તમે મોટા હાઇવે બનાવી રહ્યા છો, સુવિધાને અભાવે લોકો મરી રહ્યાં છેઃ સુપ્રીમ

નવી દિલ્હી, માર્ગ અકસ્માતના પીડિતોની સારવાર માટે કેશલેસ યોજના બનાવવામાં વિલંબ બદલ કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે તમે મોટા-મોટા હાઇવે બનાવી રહ્યા છો, પરંતુ સુવિધાઓના અભાવે લોકો ત્યાં મરી રહ્યાં છે.
ન્યાયાધીશ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુયાનની બનેલી ખંડપીઠે અવલોકન કર્યું હતું કે ૮ જાન્યુઆરીએ આદેશ અપાયો હોવા છતાં કેન્દ્રએ ન તો તેનું પાલન કર્યું કે ન તો સમય વધારવાની માંગણી કરી છે.
મોટર વાહન ધારાની કલમ ૧૬૪એ પહેલી એપ્રિલ, ૨૦૨૨એ ત્રણ વર્ષ માટે અમલી બનાવામાં આવી હોવા છતાં કેન્દ્રે દાવેદારોને વચગાળાની રાહત માટે યોજના બનાવીને તેનો અમલ કર્યાે નથી. તમે કોર્ટનો તિરસ્કાર કરી રહ્યો છો.
તમે સમય વધારવાની માગણી કરવાની પણ પરવા કરી નથી. આ શું ચાલી રહ્યું છે? તમે અમને કહો કે તમે યોજના ક્યારે બનાવશો? તમને તમારા પોતાના કાયદાઓની પરવા નથી.
આ જોગવાઈ લાગુ થયાને ત્રણ વર્ષ થયા છે. શું તમે ખરેખર સામાન્ય માણસના કલ્યાણ માટે કામ કરી રહ્યા છો? સર્વાેચ્ચ અદાલતે માર્ગ પરિવહન મંત્રાલયના સચિવને આકરા સવાલ કર્યા હતાં કે શું તમે હળવાશથી લઇ રહ્યો છો? શું તમે આ જોગવાઈ પ્રત્યે ગંભીર નથી? લોકો માર્ગ અકસ્માતમાં મરી રહ્યા છે. તમે મોટા હાઇવે બનાવી રહ્યા છો, પણ ત્યાં કોઈ સુવિધા ન હોવાથી લોકો મરી રહ્યા છે.
ગોલ્ડન અવર ટ્રીટમેન્ટ માટે કોઈ યોજના નથી. આટલા બધા હાઇવે બનાવવાનો શું ઉપયોગ? કોર્ટે આ યોજનામાં વિલંબના કારણો સમજાવવા માટે અધિકારીને સમન્સ કર્યાં હતાં. સોમવારે સચિવે જણાવ્યું હતું કે એક ડ્રાફ્ટ સ્કીમ તૈયાર કરવામાં આવી હતી, પરંતુ જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલએ વાંધો ઉઠાવતા અવરોધ ઉભો થયો છે.SS1MS