન, આલિયા રિયાઝ ૧૧ રન, ફાતિમા સના ૧૭ રન, વિકેટકીપર સિદરા નવાઝ ૧૨ રન, દિયાના બૈગ ૨૪ રન, નશરા સંધુ ૦ રન તો અનમ અમિન ૫ રન બનાવીને આઉટ થઈ હતી. ભારત તરફથી રાજેશ્રી ગાયકવાડે સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી, જ્યારે ઝુલન ગોસ્વામી અને સ્નેહ રાણાએ ૨-૨ વિકેટ ઝડપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.