Western Times News

Gujarati News

મહિલા સ્વસહાય જૂથોએ સ્વચ્છતા અંગે અભિયાન ચલાવ્યું અને 4 લાખથી વધુ ગ્રામીણ ઘરો સુધી પહોંચ્યા

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા મહિલા સ્વસહાય  જૂથોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા માટે તાલીમ આપવામાં આવી

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સ્વચ્છતા હી સેવા અભિયાનને ગુજરાતમાં જનભાગીદારીથી વધુ બે મહિના સુધી આગળ ધપાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

આ સ્વચ્છતા હી સેવા 2023 અભિયાનના બેનર હેઠળ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા ગુજરાતના મહિલા સ્વસહાય જૂથોને તાલીમ આપીને સ્વચ્છતા અને પર્યાવરણીય જાગૃતિના ચેમ્પિયન બનાવવા માટેના સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. આ પ્રયાસો થકી ગુજરાતના 17, 425 મહિલા સ્વસહાય જૂથો સ્વચ્છતા ચેમ્પિયન્સ બન્યા છે. ત્યારબાદ આ મહિલા સ્વસહાય જૂથોએ ગ્રામ્ય વિસ્તારના 4 લાખ ઘરો સુધી પહોંચીને સ્વચ્છતા અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવ્યું છે.

સ્વચ્છ ભારત મિશન –ગ્રામીણ દ્વારા સંચાલિત આ તાલીમનો ઉદ્દેશ મહિલાઓને સ્વચ્છતા જાળવવા અંગે જ્ઞાન અને કૌશલ્ય પ્રદાન કરીને તેમને સશક્ત બનાવવાનો હતો, જેથી તેઓ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવી શકે, ઘન અને પ્રવાહી કચરાનું અસરકારક વ્યવસ્થાપન કરી શકે અને તેઓની સંબંધિત કોમ્યુનિટીમાં સેગ્રીગેશન શેડ્સની કામગીરીનું નિરીક્ષણ કરી શકે.

ત્રણ મુખ્ય મોડ્યુલમાં વિભાજિત થયા તાલીમ સત્રો

સ્વસહાય જૂથોની મહિલાઓને તાલીમબદ્ધ કરવા માટે તાલીમ સત્રોને ત્રણ મુખ્ય મોડ્યુલમાં વિભાજિત કરવામાં આવ્યા હતા, અને આ દરેક મોડ્યુલ સ્વચ્છતા હી સેવા 2023 અભિયાનના ચોક્ક્સ પાસા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ત્રણ મોડ્યુલ્સ નીચે મુજબ છે:

1) જાગૃતિને પ્રોત્સાહન (અવેરનેસ પ્રમોશન): સ્વચ્છતા પ્રત્યે આપણી જવાબદારીની અંગેની ગહન સમજ કેળવવા માટે તાલીમ સત્રના સહભાગીઓએ સ્વચ્છતાનું મહત્વ અને ખુલ્લામાં શૌચની પ્રતિકૂળ અસરો અંગે એક સઘન વર્કશોપનું આયોજન કર્યું. તાલીમાર્થીઓને શીખવાડવામાં આવ્યું કે તેઓ શેરી નાટકો, પેમ્ફલેટ્સ અને કોમ્યુનિટી મીટિંગ્સ જેવા વિવિધ માધ્યમો દ્વારા તેમના સમુદાયમાં આ સંદેશાઓનો કેવી અસરકારક રીતે સંચાર કરી શકે છે.

2) ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન (સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ): મહિલાઓને કચરાના અલગીકરણ, કમ્પોસ્ટિંગ અને રિસાયક્લિંગ કોન્સેપ્ટનો પરિચય આપવામાં આવ્યો. તેઓને વિવિધ પ્રકારના કચરાને કેવી રીતે ઓળખી શકાય અને તેના સંગ્રહ, નિકાલ અને રિસાયક્લિંગ માટેની યોગ્ય પદ્ધતિઓ શીખવવામાં આવી હતી.

3) સેગ્રીગેશન શેડ્સનું સંચાલન: કચરાનું કાર્યક્ષમ અલગીકરણ (સેગ્રીગેશન) સુનિશ્ચિત કરવા માટે સ્વસહાય જૂથના સભ્યોને તેમના સમુદાયોમાં સેગ્રીગેશન શેડની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે તાલીમ આપવામાં આવી હતી. તેઓએ અલગીકરણની પ્રક્રિયા, તેના માટે જરૂરી સાધનો અને તેનો રેકોર્ડ રાખવાનું શું મહત્વ છે તે વિશે જાણકારી મેળવી હતી.

મહિલા સ્વસહાય જૂથોએ 4 લાખથી વધુ ગ્રામીણ ઘરોમાં ચલાવ્યું જાગૃતિ અભિયાન

તાલીમ સત્રો પૂર્ણ થવાની સાથે રાજ્યના 17, 425 મહિલા સ્વસહાય જૂથો ‘સ્વચ્છતા હી સેવા 2023’ ના ચેમ્પિયન્સમાં પરાવર્તિત થયા. જ્ઞાન, કૌશલ્ય અને દ્રઢ નિશ્ચયથી સજ્જ તેઓ સમાજમાં એક સકારાત્મક પરિવર્તન લાવવા માટે પોતપોતાના સમુદાયોમાં પરત ફર્યા. ત્યારબાદ તેઓએ એક સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું. તેઓએ ગામડાઓમાં ઘરે-ઘરે સ્વચ્છતા અંગે જાગૃતિ અભિયાન ચલાવ્યું અને 4 લાખથી વધુ ગ્રામીણ ઘરો સુધી પહોંચ્યા. આ ઉપરાંત, તેઓએ 687 સેગ્રીગેશન શેડના સંચાલન અને જાળવણીની જવાબદારી ઉપાડી.

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા સંચાલિત આ તાલીમ કાર્યક્રમે ફક્ત મહિલાઓને સશક્ત જ નથી કરી પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તનની એક લહેર પણ પ્રજ્વલિત કરી છે, જે આગામી વર્ષોમાં રાજ્યના ભવિષ્યને આકાર આપતી રહેશે. સ્વચ્છતા હી સેવા અભિયાન ગુજરાતના લોકો માટે જીવનનો માર્ગ બન્યું છે, જેનો શ્રેય સ્વચ્છતા ચેમ્પિયનમાં પરાવર્તિત થયેલા આ મહિલા સ્વસહાય જૂથોના અથાક પ્રયાસોને જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.