જ્યોતી હાઈસ્કૂલ ખેડબ્રહ્મામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ
ખેડબ્રહ્મા, જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્મામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. બાળકને તેની માતા પાસેથી જે ભાષા વારસામાં મળે છે તે તેની માતૃભાષા છે. આ ભાષાના વાતાવરણમાં આસપાસના લોકોની પાસેથી બાળક માતૃભાષા ગ્રહણ કરે છે બાળક કોઈ પણ ભાષામાં ભણે પરંતુ તેની પ્રથમ ભાષા તો માતૃભાષા જ છે. સામાજિક સાંસ્કૃતિક વારસાના ભંડારની ચાવી માતૃભાષા જ છે
જે તે પ્રદેશનું સાંસ્કૃતિક ગૌરવ તેની માતૃભાષાના પુસ્તકોમાં સમાયેલું છે. બાળકોએ નાની નાટીકા દ્વારા માતૃભાષા નું મહત્વ અને માતૃભાષા દિનની ઉજવણી નાટીકા દ્વારા સમજાવી હતી.ગુજરાતી ભણાવતા શિક્ષક મિત્રોએ પણ માતૃભાષા નું મહત્વ સમજાવ્યું હતું. જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ પરમારે
જણાવ્યું હતું કે ૨૧ ફેબ્રુઆરીના દિવસને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આપણે ત્યાં આજકાલ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું લોકોને ઘેલું લાગ્યું છે અંગ્રેજીની જરૂર છે જ પરંતુ જ્યાં સુધી માતૃભાષા નું શિક્ષણ બરાબર ન મળે ત્યાં સુધી અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવવું અશક્ય નહીં તો અઘરું જરૂર છે કોઈપણ ભાષા માતૃભાષા ના માધ્યમ દ્વારા જ સરળતાથી શીખી શકાય છે. આપણા વિચારોનું, આપણી લાગણીઓનું આદાન-પ્રદાન આપણે માતૃભાષામાં જ સારી રીતે કરી શકીએ છીએ. આચાર્ય સુરેશભાઈ પટેલે વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે શાળાના તમામ બાળકોને શુભકામનાઓ પાઠવી હતી.