Western Times News

Gujarati News

શું તમે જાણો છો? વધુ પડતી પેઇન કિલર્સ દવાઓના કારણે કિડની ફેઈલ થઈ શકે છે

મૈરિંગો સિમ્સ હોસ્પિટલે પેઇનકિલર્સના લીધે થતા કિડની ફેલ્યોરની જાગૃતતા વધારીને વર્લ્ડ કિડની ડે મનાવ્યો

  • પેઇનકિલર્સ પર વધુ પડતો આધાર રાખવાથી કિડની ડેમેજ થઈ શકે છે-non-NSAIDs જેમ કે ટ્રેમેડોલ, પેરાસિટામોલ વગેરે. આ એવી દવાઓ છે જે આંતરડા તથા કિડની માટે સલામત ગણવામાં આવે છે. 
  • લોકોમાં જાતે જ ઉપચાર કરવાના વધુ પડતા વલણથી અનેક સાઇડ ઇફેક્ટ્સ થઈ રહી છે જેનાથી શરીરના અંગને પણ નુકસાન થઈ શકે છે- કિડની દવાઓના કારણે ખરાબ થતી બચાવવા NSAID (Non-steroidal anti-inflammatory drugs) જે દવાઓમાં હોય તેવી દવાઓ લેવી જોઈએ નહિં. 

અમદાવાદ, અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલ ખાતે અમે સમજીએ છીએ કે પીડા એ નિયમિત રીતે જોવા મળતું  એક એવું લક્ષણ છે જે ઘણાં લોકોને અસર કરે છે જેનાથી તેમની રોજબરોજની પ્રવૃત્તિઓ પર નોંધપાત્ર અસર પડે છે. દર્દ માથાથી માંડીને પગના અંગૂઠા સુધી શરીરમાં ગમે ત્યાં થઈ શકે છે. ઘણીવાર લોકો પીડા દૂર કરવા માટે ઘરે જ સારવાર કરીને કે પછી ઓવર-ધ-કાઉન્ટર પેઇનકિલર્સ લેતા હોય છે પરંતુ તેનાથી સંભવિત જોખમો, ખાસ કરીને કિડનીને નુકસાન થઈ શકે છે તેનાથી અજાણ હોય છે. પેઇનકિલર્સનો ઉપયોગ કિડનીને લગતી અનેક તકલીફો નોંતરી શકે છે જેમ કે હળવા ચેપથી માંડીને ગંભીર રીતે મૂત્રપિંડ ફેઇલ થવા.

આજે બજારમાં દર્દી શમાવતી અનેક દવાઓ મળે છે જેને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છેઃ NSAIDs and non-NSAIDs. પહેલા પ્રકારની દવાઓમાં NSAIDs હોય તેમાં ડાયક્લોફેનેક, નિમ્સ્યુલાઇડ, આઈબુપ્રોફેન (NSAIDs) વગેરેનો સમાવેશ થાય છે. આવી દવાઓના તબીબી સલાહ વિનાના ઉપયોગથી આંતરડા તથા કિડનીના રોગો થઈ શકે છે. બીજો એક પ્રકાર છે. non-NSAIDs જેમ કે ટ્રેમેડોલ, પેરાસિટામોલ વગેરે. આ એવી દવાઓ છે જે આંતરડા તથા કિડની માટે સલામત ગણવામાં આવે છે.

Dr Siddharth Mavani, Director – Nephrology & Kidney Transplant, Marengo CIMS Hospital

