પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા સ્તન કેન્સરની તપાસ માટે કેમ્પનું આયોજ્ન
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, અમદાવાદ (WRWWO)નાં અધ્યક્ષા શ્રીમતી ગીતિકા જૈન તેમ જ તેમની ટીમ દ્વારા નારાયણા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના સૌજન્યથી તા. 23-01-2023 થી 25-01-2023 સુધી મંડળ રેલવે મેનેજર કાર્યાલયમાં સ્તન કેન્સર (Breast Cancer)ની તપાસ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં તપાસ માટે THERMALYTIXની અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવનારો છે. તેના લીધે કેન્સરની ગાંઠ બનતાં પહેલાં જ આ ગંભીર બીમારીની જાણ થઇ જશે તેમ જ તેની સારવાર સહેલાઇથી કરવાનું સંભવિત થશે. આ તપાસ પદ્ધતિમાં મહિલાને સ્પર્શ કરવાની કે તેને જોવાની જરૂર નથી પડતી.
તેનાથી કોઇ દુખાવો નથી થતો કે ન તો રેડિએશનની જરૂર પડે છે. માત્ર એક સ્ક્રીન પાછળ થર્મલ ઇમેજથી જ તપાસ થઇ જાય છે. એડિશનલ મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડો. મોનિકા શર્મા મંડળ રેલવે હોસ્પિટલ સાબરમતી અને નારાયણા હોસ્પિટલનાં ડો. અંકિતા દૂબે (ગાયનેક)એ આ પ્રસંગે મહિલાઓને સંબોધન કર્યું.
શ્રીમતી ગીતિકા જૈન અધ્યક્ષા WRWWO અમદાવાદનાંએ પોતાનાં સંબોધનમાં કહ્યું આજના સમયમાં જ્યારે તપાસ કરાવવી મુશ્કેલ અને મોંઘી પ્રક્રિયા છે, ત્યારે WWOએ નારાયણા હોસ્પિટલ સાથે મળીને બ્રેસ્ટ કેન્સરની તપાસ માટે આ કેમ્પનું આયોજન કર્યું છે.
આપણે સ્ત્રીઓ પરિવારના દરેક સભ્યોનું ખાસ ધ્યાન રાખીએ છીએ, પણ પોતાનાં સ્વાસ્થ્ય બાબતે કાયમ બેદરકારી દાખવીએ છીએ. પરિવારની જવાબદારી, તપાસ કરવાની લાંબી પ્રક્રિયા, હોસ્પિટલ્સમાં વધારે પડતી ભીડ પણ આપણા ડરનાં કારણો છે.
WWOએ તમારી આ તમામ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ કેમ્પનું આયોજન કરાવ્યું છે. અમારો હેતુ છે કે તમે સ્ત્રીઓ જે પરિવારના આધાર સ્તંભ છો, પોતાના સ્વાસ્થ્ય અંગે જાગૃત થતાં શીખો. તમામ મહિલા કર્મચારીઓને આ તકનો લાભ લેવા અને અન્ય રેલવે કર્મચારી બહેનોને પણ આ ટેસ્ટ કરાવવા માટે પ્રેરિત અને પ્રોત્સાહિત કરવાનું કહ્યું. આ પ્રસંગે સંગઠનનાં તમામ પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.