‘તમે તો નવો કાયદો શોધી કાઢ્યો’ સુપ્રીમે મધ્યપ્રદેશ હાઇકોર્ટની ઝાટકણી કાઢી

નવી દિલ્હી, મધ્યપ્રદેશ હાઇકોર્ટના એક આદેશ સામે રોષ ઠાલવતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અમને આશ્ચર્ય થાય છે કે હાઈકોર્ટે એક નવો કાયદો શોધી કાઢ્યો છે, જેનો કોઇ આધાર નથી.
મધ્યપ્રદેશ હાઇકોર્ટે તેના વિવાદાસ્પદ આદેશમાં જણાવ્યું હતું કે દોષિતની સજા સ્થગિત કરવાની કે જામીન આપવાની અરજીને ત્યારે જ મંજૂરી આપવામાં આવશે જ્યારે તે અડધી સજા પૂરી કરે. સુપ્રીમે જામીન મંજૂર કરતાં જણાવ્યું હતું કે હાઇકોર્ટમાં કેસોના ભરાવાને કારણે નજીકના ભવિષ્યમાં સજા સામેની અપીલની સુનાવણી થવાની શક્યતા ન હોય તો દોષિતને જામીન આપવા જોઇએ.
અમને આશ્ચર્ય થાય છે કે હાઈકોર્ટે એક નવો કાયદો શોધી કાઢ્યો છે, જેનો કોઇ આધાર નથી. હાઈકોર્ટે કાયદાને યોગ્ય રીતે લાગુ કરવો જોઈતો હતો અને અરજદારને જામીન માટે સુપ્રીમ કોર્ટમાં આવવું પડે તેવી સ્થિતિ ઊભી કરવી જોઇતી ન હતી.
હાઇકોર્ટના આદેશમાં જણાવાયું હતું કે અપીલકર્તાના પેન્ટના ખિસ્સામાંથી નકલી ચલણી નોટો મળી આવી છે અને તેના માટે કોઈ સ્પષ્ટતા નથી તે હકીકતને ધ્યાનમાં રાખીને સજા સસ્પેન્શન અને જામીન મંજૂર કરવા માટે કોઈ આધાર બનતો નથી. પ્રથમ અરજી નકારી કાઢ્યાના બે મહિનામાં જ બીજી અરજી કરી છે.
તેથી સ્પષ્ટતા કરવામાં આવે છે કે અડધી જેલ સજા પૂરી થયા પછી જ અરજદાર નવી અરજી કરી શકે છે. કાયદાના સામાન્ય ઉલ્લંઘનના કેસોમાં જામીનનો ઇનકાર કરતી ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટ સામે પણ સુપ્રીમે સખત નારાજગી વ્યક્ત કરી હતી.SS1MS