કારમા પરાજયને લીધે દિલ્હીના સુકાનીપદેથી યશ ધૂલેની હકાલપટ્ટી
નવી દિલ્હી, રણજી ટ્રોફી ૨૦૨૪ની શરૂઆતની મેચમાં ગઈકાલે દિલ્હીની ટીમને પુડ્ડુચેરી સામે ૯ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારમી હારનો ભોગ બન્યાના કલાક બાદ જ યશ ધૂલને સુકાનીપદથી હટાવી દેવામાં આવ્યો હતો. સિનિયર બેટ્સમેન હિંમત સિંહ હવે ૧૨ જાન્યુઆરીથી જમ્મૂ-કાશ્મીર સામે રમાનાર મેચમાં દિલ્હીની કેપ્ટનશીપ સંભાળશે.
દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)ના સંયુક્ત સચિવ રાજન મનચંદાએ જણાવ્યું હતું કે, યશ પ્રતિભાશાળી ખેલાડી છે પરંતુ અત્યારે ફોર્મમાં નથી. અમે ઇચ્છીએ છીએ કે તે બેટ્સમેન તરીકે સારું પ્રદર્શન કરે અને તેથી અમે તેને કેપ્ટનશીપના બોજમાંથી મુક્ત કર્યો. હિંમત અમારો સિનિયર ખેલાડી છે અને તેણે ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે. તે ટીમનો કેપ્ટન રહેશે.
ગયા વર્ષે યશની ગેરહાજરીમાં હિંમતના નેતૃત્વમાં દિલ્હીની ટીમે મુંબઈ સામે મોટી જીત મેળવી હતી. હિંમતે વર્ષ ૨૦૧૭માં ડેબ્યુ કર્યો હતો. તેણે અત્યાર સુધી ૨૨ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. ફાસ્ટ બોલર નવદીપ સૈની અને ઇશાંત શર્મા જમ્મૂ કાશ્મીર સામે રમાનાર મેચમાં ટીમનો ભાગ નહીં હોય. સૈનીને ભારત-એટીમમાં સામેલ કરવામાં આવ્યો છે જયારે ઇશાંત શર્મા દિલ્હીમાં રમાનાર મેચ માટે જ ઉપલબ્ધ રહેશે.
અન્ડર-૧૯ વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન રહી ચુકેલા યશ ધૂલને ડિસેમ્બર ૨૦૨૨માં દિલ્હી ક્રિકેટ ટીમની કમાન સોંપવામાં આવી હતી. તેણે ફેબ્રુઆરી ૨૦૨૨માં ડેબ્યુ કર્યો હતો. તેણે અત્યાર સુધી ૪૩.૮૮ની એવરેજથી ૧૧૮૫ રન બનાવ્યા છે. પુડ્ડુચેરી સામે રમાયેલી મેચમાં યશ ૨ અને ૨૩ રન જ બનાવી શક્યો હતો. તેણે આ સત્રમાં લિમિટેડ ઓવર ક્રિકેટમાં પણ દિલ્હીની કેપ્ટનશીપ સંભાળી હતી. SS2SS