ભારત-પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદમાં વર્લ્ડ કપનો જંગ
ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહનો માહોલ
અમદાવાદ, ૧૪ ઓક્ટોબર શનિવારે વર્લ્ડ કપ મેચ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે રસાકસીભરી મેચ રમાશે. જેના માટે શુક્રવારે પાકિસ્તાન અને ભારતીય ટીમે જાેરદાર પ્રેક્ટિસ કરી હતી. શુભમન ગિલ ભારતીય ટીમના અન્ય ખેલાડીઓ કરતા પહેલા જ અમદાવાદ આવી પહોંચ્યો હતો. જ્યાં તેણે નેટ્સમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.
અહીં તેણે લગભગ ૧કલાક નેટ બોલર્સ સામે બેટિંગ કરી અને પછી કેચિંગ પ્રેક્ટિસ કરવા માટે ગયો હતો. આ સમયે ગિલને અશક્તિ પણ નહોતી લાગી કે પ્રોપર સેશનમાં ભાગ લીધો હતો. જાેકે તે પાકિસ્તાન સામેની મેચમાં પ્લેઇંગ-૧૧માં હશે કે કેમ એ સસ્પેન્સ છે પરંતુ નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે મોટાભાગે ગિલના રમવાના ચાન્સ લાગી રહ્યા છે. જાેકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ઈન્ડિયન ટીમ જ્યારે હોટેલ પહોંચી ત્યારે દરેક ખેલાડીઓનું સાલ અને તિલક લગાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે હાર્દિક પંડ્યા તેમના પુત્ર અગત્સ્ય સાથે બસમાંથી નીચે ઉતર્યા હતા. એટલું જ નહીં વિરાટ કોહલી અને કેએલ રાહુલનું પણ ભવ્ય સ્વાગત થયું હતું. ઈન્ડિયન ટીમે ફિલ્ડિંગ અને બેટિંગ પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારપછી હવે મેચ પહેલા રણનીતિને અંતિમ ઓપ અપાઈ રહ્યા છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં એક દશકા કરતા વધુ સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવા જઈ રહી છે એના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટ્સમેન માટે સ્વર્ગ ગણાય છે. આ મેદાન પર બેટ્સમેન ઘણા રન બનાવે છે. અહીં બોલ અને બેટ વચ્ચે ટાઈમિંગ સરળતાથી થતું હોય છે. જેનો બેટ્સમેનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. ફાસ્ટ બોલરોને પણ અહીં મદદ મળે છે. આ સિવાય જેમ જેમ મેચ આગળ વધે છે તેમ સ્પિનરો પણ ફરીથી રમતમાં આવે છે.
મોટી બાઉન્ડ્રીને કારણે બોલરો અહીં મુક્તપણે બોલિંગ કરી શકે છે. આ મેદાનમાં અત્યાર સુધીમાં કુલ ૨૯ વન-ડે મેચ રમાઈ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે ૧૬ વખત મેચ જીતી છે અને બીજી બેટિંગ કરનારી ટીમ ૧૩ વખત જીતી છે. જે પણ ટીમ ટોસ જીતશે તે પહેલા બેટિંગ કરવા માંગશે અને બોર્ડ પર મોટો સ્કોર નોંધાવવા માગશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાવા જઈ રહી છે. ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી વર્લ્ડ કપની મેચમાં દર્શકોને સવારે ૧૦ વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. આવતીકાલે મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમમાં મેચ જાેવા માટે આવશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને જાેવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ, રાજનેતાઓ અનેમહેમાનો પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવશે. જેથી સ્ટેડિયમ સહિત શહેરભરમાં જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનની મેચને લઈને સુરક્ષાને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસ દ્વારા ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસે રિહર્સલ કરીને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે. ભારત-પાકિસ્તાનની મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેન્ડિયમમાં ટીથર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. ટીથર ડ્રોન ૩ કિ.મી.ના વિસ્તારનું મોનિટરિંગ કરવામાં સક્ષમ છે. ટીથર ડ્રોન સતત ૧૦ કલાક સુધી મોનિટરિંગ કરી શકે છે.
આ ઉપરાંત અનધિકૃત ડ્રોનના ઉપયોગને ટાળવા માટે એન્ટી ગન ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. એન્ટી ગન ડ્રોન ૨ કિ.મી.માં ઉડતા અનધિકૃત ડ્રોનની ઓળખ કરી શકે છે. આ વર્ષે અમદાવાદમાં યોજાયેલી ભગવાન જગન્નાથીજીની રથયાત્રામાં પણ આ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.