Western Times News

Gujarati News

પહેલાના જમાનામાં વજન ગણતરીમાં ૯૬ રત્તી એટલે એક તોલો

તમને તો મારી રત્તીભર પણ ચિંતા નથી: જાણીશું રત્તી શબ્દની વાસ્તવિકતા

રત્તી એટલે શું? રત્તી આ શબ્દ લગભગ દરેક જગ્યાએ સાંભળવા મળે છે. જેમકે તમને તો મારી રત્તીભર પણ ચિંતા નથી, તમોને તો રત્તીભર શરમ જેવું નથી,તમારામાં તો રત્તીભર બુદ્ધિ નથી. આપ પણ અનેકવાર આ શબ્દ બોલ્યા હશો અને લોકોના મોઢે પણ અનેકવાર આ શબ્દ સાંભળ્યો હશે.

આજે આપણે જાણીશું રત્તીની વાસ્તવિકતા અને સામાન્ય બોલચાલમાં આ શબ્દ કેવી રીતે ઉપયોગમાં આવ્યો?

આપને જાણીને નવાઇ લાગશે કે રત્તી એક પ્રકારનો છોડ છે જે લગભગ પહાડો ઉપર જોવા મળે છે.તેની વટાણાની શિંગો જેવી શિંગોમાં લાલ-કાળા રંગના બીજ(દાણા) હોય છે તેને રત્તી કહેવામાં આવે છે. ગામડાઓમાં તેને ચણોઠી પણ કહેવામાં આવે છે.

પ્રાચીન સમયમાં જ્યારે વજન માપવાના સાધનો ન હતા ત્યારે સોના અને ઝવેરાતનું વજન કરવા માટે રત્તીના દાણાનો ઉપયોગ કરવામાં આવતો હતો.સૌથી નવાઇની વાત એ છે કે આ ફળનું ગમે તેટલું આયુષ્ય થાય તેમ છતાં તેના અંદરના બીજનું વજન એક સમાન જ ૧૨૧.૫૦ મિલિગ્રામ (એક ગ્રામનો લગભગ આઠમો ભાગ) થાય છે. પુરાતન સમયમાં વજન ગણતરીમાં ૯૬ રત્તી એટલે એક તોલો ગણવામાં આવતું હતું. ચણોઠી અથવા રત્તી (Coral Bead) વેલ જાતિની એક વનસ્પતિ છે.

રત્તીના વજનમાં સહેજપણ વધઘટ ના થતી હોવાથી તથા એક સમાન રહેવાના ગુણના લીધે વજન કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.તેવી જ રીતે કોઇ વ્યક્તિના ગુણ, સ્વભાવ, કર્મને માપવા માટે સર્વસામાન્ય રીતે બોલચાલમાં રત્તી શબ્દનો પ્રયોગ થવા લાગ્યો હતો. -સુમિત્રા દાદુભાઇ નિરંકારી છક્કડીયા(ધાણીત્રા),તા.ગોધરા (પંચમહાલ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.