ડોક્ટરે કહેલું, “કિંજલના આયુષ્યનું કંઈ નક્કી નથી, દર 15 દિવસે ચડે છે બ્લડ’, છતાં નવીને વર્ષ 2017માં લગ્ન કર્યા

થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે પ્રોત્સાહનરૂપ કિસ્સો-આ યંગ કપલે વર્ષ 2019માં દીકરીને જન્મ આપ્યો અને આજે 5 વર્ષની દીકરી નવ્યા સાથે પોતાનું સફળ દામ્પત્યજીવન જીવી રહ્યાં છે
કિંજલના મેરેજ વિશે અમે ક્યારેય વિચાર્યુ નહોતું. અમે માનતા હતા કે કોઈ છોકરો તેની સાથે લગ્ન માટે તૈયાર નહીં થાય. મેં તેને આજીવન સાથે રાખવાનું નક્કી કરી લીધેલું. આ વાત કિંજલે પણ સ્વીકારી લીધેલી, આમ છતાં તે ક્યારેક મને પૂછી બેસતી કે,’પપ્પા,શું મારા લગ્ન ખરેખર ક્યારેય નહીં થાય? ‘અને હું કંઈ જવાબ આપી ન શકતો.’ આ શબ્દો છે કિંજલના પિતા સંજીવ શાહના.
એ કિંજલ જેને ત્રણ મહિનાની ઉંમરથી જ થેલેસેમિયા મેજર છે. જેને અગાઉ મહિનામાં એક વાર બ્લડ ચડાવવું પડતું હતું અને આજે દર પંદર દિવસે ચડાવવું પડે છે. ડોક્ટર્સ જેના આયુષ્યની કોઈ ગેરંટી આપવા તૈયાર નહોતું, જેને ખુદના લગ્ન થવા અંગે શંકા હતી તેની સાથે નવીન લાઠીએ વર્ષ 2017માં લગ્ન કર્યા. નવીન કિંજલના પ્રેમમાં એવો પડ્યો કે ખુદ કિંજલ, તેના પિતા કે ડોક્ટરની પણ સમજાવટ કામ ન લાગી.
આજે કિંજલ અને નવીન પોતાની 5 વર્ષની દીકરી નવ્યા સાથે પોતાનું સફળ દામ્પત્યજીવન જીવી રહ્યા છે. આમ, આ યંગ કપલ આજે સમાજના એવા દરેક થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે પ્રોત્સાહનરૂપ કિસ્સો બન્યો છે, જે થેલેસેમિયા મેજર જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. આ કપલ આજે થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓમાં જાગૃતિ લાવવાનું પણ કામ કરી રહ્યું છે.
કિંજલના પિતા સંજય શાહ કહે છે કે, હજુ તો અમે અમારી દીકરી કિંજલને પાપા પગલી કરતા શીખવાડ્યું પણ નહોતું અને કિંજલના જન્મના ત્રીજા જ મહિને અમે ખબર પડી કે તેને થેલેસેમિયા જેવી મેજર છે. પણ અમે હિંમત હાર્યા નહીં અને કિંજલની સાંરસભાળ રાખતા ગયા. કિંજલ જેમ-જેમ મોટી થતી ગઇ તેમ-તેમ તેને પણ આ બીમારી વિશે ખ્યાલ આવતો ગયો અને કિંજલ પણ આ બીમારી સામે લડતી રહી અને જીવનમાં આગળ વધતી ગઇ.
પોતાના સફળ દામ્પત્યજીવનની શરૂઆત કેવી રીતે થઈ, એ અંગે વાત કરતા કિંજલ કહે છે કે, આ લવ સ્ટોરીની શરૂઆત ત્યારે થઈ જ્યારે ફ્રેન્ડશીપ ડેના દિવસે અચાનક જ મારા પર નવીનનો ફોન આવ્યો. તેણે અચાનક જ ફોન પર મારી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. મને થયું કે કદાચ તે મારા આરોગ્ય વિશે નહીં જાણતો હોય. મેં તેની સાથે મુલાકાત ગોઠવી. પ્રથમ મુલાકાતમાં મેં તેને પૂછ્યું,’તું મારા વિશે શું જાણે છે?’ નવીને કહ્યું,’મેં જાણ્યુ છે કે તને બ્લડ કેન્સર છે.
છતાં હું તારી સાથે લગ્ન માટે તૈયાર છું. લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ નહીં તો નહીં કરું. મેં તેને કહ્યું, ‘ મને બ્લડ કેન્સર નહીં પણ થેલેસેમિયા મેજર છે. દર પંદર દિવસે બ્લડ ચડાવવું પડે છે. મારા આયુષ્યનું કંઈ નક્કી નથી. હું લગ્ન જ કરવા નથી માગતી ને આપણા પરિવારો પણ આ સંબંધ માટે તૈયાર નહીં થાય, આમ છતાં તે ન માન્યો. એકાદ મહિનામાં મને ખ્યાલ આવી ગયો કે આ છોકરો મને છેલ્લા શ્વાસ સુધી સાથ આપી શકે તેમ છે અને મેં તેને હા પાડી દીધી. મારી અત્યાર સુધીની ટ્રીટમેન્ટમાં મારા અંકલ ડૉ. ચિરાગ શાહ અને ડૉ. અનિલ ખત્રીનો ખૂબ સહયોગ મળ્યો છે.
