૧૫ વર્ષની કિશોરીને મગર ખેંચી ગયોઃ ૫૦ મીટર દૂરથી મૃતદેહ મળ્યો
(એજન્સી)વડોદરા, વડોદરાના વાઘોડિયા તાલુકાના ગોરજ ગામ પાસેથી પસાર થતી દેવ નદીમાં કપડા ધોવા માટે ગયેલી કિશોરીને મગર પૂંછડીની ઝાપટ મારીને નદીમાં ખેંચી ગયો હતો. અને કિશોરીના હાથમાં અને ખભામાં બચકાં ભર્યાં હતા. જેમાં કિશોરીનું મોત થયું હતું.
આ બનાવની જાણ વડોદરા ઇ.આર.સી. ટીમને થતાં તુરંત જ લાશ્કરો પહોંચી ગયા હતા અને નદીમાં ૫૦ મીટર દૂરથી કિશોરીનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાઘોડિયા તાલુકાના મોહનપુરા ગામમાં રહેતી ૧૫ વર્ષની તુલસી હરીશભાઈ નાયકા વાઘોડિયા તાલુકાના વલવા ગામમાં મામાના ઘરે ગઇ હતી. મામાના ઘરે ગયેલી તુલસી અને તેની સહેલી સવારે ગોરજ મુની આશ્રમ પાછળથી પસાર થતી દેવ નદીમાં કપડા ધોવા માટે ગઇ હતી.
તુલસી અને તેની સહેલી કપડા ધોવામાં મશગુલ હતી તે સમયે નદીમાંથી ધસી આવેલા મગરે તુલસીને પૂંછડીની ઝાપટ મારી નદીમાં ખેંચી ગયો હતો. સહેલીએ તુલસીને બચાવવા માટે બુમરાણ મચાવી મૂકી હતી. પરંતુ, તે સમયે હાજર કોઇ ન હોવાથી મગર તુલસીને ૫૦ મીટર દૂર નદી સ્થિત બાવળોમાં ખેંચી ગયો હતો.
દરમિયાન આ બનાવની જાણ સ્થાનિક લોકોને થતાં મોટી સંખ્યામાં લોકો નદી કિનારે પહોંચી ગયા હતા. બીજી બાજુ આ બનાવ અંગેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ઇ.આર.સી.ના જવાનો સબ ઓફિસર જશુભાઇ વાઘેલા, સર સૈનિક પ્રભાતભાઇ તેમજ ઇ.આર.સી.ની ટીમના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા.
અને નદીની સ્થિતી અને નદીમાં મગરના વસવાટને ધ્યાનમાં લઇ ટીમ રબર બોટમાં કુહાડી, વાંસ જેવા સાધનો સાથે તુલસીને શોધવા માટે નદીમાં ગઇ હતી.
દેવ નદીમાં ભારે શોધખોળ બાદ ફાયર બ્રિગેડની ટીમને ૫૦ મીટર દૂર નદી કિનારે ઉગેલા બાવળોમાંથી તુલીસીનો મૃતદેહ મળી આવ્યો હતો. મગરે તુલસીને ખભામાં અને હાથમાં ગંભીર ઇજા પહોંચાડી હતી. જેમાં તુલસીનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ વલવા ગામ અને તેના મૂળ વતન મોહનપુરા ગામમાં થતાં ગમગીની ફેલાઇ ગઇ હતી.
તુલસીના મોહનપુરા ગામમાં રહેતા પરિવારજનો પણ વલવા ગામે દોડી આવ્યા હતા. જ્યાં દીકરી તુલસીના મૃતદેહને જાેઇ પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા. પરિવારના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો.