Western Times News

Gujarati News

વિશ્વની પ્રથમ ક્રમની કોઓપરેટિવ ઇફ્કોએ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ 2025ની જાહેરાતનું સ્વાગત કર્યું

  • આઝાદીના 75 વર્ષ બાદ દેશને મળી પ્રથમ સહકારી યુનિવર્સિટી
  • ત્રિભુવન સહકારી યુનિવર્સિટી રોજગાર, પ્રોફેશ્નલ ડેવલપમેન્ટ અને આંત્રપ્રિન્યોરશીપ દ્વારા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરશે
  • ટીએસયુ સહકારીક્ષેત્રે ઇનોવેશન અને રિસર્ચને પ્રોત્સાહન આપશે
  • આ પહેલ સહકાર સે સમૃદ્ધિ મીશનને અનુરૂપ છે, જે કોઓપરેટિવ્ઝને લોકલ ટુ ગ્લોબલ અપગ્રેડ થવામાં મદદ કરશે

રાષ્ટ્રીય, 31 માર્ચ, 2025: ઇફ્કોએ લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ, 2025ની જાહેરાત તેમજ ત્યારબાદ 26 માર્ચ, 2025ના રોજ નીચલા ગૃહમાં તેને મંજૂરી આપવાનું સ્વાગત કર્યું છે. આ બિલની જાહેરાત કરતાં માનનીય સહકારિતા અને ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું હતું કે આઝાદીના 75 વર્ષ બાદ આજે દેશને તેની પ્રથમ કોઓપરેટિવ યુનિવર્સિટી મળી રહી છે.

તેમણે કહ્યું હતું કે આ બિલ ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરશે, સ્વરોજગાર અને નાના એકમોની ઇકોસિસ્ટમનો વિકાસ કરશે, સામાજિક સમાવેશને પ્રોત્સાહન આપશે તથા ઇનોવેશન અને સંશોધનમાં નવા ધોરણો સ્થાપિત કરશે. તેમણે કહ્યું હતું કે એક પ્રકારે સમગ્ર દેશને સહકારિતાની ભાવનાથી પ્રેરિત અને આધુનિક શિક્ષણથી સજ્જ એક નવું સહકારી નેતૃત્વ મળશે.

ઇફ્કોના મેનેજિંગ ડિરેક્ટર ડો. ઉદય શંકર અવસ્થીએ કહ્યું હતું કે, “હું ત્રિભુવન કોઓપરેટિવ યુનિવર્સિટી બિલ 2025ની પ્રશંસા કરું છે. આ સહકારિતાના વિકાસની દિશામાં ઐતિહાસિક પગલું છે. આ યુનિવર્સિટીની સ્થાનાથી સહકારિતા ક્ષેત્રમાં નવી ક્રાંતિ આવશે.

હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહનું આ મહત્વપૂર્ણ પગલાં બદલ સ્વાગત કરું છું. આ ભારતીય કૃષિ, ખેડૂતો અને ગ્રામીણ વિકાસ માટે મોટું પગલું છે. તેનાથી આપણા દેશના ગામડા વધુ મજબૂત બનશે.”

તેમણે કહ્યું હતું કે, “દેશભરમાં સેક્ટર-આધારિત શાળાઓની સ્થાપનાથી ફર્ટિલાઇઝર કોઓપરેટિવ્ઝ અને વિશેષ કરીને ઇફ્કોને મદદ મળશે. તે ફર્ટિલાઇઝર કોઓપરેટિવ મેનેજમેન્ટ અને માર્કેટિંગના ક્ષેત્રમાં પ્રોફેશ્નલ્સની નવી પેઢીથી કોઓપટિવ્ઝને સશક્ત કરશે. વર્તમાન કોઓપરેટિવ કર્મચારીઓ માટે ટૂંકાગાળાના કોર્સિસ ગેમ-ચેન્જર છે અને આ પ્રકારનું મહત્વપૂર્ણ પગલું અગાઉ ક્યારેય ભરાયું નથી. આ યુનિવર્સિટી વર્તમાન કર્મચારીઓ અને સહકારી સમીતિઓને પણ તાલીમ આપશે, જેનાથી તેઓ કુશળ બનશે.”

