સુરતની પાલ ગામ સ્થિત શાળા ક્રમાંક ૩૧૯માં મહિલા દિનની વિશિષ્ટ ઉજવણી કરાઈ
સુરત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક ૩૧૯ માં મહિલાદિનની ઉજવણી નિમિત્તે શાળાનાં તમામ મહિલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે મહિલા કર્મચારીઓનાં સાસુમા તથા પુત્રવધૂઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જે ખાસ અને વિશેષ કહી શકાય કેમ કે મહિલા કર્મચારી સારી રીતે નોકરી કરી શકે તેમાં એમનાં ઘરનાં અન્ય મહિલા સભ્યોનો સપોર્ટિંગ રોલ હોય છે.
આ અદ્શ્ય ટેકા વગર નોકરી કરવું શક્ય નથી એટલે મહિલા સશક્તિકરણ સન્માન કાર્યક્રમ ઉપક્રમે શાળાનાં શિક્ષિકા બહેનો, કમ્પ્યુટર ઓપરેટર બહેન, સેવિકા બહેન સાથે વિશિષ્ટ શિક્ષિકા બહેનોનું પણ ટ્રોફી સ્મૃતિભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાનાં વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતાં. જેમાં ઐતિહાસિક દાંડીકૂચનાં નાટયીકરણની રજૂઆત સાથે વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ થયેલ બેટી ડાન્સ અને શિક્ષિકા નીમાબેન દ્વારા રજૂ થયેલ નવરંગનું હોળીગીત જેમાં નર નારીનો યુગ્મ ડાંસનો સોલો પરફોર્મન્સ બખૂબી નિભાવ્યું જેની સૌએ પ્રશંસા કરી હતી.
માત્ર મહિલાઓ માટેનાં આ મંચ પર કેવળ મહિલાઓ જ બિરાજમાન થયેલ હોય એ પણ આ કાર્યક્રમની વિશેષતા હતી. પોતાનાં સન્માનનો પ્રતિભાવ આપતાં શાળાનાં શિક્ષિકા સરોજબેનનાં પુત્રવધૂ ડૉ.બીરવા દેસાઈએ કહ્યું કે આ પ્રકારનું સન્માન પ્રાપ્ત કરવાનો આ પહેલો અવસર છે. કાર્યક્રમનાં મુખ્ય મહેમાન ઓસ્ટ્રેલિયાવાસી જાગૃતિબેન ઉમરિયાએ સમગ્ર કાર્યક્રમ નિહાળી પોતે આશ્ચર્યચકિત અને આનંદવિભોર થયા હોવાનું જણાવ્યું હતું.