વ્યાજે રૂપિયા આપનાર મહિલાના ત્રાસથી મહિલાનો આપઘાતનો પ્રયાસ
લાયસન્સ વિના ૨૦ ટકા વ્યાજે રૂપિયા આપનાર મહિલા સામે ખંડણી અને વ્યાજખોરી ધારા હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહિલાએ પોતાના પતિને વિદેશ મોકલવા માટે વ્યાજે રૂપિયા ફેરવતી એક મહિલા પાસેથી ૨૦ ટકા વ્યાજે માત્ર ૯૦ દિવસ માટે ૨.૮૦ લાખ રૂપિયા લીધા બાદ વ્યાજખોરે તેની પાસે ૪.૫૫ લાખની માંગણી કરી
ત્રાસ આપતા મહિલાએ ઘરમાં જ દવા ગટવાટવી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ફરિયાદીનું નિવેદન લઈ વગર લાયસન્સે ૨૦ ટકા વ્યાજે રૂપિયા આપનાર મહિલા સામે ગુનો દાખલ કરી તેની ઘર પકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદી નફીસાબાનું જાકીરભાઈ મિર્ઝા ઉ.વ.૪૩ નાએ પોતાના ઘરમાં ઝેરી દવા ગટગટાવી લેતા તેણીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જે અંગેની વર્ધી બી ડિવિઝન પોલીસને મળતા પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી સારવાર લઈ રહેલી ફરિયાદી નફીસાબાનું મિર્ઝાનાઓની પૂછપરછ કરતા
તેણીએ ભરૂચના ડુંગરી શેરપુરા બદર પાર્ક સોસાયટીમાં રહેતી મહિલા સલ્વા ઉર્ફે આઈશા પાસેથી પતિને વિદેશ જવા માટે ૨૦ ટકા વ્યાજે ૨.૮૦ લાખ રૂપિયા લીધા હતા.જેની સામે ૧.૬૭ લાખ રૂપિયા ચૂકવી આપવા છતાં મહિલા વ્યાજખોર સલ્વા ઉર્ફે આઈશાએ ૪.૫૫ લાખ રૂપિયા ચૂકવવા માટે ત્રાસ આપી ધમકી આપતા વ્યાજખોરના ત્રાસથી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ આપી હતી.
ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે આપઘાતનો પ્રયાસ કરનાર નફીસાબાનું મિર્ઝાના નિવેદનના આધારે વગર લાયસન્સે ૨૦ ટકા વ્યાજે રૂપિયા આપનાર મહિલા વ્યાજખોર સલ્વા ઉર્ફે આઈશા સામે ખંડણી તથા વધુ વ્યાજે રૂપિયા ફેરવવા બદલ વિવિધ બીએનએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.