Western Times News

Gujarati News

વિશ્વના ઉડ્ડયન ક્ષેત્રમાં મહિલા પાઈલટ્‌સની વિસ્તરતી ક્ષિતિજાે

સાનફ્રાન્સિકોના એવિએશન મ્યુઝિયમમાં પહોંચી એર ઈન્ડિયાની ઝોયા અગ્રવાલ અને પ્રથમ સિવિલિયન હેલિકોપ્ટર મહિલા પાઈલટનું બિરુદ મેળવ્યું છે ક્રીતિ ગરુડાએ

૧૯૮૯માં વિશ્વની સૌથી નાની વયની કમર્શિયલ એરલાઈન પાઈલટ બનેલી નિવેદિતા ભસીનને શરૂઆતના દિવસોમાં સૌથી પહેલાં કોકપીટમાં જવા દેવામાં આવતી જેથી ઉતારુઓને જાણ ન થાય કે મહિલા વિમાન ઉડાવી રહી છે. આજે સાડા ત્રણ દાયકા બાદ ભારતના ઉડ્ડયન ક્ષેત્રનું ચિત્ર એટલી હદે બદલાઈ ગયું છે કે એર ઈન્ડિયાની એક મહિલા પાઈલટે ઉત્તર ધ્રુવ પરથી વિમાન ઉડાવીને ઈતિહાસ રચ્યો છે

તથા સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા એવિએશન મ્યુઝિયમમાં સ્થાન મેળવ્યું છે. જે દેશમાં મહિલાને માત્ર રસોડા પૂરતી સીમિત રાખવામાં આવતી હતી તેની મહિલા ૧૬ હજાર કિલોમીટરનું વિક્રમજનક અંતર કાપીને આ સિદ્ધિ હાસલ કરી તથા અન્ય પાઈલટ્‌સ માટે પ્રેરણારૂપ બની છે. તો બીજી પ્રથમ સિવિલિયન હેલિકોપ્ટર મહિલા પાઈલટ બની છે જેણે અમેરિકામાં તાલીમ આપી દીધી છે અને હેલિકોપ્ટર ઉડાડવાના પાંચ લાઈસન્સ છે.

કેપ્ટન ઝોયા અગ્રવાલના નેતૃત્વમાં ૨૦૨૧માં એર ઈન્ડિયાની અખિલ મહિલા પાઈલટ ટીમે ઉત્તર ધ્રુવને આવરી લેતાં અમેરિકાન સાન ફ્રાન્સિસ્કો (એસએફઓ)થી ભારતના બેગ્લુરુ સુધી દુનિયાના સૌથી લાંબા ઉડ્ડયન માર્ગનો પ્રવાસ કર્યાે હતો. ઝોયા એર ઈન્ડિયાની વરિષ્ઠ પાઈલટ અને બોઈંગ ૭૭૭ ઉડાવે છે.

તેમની આ સિદ્ધિથી પ્રભાવિત થયું છે. તેમનું કહેવું હતું કે, ઝોયાના આ સાહસે વિશ્વભરની મહિલાઓને પોતાના સપનાં પૂરા કરવા માટે પ્રેરિત કરી છે. અમેરિકાના પ્રતિષ્ઠિત એવિએશન મ્યુઝિયમમાં જગ્યા મેળવનારી હું પ્રથમ ભારતીય મહિલા છું. આ એક સમ્માનની વાત છે અને ફક્ત મારા કે આપણા દેશ માટે નહીં પરંતુ સંપૂર્ણ નારીજગત માટે ગૌરવભરી બાબત છે.

નોંધનીય છે કે, ગયા વર્ષ જનરેશન ઈક્વાલિટી હેઠળ યુનાઈટેડ નેશન્સમાં મહિલા પ્રવક્તા તરીકે ઝોયા અગ્રવાલની નિમણૂક કરવામાં આવી હતી. તેણે જણાવ્યું હતું કે, આઠ વર્ષની વયથી મેં સપનાં જાેવાનું શરૂ કર્યું હતું. હું દરેક મહિલાને કહેવા માગું છું કે તમારા સંજાેગોને ધ્યાનમાં લીધા વગર સપના જુઓ અને તેને સાકાર કરવા મચી પડો.

બ્રહ્માંડની તમામ શુભ શક્તિઓ તમને મદદ કરશે અને સપનાં સાકાર થશે. બ્લુમબર્ગ અહેવાલ અનુસાર વિશ્વમાં સૌથી વધુ મહિલા પાઈલટ ભારતમાં છે. ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ વુમન એરલાઈન પાઈલટ્‌સના અંદાજ મુજબ ભારતમાં કુલ પાઈલટ્‌સમાંથી ૧૨.૪ ટકા મહિલા પાઈલટ્‌સ છે.

