મતદાનનો વર્લ્ડ રેકોર્ડ- ૬૪.૨ કરોડ લોકોએ કર્યું મતદાનઃ ચૂંટણી કમિશનર
(એજન્સી)નવી દિલ્હી, લોકસભા ચૂંટણી ૨૦૨૪ પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં ચૂંટણી કમિશનરોએ મતદાન કરવા બદલ દેશના મતદારોનો આભાર માન્યો હતો.
ચૂંટણી કમિશનરો તેમની ખુરશીઓ પરથી ઉભા થયા અને દેશના લોકોને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, વિશ્વની સૌથી મોટી મતદાન પ્રક્રિયામાં ૬૮,૦૦૦ થી વધુ મોનિટરિંગ ટીમો, ૧.૫ કરોડથી વધુ મતદારો અને સુરક્ષા કર્મચારીઓ સામેલ હતા. ભારતમાં મતદાન તમામ ય્૭ દેશોના મતદારો કરતાં ૧.૫ ગણું અને ૨૭ ઈયુ દેશોના મતદારો કરતાં ૨.૫ ગણું થયું છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ૩૧.૨ કરોડ મહિલાઓ સહિત ૬૪.૨ કરોડ મતદારોની ભાગીદારી સાથે વૈશ્વિક રેકોર્ડ સર્જાયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, “આપણે(ભારત) ૬૪૨ મિલિયન મતદારોનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે જે તમામ જી૭ દેશોના મતદારો કરતાં ૨.૫ ગણો છે.”મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં આ લોકસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારી છેલ્લા ચાર દાયકામાં સૌથી વધુ છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, આ તે સામાન્ય ચૂંટણીઓમાંથી એક છે જેમાં અમે કોઈ હિંસા જોઈ નથી. આ માટે બે વર્ષની તૈયારીની જરૂર હતી. અમે મતગણતરી માટે પણ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ચૂંટણી કાર્યકરોની ઝીણવટભરી કામગીરીને કારણે અમે ઓછા પુનઃ મતદાન( રિપોલિંગ)ની ખાતરી કરી છે. અમે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ૩૯ રિપોલ જોયા, જ્યારે ૨૦૧૯માં ૫૪૦ રિપોલ થયા હતા અને ૩૯માંથી ૨૫ રિપોલ માત્ર ૨ રાજ્યોમાં થયા હતા
સીઈસી રાજીવ કુમારે કહ્યું કે, ચૂંટણી પંચે આ ચૂંટણી દરમિયાન લગભગ ૧૦,૦૦૦ કરોડ રૂપિયા જપ્ત કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ ૨૦૧૯માં જપ્ત કરાયેલી કિંમત કરતાં લગભગ ૩ ગણી છે.
સ્થાનિક ટીમોને તેમનું કામ કરવાની સત્તા આપવામાં આવી હતી. બે ચૂંટણી કમિશનરોને સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા ‘લાપતા જેન્ટલમેન‘ તરીકે નામ આપવામાં આવ્યું છે તે અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, “અમે હંમેશા અહીં જ હતા, ક્યારેય ગુમ થયા નથી.”