14 મહિલા બુટલેગર પેસેન્જરના સ્વાંગમાં દારૂની ખેપ મારતી ઝડપાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/04/Daru-1024x576.webp)
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં દારૂબંધી માત્રને માત્ર કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું છે. દર વર્ષે રાજ્યના વિવિધ શહેરમાં કરોડો રૂપિયાનો દારૂ પોલીસ એજન્સી દ્વારા ઝડપી લેવામાં આવે છે. જેટલો દારૂ ઝડપાય છે તેના કરતા દસ ગણો દારૂ બુટલેગર્સ દારૂડિયાને વેચતા હોય છે. બુટલેગર્સ અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને વિવિધ રાજ્યમાંથી દારૂનો જથ્થો લાવતા હોય છે.
બુટલેગર્સની વિવિધ મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ અનેક વખત સ્ટેટ મોનિટરિંગ સેલ, પ્રીવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ક્રાઈમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ કરતી હોય છે. ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચે ૧૪ મહિલાની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી છે. મહિલાઓની મોડસ ઓપરેન્ડી જોઈને મોટા ગજાના બુટલેગર પણ વિચારમાં પડી ગયા હતા.
પેસેન્જરના સ્વાંગમાં મહિલા દારૂની ખેચ મારતી હોય છે. શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે લોકો કોઈ પણ રિસ્ક લેવા માટે તૈયાર થઈ જતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આવી જ એક મહિલા ગેન્ગનો પર્દાફાશ કર્યો છે. જે રિસ્ક લઈને દારૂનો જંગી જથ્થો લકઝરી બસમાં લઈને આવી હતી.
પોલીસે મંજુબહેન ચુનારા, મારિયા મનસુરી, સુનીતા ચુનારા, અનીતા ચુનારા, રોશની ચુનારા, ગીતાબહેન ચુનારા, આશા ચુનારા, ગીતા ચુનારા, જાગૃતિ ચુનારા, કવિતા ચુનારા, ભગવતી ચુનારા, ઉર્મિલા ચુનારા, રિદ્ધિ ચુનારા અને રજની ચુનારાની વિરૂદ્ધ દારૂની હેરફેરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.