વર્લ્ડ બેંકની લોનનો ઉપયોગ દાણીલીમડા- બહેરામપુરા જેવા વિસ્તારોમાં કરોઃ કમિશનર

હોળીના તહેવારોના કારણે મજુરો ઉપલબ્ધ ન હોવાથી લગભગ ૧૪૭ જેટલા રોડના કામ હાલ પુરતા બંધ કરવાની ફરજ પડી
(પ્રતિનિધિ) અમદાવાદ, વર્લ્ડ બેંક તરફથી મળેલી લોનની રકમમાંથી અમુક પસંદગીના વિસ્તારોમાં જ કામો કરવામાં આવ્યા છે જયારે અત્યંત જરૂર છે તેવા દાણીલીમડા, બહેરામપુરા સહિતના વિસ્તારોમાં રાતી પાઈ પણ ખર્ચ કરવામાં આવી નથી તે મુદ્દે વિકલી રીવ્યુ બેઠકમાં કમિશનરે નારાજગી વ્યકત કરી હતી.
મ્યુનિ. કમિશનરના અધ્યક્ષસ્થાને દર સપ્તાહે મળતી રિવ્યુ બેઠકમાં વર્લ્ડ બેંકના નાણાંનો ક્યા અને કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તે અંગે ચર્ચા થઈ હતી. શહેરના દાણીલીમડા, બહેરામપુરા, લાંભા, અમરાઈવાડી જેવા વિસ્તારોમાં બારે મહિના પાણીજન્ય રોગચાળો જોવા મળે છે તેવા વિસ્તારોમાં ડ્રેનેજ અને પાણીની લાઈનો રી-હેબ કરવા માટે કોઈ જ રકમ ફાળવવામાં આવી નથી તે અંગે કમિશનરે સીટી ઈજનેર વિજય પટેલને સવાલો કર્યાં હતાં
આ ઉપરાંત પ્રીમોન્સુન એકશન પ્લાન અંતર્ગત અત્યારથી જ કેચપીટો અને ડ્રેનેજ લાઈનોની સફાઈ માટે પણ કમિશનરે તેમની સાથે ચર્ચા કરી હતી તથા સ્પષ્ટ જણાવ્યું હતું કે આ જવાબદારી આપની છે તેથી દરેક ઝોનમાં અને વોર્ડમાં કેટલી કેચપીટો અને લાઈનોની સફાઈ થઈ છે તેની વિગતો આપવાની રહેશે. આ ઉપરાંત બાયો રેમીડીયેશનની કેવી અસર જોવા મળે છે
તે અંગે પણ તેમને સવાલ કરવામાં આવ્યા હતા જેના જવાબમાં સીટી ઈજનેર વિજય પટેલે જણાવ્યું હતું કે જીપીસીબી દ્વારા બે દિવસ અગાઉ જ વીઝીટ કરવામાં આવી છે અને સેમ્પલ લઈ જવામાં આવ્યા છે તેના રિપોર્ટ આવેથી કમિશનર સમક્ષ રજુ કરવામાં આવશે.
મ્યુનિ. કમિશનરે કોલેરાના વધી ગયેલા કેસ અંગે હેલ્થ વિભાગના વડાને સવાલ કર્યાં હતાં તથા આ અંગે તાકીદની યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપી હતી. શહેરમાં હોળીના તહેવાર બાદ રોડના કામકાજ લગભગ ઠપ થઈ ગયા છે જેની સામે કમિશનરે હોળી અને દિવાળીમાં નિર્માણ થતી આ પરિસ્થિતિનો યોગ્ય ઉકેલ લાવવા માટે પણ સુચના આપી હતી.
રોડના કામ અંગે કમિટી ચેરમેન જયેશ પટેલનો સંપર્ક કરતા તેમણે પણ એ બાબતનો સ્વીકાર કર્યો હતો કે હોળીના તહેવારોના કારણે મજુરો ઉપલબ્ધ ન હોવાથી લગભગ ૧૪૭ જેટલા રોડના કામ હાલ પુરતા બંધ કરવાની ફરજ પડી છે. મ્યુનિ. કમિશનરની રીવ્યુ મીટીંગમાં ટેક્ષની આવક મામલે કોઈ ચર્ચા થતી નહતી આ ઉપરાંત સાબરમતી પ્રદુષણ મામલે પણ કમિશનરે હજી સુધી કોઈ સવાલ જવાબ કર્યાં નથી તે બાબત પણ ચર્ચાનો વિષય બની છે.