Western Times News

Gujarati News

શિંદે જૂથના ૨૦ ધારાસભ્યોની વાય-કેટેગરીની સુરક્ષા હટાવાઈ

મુંબઈ, મહારાષ્ટ્રમાં શાસક મહાયુતિના સભ્યો વચ્ચે ખટરાગના સંકેતો મળી રહ્યાં છે. મળતાં અહેવાલો અનુસાર રાજ્ય સરકાર દ્વારા શિવસેનાના શિંદે જૂથના ૨૦ ધારાસભ્યોની વાય-કેટેગરીની સુરક્ષા હટાવવામાં આવી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ધારાસભ્યોની સુરક્ષામાં હવે ફક્ત એક કોન્સ્ટેબલ રાખવામાં આવ્યો છે.

જ્યારે, ભાજપ અને એનસીપી(અજિત જૂથ)ના કેટલાક ધારાસભ્યોની સુરક્ષા ઘટાવવાના અહેવાલ સાંપડી રહ્યા છે. જોકે, આ બાબતને લઈને સરકાર કે સંબંધિત ધારાસભ્યોએ પણ કોઇ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શિંદે આ નિર્ણયથી નારાજ છે.

સુરક્ષા હટાવવાના આ નિર્ણય પર વિપક્ષોએ પણ વ્યંગ કર્યાે છે. શિવસેના(ઉદ્ધવ જૂથ)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ટ્‌વીટ કરીને લખ્યું કે, ‘મહાયુતિ વેલેન્ટાઈન મહિનો મનાવી રહી છે…નહીં.’ જ્યારે શિવસેના ઉદ્ધવ જૂથના સંજય રાઉતે આ મહાયુતિની સરકારમાં ખટરાગ હોવાનો સંકેત આપ્યો છે.

આ પહેલા, ભાજપ અને શિંદે જૂથની વચ્ચે રાયગઢ અને નાસિક જિલ્લાના સંરક્ષક મંત્રીની નિયુક્તિને લઈને વિવાદ પેદા થયો હતો. હકીકતમાં, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એનસીપીના અદિતિ તટકરેને રાયગઢના પ્રભારી મંત્રી નિયુક્ત કર્યા હતા, જે એકનાથ શિંદેને પસંદ નથી. આ પદ માટે શિંદે પોતાની પાર્ટીના કોઈને નેતાની નિયુક્તિ ઈચ્છતા હતા, કેમ કે રાયગઢમાં શિવસેનાનો ખૂબ પ્રભાવ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.