Western Times News

Gujarati News

કેનેડામાં નવી વર્ક પરમિટની રાહ જોયા વગર નોકરી બદલી શકાશે

ઓન્ટારિયો, કેનેડાની નવી સરકારે દેશના અર્થતંત્રમાં વિદેશી શ્રમિકો અને કર્મચારીઓની ભૂમિકા મહત્વની હોવાનું સ્વીકાર્યું છે. દેશમાં રહેતાં વિદેશી હંગામી કર્મચારીઓની કુશળતાનો બહેતર ઉપયોગ કરવા માટે કેનેડાની સરકારે નવી ટેમ્પરરી પબ્લિક પોલિસીની જાહેરાત કરી છે.

આ નવી નીતિ અંતર્ગત ભારત સહિતના વિદેશી નાગરિકો તેમની નવી વર્ક પરમિટ અરજીની પ્રક્રિયા પૂરી થાય તે પહેલાં જ નોકરી બદલી શકશે.આ અગાઉ વિદેશી કર્મચારીઓ કે શ્રમિકોએ નવી વર્ક પરમિટની રાહ જોવાની સાથે સાથે જ કંપની કે વ્યવસાય બદલવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું અને તેમાં ઘણો સમય નીકળી જતો હતો.

વધુ લાંબો સમય સુધી રાહ જોવાને કારણે શ્રમિકોને આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરવો પડતો હતો. જ્યારે બીજી તરફ કુશળ શ્રમિકોના અભાવે તાત્કાલિક ભરતી કરવા ઈચ્છતી કેનેડિયન કંપનીઓની કામગીરી પર માઠી અસર પડે છે.

આ નવા નિયમને કારણે હાલમાં કેનેડામાં રહેતા અને ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ કે ઈન્ટરનેશલ મોબિલિટી પ્રોગ્રામ હેઠળ જોબ ઓફર ધરાવતાં વિદેશી શ્રમિકો ઝડપથી તેમની નોકરી કે વ્યવસાય બદલી શકશે.

કેનેડાની ઈમિગ્રેશન અંગેની વેબસાઈટ ઈમિગ્રેશન, રિફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડાના જણાવ્યાં અનુસાર, અહીં રહેતાં હંગામી વિદેશી શ્રમિકોની કુશળતા અને તાલીમનો બહેતર ઉપયોગ કરવો જરૂરી છે.

આ નવી પોલિસી શ્રમિકોને સરળ અને સમયસર નોકરી બદલવાનો વિકલ્પ ઉપલબ્ધ બનાવે છે.એક કન્સલ્ટન્ટના જણાવ્યાં અનુસાર, આઈઆરસીસીની ટેમ્પરરી પબ્લિક પોલિસીને પગલે ભારત સહિતના હંગામી વિદેશી શ્રમિકો તેમની નવી વર્ક પરમિટની અરજી પ્રક્રિયા હેઠળ હોવા છતાં તેમની નોકરી બદલી શકશે.

આ બાબત ક્લોઝ્ડ વર્ક પરમિટ ધરાવતાં લોકોને લાગુ પડશે. કેનેડાના કામ કરતાં વિદેશી હંગામી કર્મચારીઓમાં ભારતીયોની સંખ્યા ઘણી મોટી છે. વર્ષ ૨૦૨૨માં ભારતીય નાગરિકોને આશરે એક લાખથી વધુ વર્ક પરમિટ જારી કરાઈ હતી. મોટાભાગના ભારતીયો આઈટી, હેલ્થકેર, કેરગિવિંગ તથા કૃષિ જેવા ક્ષેત્રોમાં કામ કરવા માટેની એમ્પલોયર-સ્પેસિફિક (ક્લોઝ) વર્ક પરમિટ મેળવે છે.

આ નવી પોલિસીને પગલે તેઓ નવી પરમિટની રાહ જોયા વગર જ પોતાની નોકરી બદલી શકશે. જેનાથી તેમણે નવી વર્ક પરમિટ ના આવે ત્યાં સુધી નોકરી વગર બેસી નહીં રહેવું પડે અને વધુ બહેતર નોકરીની તક ઝડપી શકશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.