આ પગલાની પ્રશંસા કરતા ઇફ્કોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, આ પગલું સુનિશ્ચિત કરશે કે સહકારી નેતૃત્વની આગામી પેઢી માટે બીજનું પોષણ અને દેખભાળ એક એવી પ્રણાલી હેઠળ કરાશે, જેનું સંચાલન કોઓપરેટિવ્ઝ માટે કોઓપરેટિવ્ઝ દ્વારા જ કરાશે. તેમણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી જેમના માર્ગદર્શન હેઠળ પ્રથમ કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિત શાહજી ‘સહકાર સે સમૃદ્ધિ’ ના સૂત્ર સાથે અથાક કાર્ય કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ એક ઐતિહાસિક પગલું છે જે આવનારા વર્ષો સુધી સહકારી ક્ષેત્રના વિકાસને સુનિશ્ચિત કરશે.

કોઓપરેટિવ સેક્ટરના વિકાસ અને વિસ્તરણ માટે કુશળ માનવબળની આવશ્યકતા છે ત્યારે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી આ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કામ કરશે. કોઓપરેટિવ યુનિવર્સિટીની રચના બાદ તેના ડિપ્લોમા અને ડિગ્રી ધારકોને નોકરી મળશે.

આ યુનિવર્સિટી દ્વારા ઘરેલુ અને વૈશ્વિક વેલ્યુ ચેઇનમાં નોંધપાત્ર યોગદાન આપી શકાશે. આ યુનિવર્સિટીમાંથી નવા યુગની કોઓપરેટિવ સંસ્કૃતિનો પણ પ્રારંભ થશે, જે પ્રોફેશ્નલ મેનેજમેન્ટના જુસ્સાને એકીકૃત કરશે. દેશભરની સહકારી સંસ્થાઓ સાથે પરામર્શ કરીને સહકાર મંત્રાલયના માર્ગદર્શન હેઠળ આ યુનિવર્સિટી માટે એક પ્રમાણિત અભ્યાસક્રમ વિકસાવવામાં આવશે.

કોઓપરેટિવ માર્કેટિંગમાં વિશેષ કોર્સિસ દ્વારા કોઓપરેટિવના પ્રોફેશ્નલ મેનેજમેન્ટથી કોઓપરેટિવ્ઝ તેમની પ્રોડક્ટ્સને વૈશ્વિક સ્તરે માર્કેટ કરી શકશે, જેનાથી એકંદર આઉટપુટમાં સુધારો થશે તથા ‘લોકલ ટુ ગ્લોબલ’ના જુસ્સા સાથે કોઓપરેટિવ સેક્ટરની આવકમાં પણ વધારો થશે.

કોઓપરેટિવ સિદ્ધાંતો અને કોઓપરેટિવ પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવામાં આવશે. કોઓપરેટિવ સેક્ટરને નવી ટેકનોલોજીનો લાભ મળશે, જે કોઓપરેટિવ સેક્ટરથી વંચિત રહી ગયેલા લોકો સુધી પહોંચશે. તેનાથી ગ્રામીણ અર્થતંત્ર પણ મજબૂત બનશે.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે કોઓપરેટિવ સેક્ટરને સમર્પિત દેશની પ્રથમ યુનિવર્સિટી આઝાદીના 75 વર્ષ પછી બનાવવામાં આવશે અને તે દર વર્ષે લગભગ 8 લાખ ઉમેદવારોને ગ્રેજ્યુએશન, ડિગ્રી અથવા પ્રમાણપત્ર સાથે ડિપ્લોમા કરવાની ક્ષમતા ધરાવશે. તેનાથી કોઓપરેટિવ મૂવમેન્ટને નવી ઊર્જા મળશે.

ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સના ડિરેક્ટર જનરલ શ્રી જેરોન ડગ્લાસે એક વિડીયો સંદેશ દ્વારા જણાવ્યું હતું કે આ એક એવું પગલું છે જે ફક્ત ભારતીય કોઓપરેટિવ મૂવમેન્ટને મજબૂત બનાવવાની સાથે-સાથે માહિતીના આદાનપ્રદાન અને તાલીમ કાર્યક્રમો દ્વારા આ પગલું વૈશ્વિક કોઓપેરિટવ મૂવમેન્ટમાં એક મહત્વપૂર્ણ કદમ તરીકે કામ કરશે અને તેની શક્તિમાં વધારો કરશે. તેમણે વર્ષ 2025માં આ જાહેરાત કરવા બદલ ભારતીય નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે.

EURCISE અને અગ્રણી ઇન્ડરનેશનલ કોઓપરેટિવ બોડી ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (આઇસીએ) દ્વારા પ્રકાશિત વર્લ્ડ કોઓપરેટિવ મોનિટર (ડબલ્યુસીએમ) રિપોર્ટ અનુસાર ઇફ્કોને વિશ્વની નંબર 1 સહકારી (જીડીપીમાં યોગદાનના ગુણોત્તરના સંદર્ભમાં) ક્રમાંક આપવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.