અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન

પ્રતિકાત્મક
ગાંધીનગર, આધુનિક ગુજરાતના નિર્માણમાં નારીશક્તિની ભૂમિકા અગત્યની છે. જેમાં મહિલા શિક્ષણ મુખ્ય પાયો છે. અમારી સરકારે ગત વર્ષે જાહેર કરેલ “નમો લક્ષ્મી યોજના” થકી ૧૦ લાખ જેટલી વિદ્યાર્થિનીઓ અને “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” થકી અંદાજિત ૬૮ હજાર વિદ્યાર્થિનીઓને સહાય આપવામાં આવી રહેલ છે.
મહિલાઓને પગભર કરવા માટે ‘નમો ડ્રોન દીદી યોજના’ને પ્રોત્સાહન આપવા ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. વધુમાં “લખપતિ દીદી યોજના”ને પ્રોત્સાહન આપવા વિવિધ કૌશલ્યોમાં તાલીમ આપવા તથા સ્વ-રોજગાર શરૂ કરવા માટે વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે.
મહિલાઓની આત્મનિર્ભરતા માટે હું નવી “સખી સાહસ” યોજનાની જાહેરાત કરું છું. જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા ₹૧૦૦ કરોડની જોગવાઇ કરું છું. આપણી જે બહેનોને નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે. તેના માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન છે.
પર્યાવરણની જાળવણી માટે પરંપરાગત ઇંધણને બદલે એલ.પી.જી.ના ઉપયોગથી ધુમાડો ઓછો થાય અને બાળકો અને મહિલાઓનું આરોગ્ય જળવાઇ રહે તે માટે “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” તથા રાજ્ય સરકારની “પી.એન.જી-એલ.પી.જી. સહાય યોજના” અંતર્ગત ₹૫૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
“જનતા જૂથ અકસ્માત વીમા યોજના” હેઠળ નિરાધાર વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઇ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ ૪ કરોડ ૪૫ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવેલ છે. હાલમાં આ યોજના હેઠળ ₹૫૦ હજારથી ₹૨ લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવે છે. જેમાં વધારો કરી આગામી વર્ષે ₹૨ લાખથી ₹૪ લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત કરું છું.
ગરીબોના સર્વાંગી વિકાસ, યુવાઓને શિક્ષણ સાથે કૌશલ્ય વર્ધન, અન્નદાતાને રાજ્યની સમૃદ્ધિમાં અગ્રેસર બનાવવા તેમજ નારીશક્તિના ઉત્કર્ષ સાથે તેને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે.