Western Times News

Gujarati News

આ રાજ્યોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને યલો એલર્ટઃ SDRF-NDRF એલર્ટ

દેહરાદૂન તેમજ ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદઃ ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી

નવી દિલ્હી, દેશભરમાં મેઘરાજા રિઝ્‌યા છે અને તેમની મહેર કરી રહ્યા છે. દેશના કેટલાક ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં લઇને ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ

અને મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.”આગામી પાંચ દિવસ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં વાવાઝોડા અને વીજળી સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે,” એમ આઈએમડીદ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં જણાવાયું છે.

ઉત્તરાખંડમાં ૫ જુલાઈ સુધી મોનસૂન એલર્ટઃ- હવામાન વિભાગે સમગ્ર ઉત્તરાખંડમાં ૫ જુલાઈ સુધી મુશળધાર વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં દેહરાદૂન તેમજ ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર બિક્રમ સિંહે વરસાદ દરમિયાન મુસાફરી ટાળવાની અપીલ કરી છે. દરમિયાન ઉત્તરાખંડ પ્રશાસન ભારે વરસાદને જાેતા એલર્ટ પર છે.

અધિક પોલીસ મહાનિર્દેશક (એડીજી) કાયદો અને વ્યવસ્થા, વી મુરુગેસને જણાવ્યું છે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની ટીમો અમરનાથ યાત્રાના રૂટ પર તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.

”એસડીઆરએફ અને એનડીઆરએફ સંપૂર્ણ એલર્ટ પર છે અને તેમને કોઈપણ સંભવિત ઘટનાનો સામનો કરવા માટે તેમને સૂચનાઓ આપવામાં આવી છે,” એમ એડીજીએ જણાવ્યું હતું. રાજ્યભરમાં ભારે વરસાદને જાેતા હવામાન વિભાગે રાજ્યના આઠ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

હમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ છે અને હવામાન વિભાગે ૨૮ અને ૨૯ જૂનના રોજ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જારી કરી છે. આ સાથે જ ૩૦ જૂન અને ૧ જુલાઈએ વાવાઝોડા અને વીજળીની ચેતવણી પણ આપવામાં આવી છે.

ગોવાની રાજધાની પણજીના અનેક ભાગોમાં મંગળવારે રાત્રે અવિરત વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. પૂર્વી મહારાષ્ટ્રના ગોંદિયા અને ભંડારા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ થયો છે. વરસાદના પગલે પૂજારીટોલા ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા.

ગોંદિયાના કલેક્ટર ચિન્મય ગોતમારેએ નદી કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ ગુરુવાર સુધી મુંબઈ અને થાણે જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે પાલઘર અને રાયગઢ જિલ્લાઓ માટે સમાન સમયગાળા માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.