કિંજલની શરૂઆતથી ટ્રીટમેન્ટ કરનાર તેમજ ગુજરાત સરકારની થેલેસેમિયા ટાસ્ક ફોર્સમાં સભ્ય ડો. અનિલ ખત્રી કહે છે કે, કિંજલ થેલેસેમિયા મેજર બીમારી પીડાય છે. કિંજલની ટ્રીટમેન્ટ હું શરૂઆતથી કરતો આવ્યો છું. આ બીમારીમાં દર્દીને દર પંદર દિવસે લોહી ચડાવવું પડે છે. આ દર્દીઓનું આયુષ્ય પણ સામાન્ય લોકોના આયુષ્ય કરતાં ઓછું હોય છે. થેલેસેમિયા મેજર દર્દીઓને લોહી ચડવાને કારણે તેમના શરીરમાં આયર્નની માત્રા વધી જાય છે.
જેને કારણે તેમનાં અન્ય અંગોને પણ તે નુકસાન કરી શકે છે. જ્યારે કિંજલના ફાધર સંજય શાહ પ્રથમ વખત નવીનને લઇને મારા ક્લિનિક પર મળવા આવ્યા ત્યારે મેં નવીનને સ્પષ્ટ કહ્યું હતું કે, કિંજલને દર પંદર દિવસે બ્લડ ચડાવવું પડે છે. ક્યારે શું બની જાય એક કંઈ કહેવાય નહીં. દવાઓનો પણ ખર્ચ થશે. જો તમામ સમસ્યાઓ સામે લડવા તૈયાર હોવ તો જ હા પાડજો. નવીન એ સમયે મારી વાત સાંભળતો જ રહ્યો કંઈ ન બોલ્યો, બહાર આવીને કિંજલના પિતાને કહ્યું કે,’ ગમે તે થઈ જાય પણ હું કિંજલ સાથે લગ્ન કરવા તૈયાર જ છું. હું એનો સાથ ક્યારેય નહીં છોડું. આખરે તેઓના પ્રેમની મક્કમતાને કારણે બન્ને પરિવારે એકબીજાની સહમતિથી વર્ષ 2017માં લગ્ન કરાવ્યાં હતાં.
ડો. અનિલ ખત્રી કહે છે કે, થેલેસેમિયા મેજર દર્દીઓ માટે સામાન્ય જીવન જીવવું જ મુશ્કેલ છે ત્યારે તેમને બાળકને જન્મ આપવો એ તો ઘણું જ પડકારજનક છે. કિંજલે માતૃત્વની ઝંખનામાં બાળકને જન્મ આપવાનો નિર્ણય કર્યો હતો. કિંજલે જુલાઇ 2019માં બાળકીને જન્મ આપ્યો હતો. હાલ તેમની દીકરી પાંચ વર્ષની છે અને તંદુરસ્ત છે.
થેલેસેમિયા શું છે ?
થેલેસેમિયા એક આનુવંશિક રોગ છે, જેમાં શરીર પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન બનાવવામાં નિષ્ફળ જાય છે. સામાન્ય રીતે આપણા લોહીમાં લાલ રક્તકણમાં હિમોગ્લોબીન નામનું એક પ્રોટીન હોય છે, જે માનવ શરીરના દરેક અંગો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. આપણે જે ખોરાક લઈએ તેમાંથી લોહતત્ત્વ મળે છે અને હાડકા વચ્ચે રહેલી અસ્થિમજ્જા (બોનમેરો) આ લોહતત્ત્વને હિમોગ્લોબીનમાં રૂપાંતર કરવાનું કામ કરે છે.
થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિની અસ્થિમજ્જાથી લોહતત્ત્વનું હિમોગ્લોબીનમાં રૂપાંતર થઇ શકતું નથી. જેના કારણે શરીરના અન્ય અવયવોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી શકતો નથી અને અવયવોની કાર્યક્ષમતા ઘટે છે. થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિના શરીરના અવયવો નબળા પડતા અંતમાં તેમણે અનેક સમસ્યાઓ અને બીમારીઓનો સામનો કરવો પડે છે.
થેલેસેમિયાને અટકાવવા શું કરી શકાય?
ડો. અનિલ ખત્રી કહે છે કે, મેજરને નિવારવા માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ઉપરાંત કોઈ કાયમી ઈલાજ નથી. થેલેસેમિયાને મૂળથી જ નાબૂદ કરવા માટે દરેક વ્યક્તિએ લગ્ન પહેલા અથવા ગર્ભ ધારણ કરે તે પહેલા થેલેસેમિયા માઈનરનો ટેસ્ટ કરાવવો જોઈએ. જો બંને પાત્ર માઈનર હોય તો લગ્ન ન કરવા જોઈએ. અજાણતા લગ્ન થઇ જાય તો પણ ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભસ્ત શિશુનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. જો શિશુ મેજર હોય તો કાયદાકીય ગર્ભપાત કરાવવું હિતાવહ છે.