જ્યારે અમેરિકા જે વિશ્વનું સૌથી મોટું ઉડ્ડયન બજાર છે તેમાં ૫.૫ ટકા અને યુકેમાં ૪.૭ ટકા મહિલા પાઈલટ્‌સ છે. અહીં સૌથી મહત્તવની વાત એ છે કે સ્ત્રી-પુરુષ સમાનતા ધરાવતાં ૧૪૬ દેશોની યાદીમાં ભારતનું સ્થાન ૧૩૫મું છે. છતાં ઉડ્ડયન ક્ષેત્રે ભારતીય મહિલા અગ્રેસર છે. આનું મુખ્ય કારણ બદલાતી જતી પારિવારિક માનસિકતા છે. આજના માતા-પિતા દીકરીના દરેક સપનાં પૂરા કરવા પ્રયત્નશીલ છે તથા પૂરતું પ્રોત્સાહન આપે છે.

નેશનલ કેડેટ કોર્પ્સની એર વિંગની ફ્લાઈટ તરફ આકર્ષાતી કન્યાઓની સંખ્યા વધી રહી છે. એનસીસીના ફ્લાઈંગ શીખવવામાં આવે છે. આનાથી મહિલાઓ માટે કમર્શિયલ પાઈલટની તાલીમ મેળવવાનું સરળ બને છે. કેટલીક રાજ્ય સરકાર આ માટે સબસિડી આપે છે તો કેટલીક કંપની મહિલાઓને પાઈલટ્‌સની તાલીમ માટે સ્કોલરશીપ આપે છે.

ભારતીય વાયુદળે ૧૯૯૦ના દાયકાના અંતમાં હેલિકોપ્ટર અને પરિવહન માટે મહિલા પાઈલટ્‌સની ભરતી કરવાનું શરૂ કરીને મહિલાઓને ઉડાણ ભરવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો અને આ વર્ષે તેની ફાઈટર પાઈલટ્‌સ માટે પણ મંજુરી આપવામાં આવી છે. આ સાથે જ એરલાઈન કંપનીઓ પણ મહિલા પાઈલટ્‌સને કામકાજમાં સરળતા રહે તેવી નીતિઓ બનાવી રહી છે.

આજે ઉડ્ડયન ક્ષેત્રમાં મહિલાઓ માટે ક્ષિતિજાે વિસ્તરતી જાય છે અને તે પોતાની કાબેલિયત પણ પુરવાર કરી રહી છે તે ખરું, છતાં પુરુષોનું આધિપત્ય ધરાવતા પડકારરૂપ ક્ષેત્રમાં મહિલા સફળતા મેળવે ત્યારે તેણે ચોક્કસ પ્રકારની ટીકા તથા ટિપ્પણીઓનો ભોગ બનવું જ પડે છે. ઝોયાએ જે સિદ્ધિ હાસલ કરી તે કાબિલેદાદ છે પરંતુ અહીં સુધી પહોંચવાનો તેનો પ્રવાસ સરળ નહોતો.

આમ છતાં તે કમર્શિયલ પાઇલટના ક્ત્રમાં છે એટલે સ્થિતિ થોડી મેનેજેબલ છે. હેલિકોપ્ટર ઉડાડતાં આવડવું અને તે માટે લાઈસન્સ મેળવવું વધુ અઘરું છે. ભારતની પ્રથમ સિવિલિયન હેલિકોપ્ટર મહિલા પાઈલટનું બિરુદ મેળવનાર ક્રીતિ ગરુડાએ કહ્યું હતું કે, વિમાન સ્થિર રહે છે અને તે હવામાં ઊડી શકે તે રીતે જ તેની ડિઝાઈન તૈયાર કરવામાં આવતી હોય છે.

આથી તે ૩૦ હજાર ફૂટની ઉંચાઈએ વાદળામાંથી પણ પસાર થઈ શકે છે. બીજી તરફ હેલિકોપ્ટર એરોડાયનામિક હોતા નથી. તે ફરતી બ્લેડને સહારે જ હવાને વીંઝીને આગળ વધે છે. આથી વિમાન કરતાં હેલિકોપ્ટર ઉડાડવું જાેખમી છે. હેલિકોપ્ટરના પાઈલટે વાદળાને ટાળવા પડે છે. વળી તે વધુ ઉંચાઈએ ન જતું હોવાથી પક્ષી સાથેની અથડામણનું જાેખમ હોય છે.

મારી પાસે એન્જિનિયરીંગનું જ્ઞાન હોવાથી હુ તે રીતે કાઢી શકાય તે વિશે આગોતરું વિચારી શકું છું. વિમાનને ઓટો પાઈલટ મોડ પર મૂકી દેવાનું હોય છે જ્યારે હેલિકોપ્ટરમાં પાઈલટે અત્યંત સજાગ રહેવું પડે છે. જરા અમથી ચૂક પણ જીવલેણ સાબિત થઇ શકે છે.

