‘વિશ્વ રેડક્રોસ દિવસ’ નિમિત્તે ગુજરાત રેડક્રોસ દ્વારા ‘રેડક્રોસ રથ’ યાત્રા યોજાઈ

રેડક્રોસની રથયાત્રાના લોકહિતકારી કાર્યક્રમોમાં રક્તદાન શિબિરો, યુવા સભ્યોની નોંધણી, સ્વયંસેવકોની રેલી તેમજ જાગૃતિ કાર્યક્રમો યોજાયા
દર વર્ષે 8 મે ના રોજ સમગ્ર વિશ્વમાં “વિશ્વ રેડક્રોસ દિવસ” ઉજવવામાં આવે છે. આ દિવસ રેડક્રોસના સ્થાપક જીન હેનરી ડ્યુનાન્ટના જન્મદિવસની સ્મૃતિમાં અને રેડક્રોસ તથા રેડક્રેસન્ટ ચળવળના સિદ્ધાંતો, માનવતાવાદી કાર્યો અને સ્વયંસેવકોના નિઃસ્વાર્થ યોગદાનને બિરદાવવા માટે ઉજવાય છે. આ દિવસ આપણને માનવતા, નિષ્પક્ષતા, તટસ્થતા, સ્વતંત્રતા, સ્વૈચ્છિક સેવા, એકતા અને સાર્વત્રિકતા જેવા મૂળભૂત સિદ્ધાંતોનું સ્મરણ કરાવે છે, જે કોઈપણ ભેદભાવ વિના જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા માટે પ્રેરણા આપે છે.
આવા મહત્વપૂર્ણ દિવસની ઉજવણીના અવસરે, ગુજરાત રેડક્રોસ દ્વારા તારીખ 1 મે 2025 થી 8 મે 2025 દરમિયાન “રેડ ક્રોસ રથ”નું વિશિષ્ટ અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું. આ માનવતાવાદી પહેલનું ઉદ્ઘાટન તારીખ 1 મે 2025 ના રોજ ગુજરાત રાજ્ય શાખા – અમદાવાદના જુનાવાડજ સ્થિત રેડક્રોસ ભવન ખાતેથી ગુજરાત રેડક્રોસના માનનીય ચેરમેન શ્રી અજયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ “રેડ ક્રોસ રથ” યાત્રા અંતર્ગત, માનવતાવાદી પ્રવૃત્તિઓ અને સંદેશાઓથી સુશોભિત કુલ ચાર રથ તૈયાર કરવામાં આવ્યા હતા. આ રથોને ગુજરાતના ચાર ઝોનમાં વિભાજિત કરી, રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા શાખાઓ સુધી પહોંચાડવામાં આવ્યા. દરેક સ્થળે રેડક્રોસ શાખાઓ દ્વારા આ રથોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ રથયાત્રાના ભાગરૂપે વિવિધ લોકહિતકારી અને જનજાગૃતિના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યત્વે રક્તદાન શિબિરો, યુવા સભ્યોની નોંધણી, સ્વયંસેવકો દ્વારા રેલીઓ તેમજ રેડક્રોસની સેવાઓ અને સિદ્ધાંતો અંગે જાગૃતિ ફેલાવતી પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો.
ગુજરાત રેડક્રોસના માનનીય ચેરમેન શ્રી અજયભાઈ પટેલના દૂરંદેશી નેતૃત્વ અને વિઝન હેઠળ, ગુજરાત રેડક્રોસની પ્રવૃત્તિઓએ એક નવી ઊંચાઈ અને વ્યાપકતા પ્રાપ્ત કરી છે. આજના સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, રેડક્રોસ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચવા અને તેમને મદદરૂપ થવા માટે અભૂતપૂર્વ પ્રયાસો કરી રહી છે. “રેડ ક્રોસ રથ”ના આ સફળ આયોજન થકી રાજ્યભરમાં રેડક્રોસની સેવાકીય પ્રવૃત્તિઓ પ્રત્યે જનજાગૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે અને લોકો તરફથી હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે.
ગુજરાત રેડક્રોસ સમગ્ર રાજ્યમાં માનવતાવાદી ભાવના સાથે વધુને વધુ લોકો સુધી પહોંચીને તેમની સેવા કરવા માટે કટિબદ્ધ છે.