મૈરિંગો સિમ્સ હોસ્પિટલના નેફ્રોલોજી અને કિડની ટ્રાન્સપ્લાન્ટના ડિરેક્ટર ડો. સિદ્ધાર્થા માવાણીએ જણાવ્યું હતું કે “કિડની પર NSAID દવાઓની અસર ત્રણ મુખ્ય રીતે થઈ શકે છે: કામચલાઉ રીતે અથવા ગંભીર રીતે મૂત્રપિંડ ફેઇલ થવા, ઇન્ટર્સ્ટિશિયલ નેફ્રાઇટિસ અને/અથવા કાયમી અથવા ગંભીર રીતે કિડની ફેઇલ થવી જેને એક્યુટ નેફ્રાઇટિસ પણ કહેવાય છે. એક્યુટ કિડની ફેલ્યોર એટલે અચાનક કિડની ફેલ્યોર. ઘણા દર્દીઓમાં માત્ર એક કે બે NSAID દવાઓ લેવાથી કિડની ફેલ્યોર થઈ શકે છે. આ બહુ સામાન્ય નથી, પરંતુ સંપૂર્ણપણે અસામાન્ય પણ નથી.

એક્યુટ કિડની ફેલ્યરમાં ડાયાબિટીસના દર્દીઓ, બ્લડ પ્રેશર અને હૃદયના દર્દીઓ જેમના બ્લડ પ્રેશરમાં ખૂબ જ વધઘટ થતી હોય, ઝાડા-ઉલ્ટી થતા હોય,  સિટી સ્કેનમાં ડાઈનો ઉપયોગ કર્યો હોય વગેરેનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં NSAID પ્રકારની પેઇનકિલર્સનો ઉપયોગ ક્યારેક એક્યુટ કિડની ફેલ્યોરનું કારણ બની શકે છે. આથી આ પ્રકારની બીમારી અથવા સમસ્યા ધરાવતી વ્યક્તિએ ડોક્ટરની સલાહ મુજબ જ પેઇનકિલર્સનો ઉપયોગ કરવો જોઈએ. આ દવાઓ બેધારી તલવાર જેવી છે જે આપણને ફાયદો કરી શકે છે અથવા જોખમી પણ બની શકે છે.”

કોઈપણ પ્રકારની ગંભીર મૂત્રપિંડની નિષ્ફળતાના લક્ષણોમાં નીચેના લક્ષણો જોવા મળે છે: ભૂખ ન લાગવી, ઉબકા અને ઉલટી આવવી અને પગમાં સોજો આવવો. પેશાબ ઓછો અથવા બંધ થવા જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે. ક્રિએટિનાઇન, યુરિયા, પોટેશિયમ, પેશાબ અને સોનોગ્રાફી જેવા લેબોરેટરી ટેસ્ટ્સ દ્વારા કિડનીની તીવ્ર નિષ્ફળતાનું નિદાન થાય છે.

સારવાર માટે સૌ પ્રથમ પેઇનકિલર્સ તાત્કાલિક બંધ કરો અને ફિઝિશિયન અથવા નેફ્રોલોજિસ્ટની સલાહ લો. કેટલાક દર્દીઓને ડાયાલિસિસની પણ જરૂર પડી શકે છે. અચાનક કે એક્યુટ કિડની ફેલ્યોર થવાના ઘણા કારણો છે, પરંતુ પેઇનકિલર્સ લેવાથી થતી ગંભીર કિડની ફેલ્યોર એ મુખ્ય કારણ છે. 40 થી 50 ટકા કેસમાં પેઇનકિલર્સ જવાબદાર હોય છે.

ડો. સિદ્ધાર્થે વધુમાં સમજાવતા જણાવ્યું હતું કે, “એક્યુટ ઇન્ટર્સ્ટિશિયલ નેફ્રાઇટિસ એ પેઇનકિલર દવાઓની એલર્જીનો એક પ્રકાર છે, જે કિડનીને અસર કરે છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિને અમુક દવાઓથી છીંક આવે ત્યારે કિડનીમાં સોજો આવી શકે છે. આ કારણે કિડનીની કાર્યક્ષમતા ધીમે ધીમે ઓછી થાય છે. આ પ્રકારના રોગના કોઈ લક્ષણો નથી. તેનું માત્ર લેબોરેટરી ટેસ્ટ્સ દ્વારા સચોટ નિદાન કરી શકાય છે. આઇબુપ્રોફેન જેવી દવાઓ દ્વારા આમાં વધારો થાય છે. નિદાન માટે ઘણીવાર કિડની બાયોપ્સીની જરૂર પડે છે. સારવાર ફરીથી એ જ છે કે પેઇનકિલર્સ બંધ કરવી જોઈએ અને કિડનીના ડોક્ટરની સલાહ મુજબ સ્ટિરોઇડ્સનો કોર્સ કરવો જોઈએ.”

