બિરસા મુંડા કચેરી સામે આપ અને વિદ્યાર્થીઓનું હલ્લાબોલ
ગાંધીનગર, અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજનાને રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને રદ કરવાના વિરોધમાં ગાંધીનગરમાં બિરસા મુંડા કચેરી ખાતે વિદ્યાર્થીઓ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા હલ્લા બોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં ૬૦ હજાર વિદ્યાર્થી સ્કોલરશીપથી વંચિત રહી જશે તેવો દાવો કરાયો હતો. આપના ધારાસભ્ય વસાવાએ એવી ચીમકી આપી હતી કે, સરકાર માગણી નહીં સ્વીકારે તો પાંચ દિવસ બાદ તમામ જિલ્લામાં આદિજાતિ વિકાસ કમિશનર કચેરીઓની તાળાબંધી કરાશે અને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ધરણાં પ્રદર્શન કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, આદિજાતિનું અલગ બજેટ છતાં સરકાર ૫૦૦થી ૬૦૦ કરોડ રૂપિયા શિષ્યવૃતિમાંથી કાઢીને પોતાના કાર્યક્રમોમાં વાપરી રહી છે. ૨૦૧૦થી જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના ચાલુ હતી તે પરિપત્ર બહાર પાડીને બંધ કરી દેવાઈ છે. અનેક વિદ્યાર્થીઓના એડમિશન જે કોલેજોએ મેનેજમેન્ટ ક્વોટામાં આપ્યા હતા તે પણ રદ કરી દેવાયા છે. ભાજપ સરકારની આદિજાતિ વિરોધી માનસિકતા છતી થઇ છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શિષ્યવૃત્તિ હેઠળ મળવાપાત્ર મેનેજમેન્ટ ક્વોટાની શિષ્યવૃત્તિ સરકારે બંધ કરી દેતા હજ્જારો વિદ્યાર્થીનાં ભવિષ્ય સાથે ચેડાં કરાયા છે. સરકારની આ નીતિનો વિરોધ કરીને આગામી દિવસોમાં કાર્યક્રમો આપવામાં આવશે. હલ્લા બોલ કાર્યક્રમમાં આદિજાતિના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સરકારની નીતિનો ઉગ્ર વિરોધ કર્યાે હતો.SS1MS