ફકત મહિલાઓ માટે યોજાયો ભરતી મેળો, 378 જેટલી મહિલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ
અમદાવાદમાં ‘મહિલા સ્વાવલંબન દિવસ‘ની અનોખી ઉજવણી –મદદનીશ નિયામક રોજગાર કચેરી, અમદાવાદ તથા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે કરાયું આયોજન
અમદાવાદ ખાતે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી અનોખી રીતે કરવામાં હતી. મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી અને મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ દ્વારા ફકત મહિલાઓ માટે ભરતી મેળો યોજાયો હતો. આ તકે અસારવાનાં ધારાસભ્ય શ્રી દર્શનાબહેન વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતાં.
મહિલાઓ માટેના ભરતી મેળામાં અમદાવાદની અગ્રગણ્ય કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ભરતી મેળામાં 457 જેટલા મહિલા ઉમેદવારો હાજર રહ્યા હતા જે પૈકીના 378 જેટલા મહિલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
અસારવા બહુમાળી ભવન ખાતે યોજાયેલા આ મહિલા ભરતી મેળામાં અનેક પ્રતિષ્ઠિત કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં રિલાયન્સ રીટેઇલ, અરવિંદ સ્માર્ટ ટેક્સ્ટાઇલ લિમિટેડ, ભારતી એરટેલ અને રિલાયન્સ નિપ્પોન જેવા નામાંકિત ઔધોગિક એકમો ઉપસ્થિત રહ્યા હતા.
આ તમામ કંપનીઓમાં વિવિધ જગ્યાઓ જેવા કે એચ.આર. એક્ઝિક્યુટિવ, બેક ઓફિસ એક્ઝિક્યુટિવ, સેલ્સ એક્ઝિક્યુટિવ, સેવિંગ ઓપરેટર, એકાઉન્ટન્ટ, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, એન્જિનિયર, બેક ઓફિસર, ટેક્નિશિયન, ટ્રાવેલ એક્સ્પર્ટ માટે ઉપસ્થિત ઉમેદવારોમાંથી પ્રાથમિક તબક્કે પસંદગી કરવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે પસંદગી પામેલ ઉમેદવારોના ચેહરા પર સ્મિત રેલાયું હતું.
આ પ્રસંગે અસારવાનાં ધારાસભ્ય શ્રીમતી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓના સામાજિક આર્થિક અને શૈક્ષણિક સમાનતા હેતુસર દર વર્ષે નારીવંદન સપ્તાહ ઉજવણી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે.
વધુમાં તેમણે કહ્યું કે, મહિલાઓ આર્થિક રીતે પગભર થઈ સમાજમાં ઉચ્ચ જીવનશૈલી જીવી શકે તે માટે મહિલા સ્વરોજગાર દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં સરકાર દ્વારા અમલીકૃત સ્વરોજગારલક્ષી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવે છે તથા વિવિધ યોજનાકીય લાભો વિતરણ કરી બહેનોને વધુમાં વધુ સ્વરોજગાર પ્રાપ્ત કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.