ક્રોનિક કિડની ફેલ્યોર એ કિડની ફેલ્યોરનો એક પ્રકાર છે જે યુરોપમાં પ્રથમ વખત જાણીતો થયો હતો જ્યાં ઘડિયાળ બનાવનારાઓ એટલે કે કાંડા ઘડિયાળ બનાવનારા કારીગરો ગળાના દુખાવા માટે લાંબા સમય સુધી (વર્ષો) સુધી પેઇનકિલર દવાઓ લેતા હતા. આનાથી તેમની પીડામાં રાહત થઈ, પરંતુ લાંબા ગાળે મોટાભાગના કારીગરોની કિડની એક સાથે અને કાયમી ધોરણે ફેઇલ થઈ ગઈ. આ પ્રકારની દવાઓ લાંબા સમય સુધી લેવાથી કિડનીની અંદર રક્ત પરિભ્રમણ બંધ થઈ જાય છે અને ધીમે ધીમે કિડની ફેઇલ થઈ જાય છે.

નિદાનમાં દર્દી લાંબા ગાળાથી પેઇનકિલર દવાઓ લેતો હોવાનું જણાય તો તે નિદાનમાં મદદરૂપ થાય છે. જો કે, ચોક્કસ નિદાન માટે લેબોરેટરી ટેસ્ટ્સ, સોનોગ્રાફી અને સિટી સ્કેન જરૂરી છે. વર્તમાન સમયમાં આ ફેલ્યોરનું પ્રમાણ ઘટી ગયું છે. જો કે, કેટલાક લોકો જે લાંબા સમય સુધી આકરી પીડા માટે NSAIDs લે છે તેમને આ તકલીફો થઈ શકે છે.

આ ગંભીર અથવા કાયમી મૂત્રપિંડની નિષ્ફળતાની સારવાર એકવાર થઈ જાય પછી તેને સામાન્ય કરી શકાતી નથી, તેથી જ્યારે નિદાન થાય ત્યારે પેઇનકિલર્સનો ઉપયોગ બંધ કરવાની સલાહ આપવામાં આવે છે. આ તેની મુખ્ય સારવાર છે. એડવાન્સ સ્ટેજીસમાં ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી શકે છે, તેથી એવું કહેવાય છે કે આ રોગના ઉપચાર કરતાં નિવારણ વધુ સારું છે. ડોક્ટરની સલાહ વિના પેઇનકિલર્સનો આડેધડ ઉપયોગ બંધ કરો અને સલાહ આપવામાં આવે તો જ પેઇનકિલર્સનો ઉપયોગ કરો.

ભારતમાં ક્રોનિક કિડની ડિસીઝ (CKD) ના બોજનું ચોક્કસ મૂલ્યાંકન કરી શકાતું નથી. સીકેડીનો અંદાજિત વ્યાપ પ્રતિ મિલિયન વસ્તીમાં 800 છે અને એન્ડ-સ્ટેડ રેનલ ડિસીઝ (ઈએસઆરડી)ની ઘટનાઓ પ્રતિ મિલિયન વસ્તીમાં 150-200 જેટલી છે. લગભગ 10 ટકા ભારતીય વસ્તી ક્રોનિક કિડની ડિસીઝ (સીકેડી) થી પીડાય છે અને દર વર્ષે રેનલ ફેલ્યોરના એક લાખથી વધુ કેસ નોંધાય છે. કિડની ફેલ્યોરની સમસ્યાથી પીડિત દર બે મહિલાઓએ ત્રણ પુરુષોને કિડની ફેલ્યોર થાય છે. અને તેમ છતાં વૈશ્વિક સ્તરે કિડની ફેલ્યોર થવાની સંભાવના મહિલાઓમાં વધુ હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.