Western Times News

Gujarati News

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા ભરમોર-હિમાચલ પ્રદેશ ખાતે યમયજ્ઞ યોજાયો

(તસ્વીરઃ અશોક જોષી) પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા ભરમોર-જિ. ચંબા, હિમાચલ પ્રદેશ ખાતે ધર્માચાર્ય પૂ. પરભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં ચોર્યાસી મંદિર પરિસરમાં અખાત્રીજના શુભ દિવસે ૧૦૮ કુંડી યમયજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞમાં સહભાગી થવા માટે અગાઉ કોસંબા ખાતે દેહશુદ્ધિ કરવામાં આવી હતી.

તે ઉપરાંત યજ્ઞ સ્થળે પણ દેહશુદ્ધિ કરવામાં આવી હતી. ધર્મરાજ મંદિરના ભૂદેવો સુમનજી મહારાજ અને તેમના સહાયકોએ યજ્ઞની સંપૂર્ણ વિધિ સંપન્ન કરાવી હતી. જેમાં પ્રગટેશ્વર ધામ, આછવણીના ભૂદેવો અનિલભાઈ જોશી અને કશ્યપભાઈ જાનીએ પણ સહયોગ આપ્યો હતો. યજ્ઞની પૂર્વ સંધ્યાએ શિવ પરિવાર દ્વારા ચોર્યાસી મંદિર પરિસરમાં આવેલા વિવિધ મંદિરોમાં સ્થાપિત દેવતાઓને વાજત-ગાજતે શોભાયાત્રા કાઢી વાઘા અર્પણ કરાયા હતા.

ધર્મરાજ મંદિરની સંધ્યા આરતીમાં યજ્ઞમાં ઉપસ્થિત સૌ શિવ પરિવારે ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. યજ્ઞમાં ઉપસ્થિત શિવ પરિવારે બ્રહ્માણી માતાજીના દર્શન પણ કર્યા હતા.

પ્રગટેશ્વર શિવ પરિવારે સુંદર ગરબો તેમજ દમણના પ્રથમ પટેલે શિવ મહિમા સ્ત્રોત્ર રજૂ કર્યો હતો. શ્રુષ્ટિ પટેલે એકપાત્રિય અભિનય થકી જીવનમાં સારા કાર્યો કરવાની પ્રેરણા આપી હતી. રિદ્ધિ પટેલ અને દર્શના પટેલે ભગવાન શ્રીકૃષ્ણ અને શિવના પરિવેશમાં નૃત્ય કર્યું હતું.

આ યજ્ઞના આયોજન માટે આવેલા શિવભક્તોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. યજ્ઞ આચાર્યોને પણ દાન-દક્ષિણા આપી સન્માનિત કરાયા હતા.
મોક્ષધેનુ ગાયનું દાણ અને પૂજા કરવાથી નર્ક યાતના ભોગવવી પડતી નથી જેથી શિવ પરિવારે ચાંદીની મોક્ષધેનુ ગાયની પૂજા કરી તેનું દાન કર્યું હતું.

આ અવસરે ધર્માંચાર્ય પરભુદાદાએ સૌની ઉપર ભગવાનની કૃપા બની રહે અને આત્માઓનું કલ્યાણ થાય તેવા આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું કે, જીવનમાં વિવિધ પ્રકારના પાપ થાય છે, જેમાં શારીરિક પાપ જમા થાય છે, જ્યારે માનસિક પાપ જમા થતું નથી જેથી તે ભોગવવું પડતું નથી, સાચી સાધનાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ભક્તિ સાર્વત્રિક સુખ આપે છે.

મૃત્યુ લોકમાં ક્યાંય પણ મૃત્યુ થાય તેની આત્મા ભરમોર ધર્મરાજ મંદિરમાં આવે છે. પિતૃ આપણને કોઈ દિવસ દુઃખી કરતા નથી, આપણા પિતૃઓ ની આત્માની તૃપ્તિ માટે તર્પણ કરવું જરૂરી છે. અક્ષય તૃતીયાના દિવસે કરેલા કર્મનું ચક્રવૃધ્ધિ વ્યાજ મળે છે, તીર્થમાં પૂજા કરીએ ત્યારે લાખો ગણું પુણ્ય મળે છે, પણ આ ડુંગર ઉપર કરેલું સ્તકર્મ અમૂલ્ય ફળ આપે છે, કારણ કે, અહીં ભૂગર્ભમાં દેવી દેવતાઓનો વાસ છે.

આપણે આ દિવ્ય અને શ્રેષ્ઠ ભૂમિ ઉપર આવ્યા છીએ ત્યારે બને એટલા સત્કર્મો કરી પુણ્ય કમાવાનો અવસર પ્રાપ્ત કરી લેવો જોઈએ. આજના યજ્ઞમાં ઉપસ્થિત રહેનારાની યમરાજાએ પરીક્ષા લીધી પણ તેમાં શિવ પરિવાર પાસ થઈ ગયો જે આપણા યજ્ઞની સફળતા જ છે. યજ્ઞના આચાર્યને પંડિત પણ કહેવાય છે, જે યજ્ઞના રાજા છે, જેમનું યોગ્ય સન્માન કરવું જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.