Western Times News

Gujarati News

ભાષાકીય-ધાર્મિક લઘુમતી શાળાઓની રિટ ફગાવાઈ

અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ૨૦૨૧ અન્વયે ભાષાકીય અને ધાર્મિક લઘુમતી શાળાઓમાં શિક્ષક અને આચાર્યની ભરતી માટે કેન્દ્રિય પ્રક્રિયા અપનાવવા માટે કરાયેલા સુધારાને પડકારતી રિટ પિટિશન હાઇકોર્ટે ફગાવી દીધી છે.

હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ગુરુવારે ખુલ્લી અદાલતમાં ચુકાદો જાહેર કરતાં કહ્યું હતું કે,‘આ મામલે કરવામાં આવેલી તમામ રિટ પિટિશનો રદબાતલ કરવામાં આવે છે.’ આ ચુકાદા સાથે જ રાજ્ય સરકારની મોટી જીત થઇ છે.

આ કેસમાં સુનાવણી દરમિયાન અરજદારોએ દલીલ કરી હતી કે તેઓ સુધારાને પડકારી રહ્યા છે કારણ કે તે બંધારણની કલમ ૩૦ હેઠળના તેમના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. જે લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને સંચાલનના અધિકારથી સંબંધિત છે.

રાજ્ય શિક્ષકો માટે લાયકાત નિર્ધારિત કરતા નિયમો બનાવી શકે છે પરંતુ જ્યાં સુધી ભરતીનો સંબંધ છે તે મામલે ‘લઘુમતી સંસ્થાનો સંપૂર્ણ અધિકાર’ છે.

અલબત્ત ભરતી પામનારા ઉમેદવારો યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિઓ હોવા જોઇએ.’ કાયદામાં સુધારા પછી રાજ્ય સરકાર દ્વારા લઘુમતી શાળાઓમાં આચાર્ય અને શિક્ષકોની પસંદગીને લગતા કેટલાક નિયમો નિર્ધારિત કરવામાં આવ્યા હતા. આ નિયમોને પણ અરજદારોએ રિટ પિટિશનમાં પડકાર્યા હતા.

બીજી તરફ રાજ્ય સરકારે દલીલ કરી હતી કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કાયદામાં થયેલા સુધારાઓ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓના પોતાને સંચાલિત કરવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતા નથી, પરંતુ સરકારનો આ સુધારા થકી ‘મેરિટ આધારિત પસંદગી માટે ન્યાયી અને પારદર્શક પ્રક્રિયા’ સુનિશ્ચિત કરવાનો હેતુ છે.

આ તમામ શાળાઓને સેલેરી અને મેઇન્ટેનન્સ ગ્રાન્ટ આપવામાં આવે છે. કાયદા હેઠળના નિયમો મેનેજમેન્ટ કમિટીની રચનાના અધિકાર સાથે ચેડાં કરતા નથી અને કલમ ૩૦ હેઠળ લઘુમતીઓનો શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો મૂળભૂત અધિકાર સંપૂર્ણ નથી, પરંતુ વાજબી નિયમોને આધીન જ એ થઈ શકે છે.’

રાજ્ય વિધાનસભાએ માર્ચ ૨૦૨૧માં આ કાયદો પસાર કર્યાે હતો જે તે જ વર્ષે જૂનમાં અમલી બન્યો હતો. કાયદામાં થયેલા સુધારાની કલમ ૧૭(૨૬), કલમ ૩૪ અને કલમ ૩૫ની કેટલીક જોગવાઈઓ લઘુમતી સંસ્થાઓને પણ લાગુ પડે છે.

આ કાયદાની કલમ ૩૪ ભરતી અને સેવાની શરતો દર્શાવે છે. જેમાં રજિસ્ટર્ડ ખાનગી માધ્યમિક શાળાઓમાં અથવા નોંધાયેલી ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક કરાયેલા શિક્ષક કર્મચારીઓનો સમાવેશ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.