Western Times News

Gujarati News

જૂઠા આરોપોથી પતિને ફસાવનારી મહિલાને 5 વર્ષની કેદની સજા

ચેન્નાઈ, આપણા દેશમાં સ્ત્રીઓને સુરક્ષા અને સલામતી પૂરી પાડવાની સાથે તેમનું સમ્માન જળવાય તે માટે અનેક પ્રકારના કડક કાયદા છે, પરંતુ ક્યારેક આવા કાયદાનો દુરુપયોગ પણ થાય છે જેનો ભોગ મોટાભાગે પુરુષોને જ બનવાનો વારો આવતો હોય છે. આવા જ એક કેસમાં પોતાના પતિ પર સાવ નીચ કક્ષાનો કહી શકાય તેવો જૂઠ્ઠો આરોપ મૂકી તેને ફસાવવાની કોશીશ કરનારી એક મહિલાને કોર્ટે પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે.

ચેન્નૈમાં બનેલી આ ઘટનામાં આજથી છ વર્ષ પહેલા આધેડ વયની મહિલાએ તેના પતિ પર પોતાની દીકરીને પ્રેગનેન્ટ કરવાનો આરોપ મૂક્યો હતો, અને તેની સાબિતી માટે લેબ રિપોર્ટને પણ પ્રુફ તરીકે રજૂ કર્યો હતો. જોકે, ચેન્નૈની પોક્સો કોર્ટમાં મહિલાએ રજૂ કરેલા રિપોર્ટ સહિતના અમુક પુરાવા ફેક હોવાનું પુરવાર થતાં કોર્ટે તેને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી.

પત્નીએ મૂકેલા જૂઠ્ઠા આરોપને કારણે તેના પતિને આગોતરા જામીન લેવા મદ્રાસ હાઈકોર્ટમાં અપીલ કરવી પડી હતી, અને ત્યારબાદ તેણે પોતાની સામે થયેલી ફરિયાદ રદ્દ કરાવવા પણ પિટિશન કરી હતી. આ કેસની ગંભીરતા જોતા હાઈકોર્ટે પણ તેના પર ખાસ ધ્યાન આપીને મહિલા દ્વારા રજૂ કરાયેલા પુરાવાની ઝીણવટભરી તપાસ કરવા આદેશ આપ્યો હતો.

જેમાં એવું બહાર આવ્યું હતું કે પતિ પર જૂઠ્ઠો આરોપ મૂકનારી મહિલા અગાઉ જે લેબમાં કામ કરતી હતી તે જ લેબમાં તેણે પોતાની દીકરીના ફેક રિપોર્ટ કઢાવ્યા હતા. એટલું જ નહીં, મહિલાની દીકરીના નિવેદનની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી જેમાં તેણે એવો ખુલાસો કર્યો હતો કે તેની માએ પિતા સાથે બદલો લેવા માટે પોતાનો ઉપયોગ કરીને ફેક રિપોર્ટ્‌સ કઢાવ્યા હતા.

આ પતિ-પત્ની વચ્ચે ઘણા સમયથી ડિવોર્સ કેસ પણ ચાલી રહ્યો હતો, પરંતુ તેના પર કોઈ નિર્ણય આવે તે પહેલા મહિલાએ તેના પતિને ખોટા કેસમાં ફસાવી દીધો હતો. આખરે ચેન્નૈની પોક્સો કોર્ટે પતિ પર પોતાની જ સગી દીકરીને પ્રેગનેન્ટ કરવાનો ખોટો આરોપ મૂકનારી આ મહિલાને પાંચ વર્ષની જેલની સજા ઉપરાંત છ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.