વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જાહેર રજાની ઘોષણા કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
(પ્રતિનિધિ) ભરૂચ, ૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની યુનો દ્વારા ઘોષણા કરવામાં આવી હતી.જેના અનુસંધાને તે દિવસે દેશભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે.પરંતુ તે દિવસે સરકાર દ્વારા જાહેર રજા ઘોષિત કરવામાં આવી નથી,જેના અનુસંધાને ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને લખેલ આવેદનપત્ર નાયબ કલેક્ટર ઝઘડિયાને પાઠવ્યું છે.
આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું છે કે બિનસાંપ્રદાયિક લોકશાહી ગુજરાતમાં વિવિધ જ્ઞાતિ ધર્મ સમાજના લોકો વસવાટ કરે છે અને તેઓ માટે સાંસ્કૃતિક સામાજિક અસ્મિતા ટકી રહે અને ભારતીય હોવાનો ગર્વ અનુભવે તે હેતુથી બધા જ જ્ઞાતિ ધર્મ કે કોમના લોકો માટે રાજ્ય સરકાર સામાજિક ધાર્મિક કે સાંસ્કૃતિક મહત્વ ધરાવતા દિવસે જાહેર રજા ઘોષિત કરવામાં આવે છે.
પરંતુ રાજ્ય સરકારના આ રજાઓના ટાઈમ ટેબલમાં આદિવાસીઓ જ હાસીયામાં ધકેલાઈ જાય છે.ગુજરાતમાં એક કરોડ જેટલા આદિવાસીઓ છે.પરંતુ તેમની આદિવાસી સંસ્કૃતિ અને કુદરતી જીવનશૈલી આધારિત જીવન પદ્ધતિને ક્યારેય ધ્યાનમાં લેવામાં આવતી નથી, જે સૌથી દુઃખદ બાબત છે.ખ્રિસ્તી, પારસીઓ,વિદેશી આર્યોના તહેવારોમાં જાહેર રજા આપવામાં આવે છે,
જ્યારે ભારત દેશના મૂળ નિવાસી આદિવાસીઓ માટે એક પણ રજા નથી આપવામાં આવતી! આવો સામાજિક અન્યાય વિશ્વના કોઈ દેશમાં નહીં હોય! વિશ્વના ૧૯૫ દેશોમાં ૯૦ દેશોની અંદર પાંચ હજાર આદિવાસી સમુદાયો છે,તેઓની પોતાની સાત હજાર ભાષાઓ છે, આદિવાસી સમાજના સૌથી વધારે અધિકારોનો શોષણ ભારત દેશમાં થતું આવ્યું છે,
જેથી આગામી યુનો દ્વારા ઘોષિત નવમી ઓગસ્ટ આદિવાસી સન્માનમાં રાજ્ય સરકાર આવનારી નવમી ઓગસ્ટે જાહેર રજા ઘોષિત કરવામાં આવે તેવી માંગણી તેઓએ આવેદનપત્રમાં કરી છે.