Western Times News

Gujarati News

806 કરોડના ખર્ચથી અમદાવાદમાં વોટર લોગીંગ સ્પોટ બંધ કરવા ૩૧ સ્થળે કામ કરવામાં આવશે

File Photo

નિકોલમાં રૂ.૧ર.૯પ કરોડના ખર્ચથી સ્ટ્રોમ વોટર પંપીંગ સ્ટેશન

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝન દરમિયાન વરસાદી પાણી ભરાવવાની સમસ્યા કાયમી બની ગઈ છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખ્યા બાદ પણ મોટાભાગના વિસ્તારો સામાન્ય વરસાદમાં જળબંબાકાર થઈ જાય છે.

ચાલુ વર્ષે પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેને ધ્યાનમાં લઈ સત્તાધારી પાર્ટીએ વોટર લોગીંગ સ્પોટ ઓછા / બંધ કરવા માટે કમર કસી છે અને આવા જે સ્થળે વધુ પાણી ભરાય છે તે સ્થળે જરૂરી કામ શરૂ કરવામાં આવ્યા છે. એક અંદાજ મુજબ ૩૧ સ્પોટ પર જ રૂ.૮૦૦ કરોડ કરતા વધુ રકમ ખર્ચ કરી વોટર લોગીંગ સ્પોટ બંધ કરવામાં આવશે.

સ્માર્ટ સીટી અમદાવાદમાં એકાદ બે ઈંચ વરસાદમાં જ વરસાદી પાણી ભરાઈ જાય છે. છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યાના નિવારણ માટે પ્રયાસ અને ખર્ચ થયા છે. પરંતુ યોગ્ય પરિણામ મળ્યા નથી. ર૦ર૪ના વર્ષમાં પણ શહેરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા વધુ ગંભીર બની હતી આ બાબતને ધ્યાનમાં લઈ મ્યુનિ. શાસકપક્ષે વોટર લોગીંગ સ્પોટ બંધ કરવા નિર્ણય કર્યો છે

જેના માટે તમામ ઝોનના સર્વે કર્યા જે સ્થળે સમસ્યા જટીલ છે તેવા ૩૧ સ્થળોએ કામગીરી કરવા નિર્ણય કર્યો છે. જેના માટે રૂ.૮૦૬.૧૯ કરોડનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે. મ્યુનિ. ડ્રેનેજ પ્રોજેકટ વિભાગ દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનમાં -૩, દ.પ-ર, પશ્ચિમ-૬, મધ્ય-૩, , પૂર્વ-૧, ઉત્તર ઝોનમાં એક સ્થળે કામ કરવામાં આવશે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નિકોલમાં રૂ.૧ર.૯પ કરોડના ખર્ચથી સ્ટ્રોમ વોટર પંપીંગ સ્ટેશન, સાબરમતીમાં રૂ.૧.૩૦ કરોડના ખર્ચથી અંડરપાસમાં પંપીંગ મશીન બનાવવાનું કામ, સરસપુર અને ઈન્ડીયા કોલોની વોર્ડમાં હયાત જર્જરીત નાળુ તોડી નવું બનાવવા માટે રૂ.૧ર.૪૧ કરોડ, રામોલ હાથીજણમાં રૂ.૧૪.૪૩ કરોડના ખર્ચથી નવું સ્ટ્રોમ વોટર પંપીંગ સ્ટેશન બનાવવાનું, રામોલ હાથીજણમાં જ રૂ.૯.૬૬ ખર્ચથી વરસાદી પાણીની લાઈન નાંખવાનું,

મણિનગરમાં રૂ.૬.ર૭ કરોડના ખર્ચથી ઉત્તમનગર ગાર્ડન પાસે વરસાદી પાણીના નિકાલનું કામ, લાંભામાં રૂ.૪.૮૮ કરોડના ખર્ચથી લાંભા તળાવથી અસલાલી તળાવ સુધી ઓવરફલો લાઈન નાંખવાનું કામ, સરખેજ વોર્ડમાં રૂ.૩૬.ર૭ કરોડના ખર્ચથી શ્રીનંદનગરથી નદી સુધી વોટર બોક્સ બનાવવાના કામ, દ.પ. ઝોનમાં રૂ.૭૮.૧૮ કરોડના ખર્ચથી પાંચ તળાવોનું ઈન્ટરલીકીંગ કામ, પાલડીમાં રૂ.૧૮૦.૧૭ કરોડના ખર્ચથી માણેકબાગથી નદી સુધી માઈક્રો ટર્નલીંગનું કામ, રાણીપમાં રૂ.૧૪૬.૪ર કરોડના ખર્ચથી કાળી ગરનાળાથી ચંદ્રભાગા નાળાને રીમોલ્ડ કરવાના કામ મુખ્ય છે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગ દાણી અને વોટર સપ્લાય કમિટી ચેરમેન દિલીપ બગરીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આગામી ચોમાસાની સીઝન સુધી તમામ કામ પૂર્ણ થઈ જાય તેવા પ્રયત્ન છે તેમજ વોટર લોગીંગ સ્પોટ પણ બંધ થઈ જશે. હાલ જે ૭૧ સ્પોટ નકકી કરવામાં આવ્યા છે. તે પૈકી રૂ.૩૪૧.૪૯ કરોડના ખર્ચથી ૧ર સ્થળે કામ ચાલી રહયા છે.

જયારે રૂ.૭પ.૦૬ કરોડના ૬ કામના ટેન્ડર મંજુર છે. આ ઉપરાંત રૂ.૧૦૧.ર૮ કરોડના પાંચ કામોના ટેન્ડર મંજુરીમાં છે તેમજ રૂ.ર૬૩.૩૬ કરોડના સાત કામના અંદાજ તૈયાર કરવામાં આવ્યા છે. જે કામ પ્રગતિમાં છે તે પૈકી નિકોલમાં વોટર પંપીંગ બનાવવાનું કામ ૪પ ટકા, સરસપુર ઈન્ડીયા કોલોનીનું કામ ૪૮ ટકા, અને ઈસનપુરમાં મહાવીર સ્કુલ પાસે નવી વરસાદી લાઈન નાંખવાનું કામ ૩પ ટકા પૂર્ણ થઈ ગયું છે તેમ તેમણે વધુમાં જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.