મૂળ આંધ્ર પ્રદેશની ક્રીતિએ નાનપણમાં પક્ષીને ઊડતું જાેઈને એક દિવસ પોતે પણ આ રીતે આભમાં ઊડશે એવો દૃઢ નિર્ધાર કર્યાે હતો. જાે કે, તેને સામાન્ય કમર્શિયલ પાઈલટ નહોતું બનવું કેમ કે એમાં કોઈ ઝાઝો પડકાર નહોતો. જ્યારે હેલિકોપ્ટર ઉડાડવું સાહસિક અને પડકારજનક ગણાય છે. વળી સિવિલિયન ચોપર પાઈલટ ભાગ્યે જ જાેવા મળે છે.

આથી તેણે આ ક્ષેત્રમાં જવાનો નિર્ણય કર્યાે અને આજે તે અમેરિકામાં તાલીમ પામેલી પાંચ હેલિકોપ્ટર ફ્લાઈંગ લાઈસન્સ ધરાવતી પ્રથમ ભારતીય મહિલાનું બહુમાન ધરાવે છે. જાે કે, ક્રીતિના ડોક્ટર પિતા અને સાયકોલોજીની પ્રોફેસર માતા નહોતાં ઈચ્છતાં કે દીકરી આવા જાેખમી ક્ષેત્રમાં જાય. આથી ક્રીતિએ સૌથી પહેલાં એન્જિનિયરીંગની ડિગ્રી લીધી અને ઉડવાનો શોખ જીવંત રાખવા પેરાગ્લાઈડિંગનો કોર્સ કર્યાે.

ત્યાર બાદ હવાઈ આર્કિપેલેગો ઓફ યુએસએમાં હેલિકોપ્ટર ફ્લાઈંગની તાલીમ લેવા પહોંચી ગઈ. ત્યાંના અનુભવ વિશે વાત કરતાં ક્રીતિએ જણાવ્યું હતું કે, અમેરિકાના સંકુચિત માનસ ધરાવતાં વિદ્યાર્થીઓ સાથે ભણવું મુશ્કેલ હતું. ભારતીય તરીકે અંગ્રેજીના ઉચ્ચારો અલગ હોવાથી તેઓ મારી ટીખળ કરતાં અને મને અમેરિકનની જેમ બોલવાની સલાહ આપતાં.

પરંતુ સ્વયંમાં કશો પણ બદલાવ લાવ્યા વગર મેં માત્ર એક વર્ષમાં જ કોર્સ પૂરો કર્યાે અને પ્રથમ લાઈસન્સ મેળવ્યું. જ્યારે તે બધાને વર્ષાે લાગ્યા હતા. ત્યાર બાદ નાના વિમાનને ઉડાડવાનું તથા અન્ય તાલીમી પાઈલટ્‌સને શીખવવાનું લાઈસન્સ મેળવ્યું. આ તમામ સમય દરમિયાન મને હવાઈના વર્ષાવનો, પહાડો અને સૌંદર્યનો જે નઝારો માણવા મળ્યો છે તે અવર્ણનીય છે. ૧૩ હજાર ફૂટની ઊંચાઈએ જવાળામુખી નીકળતો હોય એવા વિસ્તારોમાં પણ હું પર્યટકોને લઈને પહોંચી છું.

જાે કે, સાહસ કરવા થનગનતી ક્રીતિને હવે ડિઝાઝસ્ટર મેનેજમેન્ટ તથા બચાવ કામગીરીમાં યોગદાન આપવું છે. ભારતમાં સિવિલિયન કમર્શિયલ પાઈલટ્‌સ માટે તકો ઘણી ઓછી છે. છતાં કંઈક અનોખું અને આગવું કરવા માટે ક્રીતિ હંમેશા ઉત્સુક હોય છે. હાલમાં થોડા સમય માટે ભારત આવેલી ક્રીતિને કાલ્પનિક નવલકથાઓ વાચવાનો અને વીડિયો ગેમ રમવાનો શોખ છે.

યુવતીઓને પ્રોત્સાહન આપતાં ક્રીતિએ કહ્યું હતું કે, મક્કમ નિર્ધાર અને લક્ષ્યની સ્પષ્ટતા હોય તો જ આ ક્ષેત્રમાં આવજાે. બાહ્ય સંજાેગોને દોષ આપવાને બદલે મહેનત કરવાનો અને તમામ અવરોધો પાર કરીને આગળ વધવાનો જુસ્સો હોવો જરૂરી છે. લાઈસન્સ મળી જવાથી શીખવાની પ્રક્રિયા પૂરી થતી નથી. તમારા અહંકાર અને અન્યોની ટીકાને અવગણીને આગળ વધવાની હિંમત જ આ ક્ષેત્રમાં સફળતા અપાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.