Western Times News

Gujarati News

મહિલાને જે પગમાં તકલીફ નહોતી ત્યાં હવે કાયમી ખોડ થઈ ગઈઃ ડોક્ટર સામે ફરિયાદ

પ્રતિકાત્મક

આ ઘટનાને લઈને દર્દીએ ડો. જીગીશ દોશી સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

રાજકોટ,  રાજકોટના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં આવેલી યુનિકેર હોસ્પિટલમાં પગનાં દુઃખાવાની સારવાર માટે ગયેલી ૨૦ વર્ષીય સપના પટોડિયાના ડાબા પગની સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી દેવાયું હતું. આ ઘટના વિશે દર્દીએ ડો.જીગીશ દોશી સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

નાગેશ્વર વિસ્તારમાં સ્થિત યુનિકેર હોસ્પિટલનાં ડો.જીગીશ દોશી સામે સપના પટોડિયાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સપનાએ પોલીસને જણાવ્યું હતું કે, ‘આશરે ૧૦ વર્ષ અગાઉ જૂનાગઢમાં ગણેશ વિસર્જન સમયે ટ્રક પલટી ખાઈ જતા મને ડાબા પગે સામાન્ય ઈજા પહોંચી હતી. પરંતુ જે-તે વખતે તેની સારવાર લીધી ન હતી.

ધીમે-ધીમે ડાબા પગે ગોઠણથી નીચેના ભાગે સખત દુઃખાવો થતો હોવાથી જૂનાગઢમાં તબીબને બતાવતા સોનોગ્રાફી સહિતના તમામ રીપોર્ટ કરાવ્યા હતા. જે રીપોર્ટ જોઈ તબીબે ડાબા પગે લોહીની ગાંઠ થઈ ગઈ છે. તમારે સારવાર માટે સર્જનને બતાવવું પડશે. ત્યારબાદ મે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું હતું. જેમાં રાજકોટની યુનિકેર હોસ્પિટલનું સરનામું મળ્યું હતું. મે રાજકોટ રહેતા ફુવાને ફોન કરી આયુષ્યમાન કાર્ડ દ્વારા તે હોસ્પિટલમાં ઓપરેશન કરી આપે છે કે કેમ? તેની માહિતી લીધી હતી.’

સપનાએ પોલીસને જણાવ્યું હતું કે, ‘ફુવાએ તપાસ કરી મને હા કહ્યું હતું. ત્રીજી એપ્રિલ ૨૦૨૪નાં સપના યુનિકેર હોસ્પિટલ પહોંચી હતી. જ્યા ડો. જીગીશ દોશીએ મને દવાથી શારૂ થતું ન હોય તો ઓપરેશન કરાવવું પડશે તેમ પણ જણાવ્યું હતું.

મને પગનો દુઃખાવો વધુ થતો હોવાથી ૨૪-૪-૨૦૨૪ના યુનિકેર હોસ્પિટલમાં દાખલ થઈ હતી. જ્યા જરૂરી ટેસ્ટ અને રીપોર્ટ કરીને ડો. દોશીએ તા.૨૫-૪-૨૦૨૪નાં મારા ડાબા પગનું ઓપરેશન કર્યું હતું. બાદમાં તેમણે મારા પિતાને જણાવ્યું હતું કે,તમારી દિકરીને જમણા પગમાં પણ નાની ગાંઠ હતી. તેનું પણ ઓપરેશન કરી દીધું છે.’

પીડિતે વધુમાં જણાવ્યું હતું કે, ‘મને હોસ્પિટલમાંથી ૨૬મી એપ્રિલનાં રજા અપાતા હું ઘરે ગઈ હતી. ઓપરેશન બાદ ડાબા પગમાં સારૂ થઈ ગયું હતું. પરંતુ જમણાં પગમાં દુઃખાવો થતો હોવાથી હું ફરી હોસ્પિટલ પહોંચી હતી. ઠીક ન થતા મે ફરી જૂનાગઢમાં તબીબને પણ બતાવ્યું હતું.

એમ.આર.આઈ. કરાવતાં તબીબે ઓપરેશન વખતે જમણા પગમાં કોઈ ભુલ થવાથી ગોઠણનાં નીચેના ભાગે આવતી નસ થોડી દૂર જતી રહી છે. જેથી તમને દુઃખાવો થાય છે. આ બાબતે મને ફરી ડો. દોશીએ આરામ કરવાની સલાહ આપી હતી. ત્યારે ડો.જીગીશ દોશીની લાપરવાહીને કારણે મને જમણા પગમાં આજીવન ખોટ રહી ગઈ છે.’

બીજી તરફ તબીબી તપાસ કમિટીએ એવો અભિપ્રાય આપ્યો હતો કે, દર્દીના જમણા પગમાં કરવામાં આવેલા ઓપરેશન વિશે સારવાર કરનાર તબીબની બેદરકારી નકારી શકાય તેમ નહીં. ઓપરેશનનું કારણ પણ શંકાસ્પદ જણાય છે. દર્દીનું ઓપરેશન પીએમજેવાય યોજના અંતર્ગત થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.