Western Times News

Gujarati News

વાહ રે વિકાસ ! કુપોષણ દુર કરવા બાળક દીઠ દૈનિક માત્ર 5 રૂપિયાનો ખર્ચ

પ્રતિકાત્મક

એક તરફ અમદાવાદ મ્યુનિ. શાસકો દર વર્ષે અબજો રૂપિયા ઉત્સવો અને મહોત્સવો પાછળ ખર્ચ કરે છે બીજી તરફ કુપોષણને દુર કરવા માટે માત્ર સરકારની ગ્રાંટ પર જ નિર્ભર રહે છે

અમદાવાદમાં કુપોષિત – અતિ કુપોષિત બાળકોની સંખ્યામાં ચિંતાજનક વધારો

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, રાજય સરકાર દ્વારા કુપોષણ દુર કરવા માટે અવારનવાર વિવિધ જાહેરાતો કરવામાં આવે છે પરંતુ અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજયમાં કુપોષિત બાળકોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે જેનું મુખ્ય કારણ કુપોષણ દુર કરવા માટે કરવામાં આવેલ ખર્ચને માનવામાં આવે છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કુપોષણ દુર કરવા માટે બાળક દીઠ દૈનિક માત્ર પ રૂપિયાનો ખર્ચ થાય છે

આ આંકડા અત્યંત શરમજનક માનવામાં આવે છે જેના કારણે શહેરમાં કુપોષિત અને અતિ કુપોષિત બાળકોની સંખ્યા સતત વધી રહી છે. સરકાર તરફથી પણ સમયસર અને પુરતી ગ્રાંટ આપવામાં આવતી નથી ઉપરાંત જયારે આ ગ્રાંટ ફાળવવામાં આવે છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા પુરતો ખર્ચો પણ કરવામાં આવતો નથી જે બાબત પણ કુપોષણ માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પો. સંચાલિત આંગણવાડીઓમાં ર૦૧પ-૧૬ થી ર૦રર-ર૩ સુધી ૯ર૮૧૧ કુપોષિત અને ૧૯૦૧પ અતિ કુપોષિત બાળકો નોંધાયા છે. ર૦રર-ર૩માં શહેરની આંગણવાડીઓમાં કુલ ૧૭પર૯ કુપોષિત અને અતિ કુપોષિત બાળકો નોંધાયા હતાં. અમદાવાદ શહેરમાં કુલ ર૧ર૮ આંગણવાડીઓ છે. શહેરમાં પ્રતિ એક હજારની વસતીએ એક આંગણવાડીની જરૂરિયાત રહે છે આંગણવાડીનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે છે

આ આંગણવાડીઓમાં કુપોષણ દુર કરવા માટે બાળક દીઠ પ્રતિ દિન રૂ.પ.૧૦ ખર્ચ કરવામાં આવે છે મતલબ કે બજારમાં હાલ રપ૦ એમએલ મીનરલ વોટરની બોટલ જે ભાવથી વેચાય છે એટલા રૂપિયામાં મ્યુનિ. કોર્પોરેશન કુપોષણ નામના રાક્ષસને નાથવા પ્રયત્ન કરી રહી છે.

એક તરફ મ્યુનિ. શાસકો દર વર્ષે અબજો રૂપિયા ઉત્સવો અને મહોત્સવો પાછળ ખર્ચ કરે છે બીજી તરફ કુપોષણને દુર કરવા માટે માત્ર સરકારની ગ્રાંટ પર જ નિર્ભર રહે છે આ બાબત વિકાસના ગુણગાન કરતા શાસકો માટે અત્યંત શરમજનક હોવાનું માનવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં આંગણવાડી જતા બાળકો સિવાય અન્ય બાળકો પણ કુપોષિત કે અતિ કુપોષિત હોય શકે છે તે બાબતને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા શહેરમાં સરખેજ, ગોમતીપુર અને પોલિયો ફાઉન્ડેશનમાં સીએમટીસી કાર્યરત કરવામાં આવ્યા છે જેમાં કુપોષણ દુર કરવા માટેની કામગીરી થાય છે આ સીએમટીસી પ્રોગ્રામ અતર્ગત રાજય સરકાર દ્વારા દર વર્ષે ગ્રાંટ આપવામાં આવે છે તથા તેના સ્ટાફનું મહેનતાણું પણ સરકાર ચુકવે છે

પરંતુ શરમજનક બાબત એ છે કે સરકાર તરફથી મળતી ગ્રાંટનો પુરેપુરો ખર્ચ પણ જવાબદાર અધિકારીઓ કરી રહયા નથી. ર૦૧૯-ર૦માં ૪૦ લાખની ગ્રાંટ સામે માત્ર રૂ.૧૪.રપ લાખ જ ખર્ચ થયા હતાં. શહેરમાં કુપોષણ દુર કરવા માટે રૂ.૧ર હજાર કરોડનું બજેટ ધરાવતા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦૧૯-ર૦ થી ર૩-ર૪ સુધી માત્ર રૂ.૪ર૮૭૪૮૯ ખર્ચ કરવામાં આવ્યા છે આ બાબત અત્યંત શરમજનક માનવામાં આવી રહી છે.

શહેરના શ્રમજીવી અને ચાલી વિસ્તારોમાં કુપોષિત બાળકોની સંખ્યા વધારે જોવા મળી છે. શહેરના જમાલપુર વોર્ડમાં ર૦૧૯-ર૦માં અતિ કુપોષિત ૧૦૪, કુપોષિત ૮૮ ર૦ર૦-ર૧માં અનુક્રમે ૧૧૪ અને ૧૩૭, ર૦ર૧-રરમાં ૧૦૮ અને ૧પ૩, ર૦રર-ર૩માં ૭૮ અને ૧૬૯ તેમજ ર૦ર૩-ર૪માં ૧૦૯ અને ૧૬૯ બાળકો નોંધાયા હતાં. મ્યુનિ. કોર્પો.ના આઈસીડીએસ વિભાગ દ્વારા કુપોષિત બાળકોને પુરક પોષણ તથા ગરમ નાસ્તો આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.