પાણી પુરવઠા બોર્ડ અને તાલુકાના વહીવટી તંત્રને મહિલાઓએ બુમો પાડતાં પરસેવો છૂટી ગયો
મહિલાઓ પાણી માટે ઘોઘંબા તાલુકા પંચાયતમાં માટલા ફોડી વિરોધ વ્યક્ત કર્યો
(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લાના બહુમત આદિવાસી વસ્તી ધરાવતા ઘોઘંબા તાલુકાના અનેક ગામડાઓ પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. ઘોઘંબા તાલુકામાં રૂ. ૪૮,૭૯,૦૦,૦૦૦નો ખર્ચ વાસ્મોની નલ સે જલ યોજના હેઠળ કરવામાં આવ્યો હોવા છતાં છેવાડાના માનવી સુધી પીવાના પાણી પહોંચ્યા નથી. Women protested Ghoghamba taluka panchayat for water requirement.
નલ સે જલ યોજના હેઠળ ૯૭ કામો અલગ અલગ એજન્સી દ્વારા કરવાની કામગીરી જે તે સમયે વાસ્મો દ્વારા કરવામાં આવી હતી. જેમાં પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો સરકારનો લક્ષ્યાંક હતો. આ યોજનાનું કામ પૂરું થતા છેવાડાના માનવી સુધી પાણી પહોંચ્યું હોવાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. આજે પણ ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં પાણી માટે પ્રજાએ વલખાં મારવા પડી રહ્યા છે.
ઘોઘંબાના પાધોરા ગામે ટેકરા ફળિયામાં અંદાજિત ૨૫ જેટલા પરિવારો સુધી હજી પાણી પહોંચ્યું નથી. પધોરામાં વાસ્મોની નલ સે જલ યોજના હેઠળ રૂ. ૧,૩૪,૪૭,૦૦૦ જેટલી માતબર રકમ ખર્ચ કરી ઘરે ઘરે પાઇપ લાઇન મારફતે પાણી પહોંચાડવાની કામગીરી જયંતીલાલ કે પટેલ નામની એજન્સી દ્વારા એક વર્ષ પહેલાં કરવામાં આવી હતી.
કાગળ ઉપર રુડી રૂપાળી હોવા મળતી આ યોજના પુરી થઈ અને તેના નાણાં એજન્સીઓને ચૂકવાઈ ગયા પછીના આ પહેલા ઉનાળામાં જ આયોજનની કામગીરીની પોલ ખુલી છે.પાધોરાના આ ફળિયાના રહીશોને પાણી માટે સવાપુરા તથા ખાનગી માલિકોના બોર તથા કૂવા ઉપર ર્નિભર રહેવું પડે છે.
ગામલોકોએ સરપંચને રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવતા નથી. જેથી ટેકરા ફળીયાની મહિલાઓએ પાણી માટે સરકારના છાજીયા ગાતા ગીતો ગાઈ ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે માટલા ફોડ્યા હતા. પાધોરા ગામે નલ સે જલ યોજના અંતર્ગત ગામમાં યોજનાનું કામ ડુંગર ફળિયાને છોડીને બીજા ફળિયામાં કરવામાં આવ્યું છે.
આ કામ પણ અધૂરું છે. ફળિયાના હેન્ડપંપ તથા બોર બંધ હોય મહિલાઓને પાણી માટે વલખાં મારવા પડે છે.ટેકરા ફળિયાની ૩૦ જેટલી મહિલાઓ આજે ઘોઘંબા પંચાયત ખાતે આવી માટલા ફોડી ટેન્કર દ્વારા પાણી આપવાની માગ કરતા વાસ્મો યોજનામાં આચરવામાં આવેલા કૌભાંડનો વધુ એક નમૂનો જિલ્લામાં સામે આવ્યો છે.
નાના ગામડામાં ૧ કરોડ ૩૪ લાખ રૂપિયા એજન્સીએ ક્યા વાપર્યા અને તેમાં કઈ કામગીરી કરવામાં આવી તે ઊંડાણ પૂર્વકની તાપસનો વિષય છે, પરંતુ આજે મહિલાઓએ સરકારના છાજીયા ગાઈ પાણી માંગવા ઘોઘંબા તાલુકા મથકે પહોંચી ત્યાં માટલા ફોડી પાણી પાણી ન પોકાર કરતા પાણી પુરવઠા બોર્ડ, વાસ્મો અને તાલુકાના વહીવટી તંત્રને પરસેવો છૂટી ગયો હતો.
પીવાના અને વાપરવાના પાણી સાથે પશુ ધનની તરસ છીપાવવા માટે વલખાં મારવા પડે છે. પશુ પાલન ઉપર નભતા આદિવાસીઓનો આખો દિવસ પાણી ભરવામાં પસાર થઈ જાય છે. મહિલાઓ પશુ માટે પાણી લેવા જાય કે ઘાસચારો લેવા જાય કે પછી ઘરકામ કરે તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય છે. જાે કે અત્રે પહોંચેલી મહિલાઓને સ્થાનિક તંત્રએ હયાધારણા આપી પાણીની વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી હતી.